ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતો સંઘર્ષ, બંને દેશોએ સામસામે હુમલા શરૂ કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
- ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે
- શુક્રવારે રાતે ઇઝરાયલે ઈરાનનાં પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યો હતો અને બાદમાં ઈરાને પણ જવાબી કાર્યવાહીમાં મિસાઇલો છોડી
- ત્યારથી લઈને બંને દેશો વચ્ચે સતત હુમલા ચાલુ છે, શનિવારે રાતે પણ ઇઝરાયલ અને ઈરાને એકબીજા પર હુમલા કર્યા છે.
- ઈરાને જણાવ્યું કે ઇઝરાયલે તેનાં તેલ ભંડારો પર અનેક હુમલા કર્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.
- તો ઇઝરાયલનું કહેવું છે કે ઈરાનને તેલ અવિવ પાસે કેટલીક ઇમારતોને નિશાન બનાવી છે અને તેમાં ચાર લોકોનાં મોત થયાં છે.
ઇઝરાયલનું કહેવું છે કે તેણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓને ટાર્ગેટ કરી છે.
બીજી બાજુ, ઈરાને રવિવારે ઇઝરાયલ પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા અને કહ્યું હતું કે તે રાજધાની તેલ અવિવ સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.
શનિવારના હુમલામાં ઇઝરાયલમાં નવ લોકોનાં મૃત્યુ અને 100 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, ઈરાનમાં થયેલી ખુવારી અંગે તાત્કાલિક કોઈ માહિતી બહાર નથી આવી.
ભારતનું કહેવું છે કે આ મામલાનો ઉકેલ સંવાદથી આવવો જોઈએ. ભારતે પોતાને એસસીઓના નિવેદનથી અલગ કરી દીધું છે.
ઈરાનનું કહેવું છે કે જો તેની ઉપર નિશાન સાધવામાં યુકે, ફ્રાન્સ કે અમેરિકાના સૈન્યમથક કે જહાજોનો ઉપયોગ થશે તો તેમને પણ નિશાન બનાવશે. સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, ઇરાક, તુર્કી સહિત અનેક દેશોએ ઈરાન પરના ઇઝરાયલના હુમલાની ટીકા કરી છે.
ઇઝરાયલ અને ઈરાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આઈડીએફનું (ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ) કહેવું છે કે ઈરાનના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય તથા તેના સાથે સંશોધન સંસ્થાઓની ઉપર નિશાન સાધવામાં આવ્યું હતું.
ઇઝરાયલનું કહેવું છે કે આ સિવાય પણ કેટલાંક ઠેકાણે હુમલા કરવામાં આવ્યા છે. અહીં ઈરાન પોતાના પરમાણુ હથિયાર બનાવવા માટે પ્રયાસરત્ હતું અથવા તો પરમાણુ કાર્યક્રમ સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવીને રાખવામાં આવી હતી.
ઈરાનની સરકારી ટીવી ચૅનલનું કહેવું છે કે તેલ અવિવના આકાશમાં ડ્રોન જોવાં મળી રહ્યાં છે અને ઈરાને ઇઝરાયલ પર મોટા પાયે ડ્રોન હુમલો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડે (આઈઆરજીસી) શનિવારે રાત્રે ઇઝરાયલ ઉપર થયેલા હુમલા અંગે નિવેદન બહાર પાડ્યું છે.
આઈઆરજીસીએ કહ્યું હતું કે ફાઇટર જેટ માટે ઈંધણ બનતું હતું અને વીજવ્યવસ્થા હતી, એ ઠેકાણાં પર ઇઝરાયલે હુમલા કર્યા છે.
આઈઆરજીસીએ ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો ઈરાન પર હુમલા કરવાનું ઇઝરાયલ ચાલુ રાખશે, તો ઈરાન પણ ઇઝરાયલ ઉપર વળતા હુમલા કરશે.
આઈઆરજીસીનું કહેવું છે કે તેણે ઈરાન તરફ છોડવામાં આવેલી ત્રણ ક્રૂઝ મિસાઇલ્સ, 10 ડ્રોન તથા અનેક નાના દુશ્મન ડ્રોન્સને તોડી પાડ્યાં છે.
ઈરાન અને ઇઝરાયલમાં તારાજી

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરના ઈરાની હુમલાને કારણે ઇઝરાયલના બેટ યામમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે તથા 100 ઘાયલ થયા છે. જ્યારે તામરા શહેરમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.
ઇઝરાયલની હાઇફા ખાતેની ઑઇલ રિફાઇનરીમાં આગ લાગવાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. ઈરાનના સરકારી ટેલિવિઝને કહ્યું હતું કે હાઇફા અને તેલ અવિવ તેનાં મુખ્ય નિશાન છે. જોકે, હાઇફાની મ્યુનિસિપાલિટીએ કોઈ રૉકેટ ત્રાટક્યું હોવાની વાતને નકારી હતી.
ઇઝરાયલનું કહેવું છે કે તે ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઇલોને ઇન્ટરસૅપ્ટ પણ કરી રહ્યું છે.
શુક્રવારે તેલ અવિવના પરાવિસ્તાર રિશોન લેઝિયોનમાં ઈરાનની મિસાઇલ ત્રાટકી હતી, જેના કારણે બે લોકોનાં મોત થયાં છે, જ્યારે 19 નાગરિક ઘાયલ થયા હતા. આ સિવાય અનેક ઇમારતો તથા ગાડીઓને નુકસાન થયું હતું.
આ પહેલાં શુક્રવારે રાત દરમિયાન છ અલગ-અલગ તબક્કામાં ઈરાનની મિસાઇલો ત્રાટકી હોવાના અહેવાલ છે. દેશભરમાં કુલ ત્રણ લોકોનાં મોત તથા 76 લોકો ઘાયલ થયા છે.
ઈરાન ખાતે યુએનના દૂતના જણાવ્યા પ્રમાણે, શુક્રવારની રાતની પરિસ્થિતિ પ્રમાણે 78 ઈરાની નાગરિક મૃત્યુ પામ્યા હતા.
ઈરાનના આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, 800 લોકો ઘાયલ થયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝન ચૅનલ પરથી પ્રસારિત અહેવાલ પ્રમાણે, તહેરાનમાં એપાર્ટમેન્ટના બ્લૉક પર હુમલો થયો હતો, જેમાં 20 બાળકો સહિત 60 લોકો મૃત્યુ પામ્યા હતા.
ઈરાનના સહારન ઑઇલ ડિપોમાં આગની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ઈરાન-ઇરાક યુદ્ધ સમયે જો હવાઈ હુમલો થવાનો હોય તો અગાઉ સાયરન વાગતા, જેથી લોકો સલામત સ્થળે આશરો લઈ શકે અને લાઇટો બંધ કરી દે.
પરંતુ આ વખતે સાયરન નથી વાગી રહ્યા. એવું લાગી રહ્યું છે કે એમને અમારી કંઈ પડી જ નથી.
ઈરાન-ઇઝરાયલ પર ભારતનું વલણ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
શાંઘાઈ સહયોગ સંગઠને (એસસીઓ) નિવેદન બહાર પાડીને ઈરાન ઉપર ઇઝરાયલના હુમલાની ટીકા કરી છે. જોકે, ભારતે આ નિવેદનથી ખુદને અલગ કરી દીધું છે.
શનિવારે એસસીઓએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું, "શાંઘાઈ સહયોગ સંગઠનના સભ્ય દેશો મધ્ય-પૂર્વમાં વકરતા જતાં તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે અને 13 જૂન, 2025ના ઇસ્લામિક ગણરાજ્ય ઈરાનના ક્ષેત્ર પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા સૈન્ય હુમલાની કડક શબ્દોમાં ટીકા કરે છે."
નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "એસસીઓના સભ્ય દેશ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થિતિનો ઉકેલ શાંતિપૂર્વક, રાજકીય અને કૂટનીતિક માધ્યમોથી લાવવાની હિમાયત કરે છે."
વર્ષ 2001માં ચીન, રશિયા તથા સોવિય સંઘના ભાગરૂપ રહેલા ચાર મધ્ય એશિયાઈ દેશો કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન તથા ઉઝબેકિસ્તાને કરી હતી. હાલમાં તેમાં ભારત સહિત કુલ 10 સભ્ય દેશ છે.
ભારતના વિદેશ મંત્રાલયે એસસીઓના નિવેદનથી છેડો ફાડતા કહ્યું હતું, "13 જૂન, 2025ના રોજ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને અત્યારે પણ એ જ છે. અમે આગ્રહ કરીએ છીએ કે તણાવને ઘટાડવા માટે વાતચીત તથા કૂટનીતિક માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ દિશામાં પ્રયાસ કરવા જોઈએ."
ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, 'અમે એસસીઓના અન્ય સભ્ય દેશોને અમારા વલણ અંગે જાણ કરી હતી, જેને ધ્યાને લઈને ભારતે એસસીઓના નિવેદન અંગે થયેલી ચર્ચામાં ભાગ નહોતો લીધો.'
બ્રિટનના વડા કીએર સ્ટાર્મરે તણાવને ઘટાડવાની હિમાયત કરી છે. કૅનેડામાં જી-7ની બેઠક માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, જર્મનીના ચાન્સેલર ફ્રૅડરિક મર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોન સહિતના નેતાઓ પહોંચી રહ્યા છે.
ઈરાને કહ્યું છે કે યુકે, ફ્રાન્સ કે અમેરિકા તેનાં સૈન્યમથકો કે જહાજો દ્વારા ઈરાનને નિશાન બનાવવામાં ઇઝરાયલની મદદ કરશે, તો તેની પર નિશાન સાધશે.
બીજી બાજુ, 14 જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિન હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે તેમની અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે વાત થઈ છે.
પુતિને જન્મદિનની શુભકામના આપવા ફોન કર્યો હતો, પરંતુ તેમાં ઈરાન અને ઇઝરાયલનો મુદ્દો ચર્ચા હતો. આ સિવાય યુક્રેન મુદ્દે પણ વાત થઈ હતી.
કતાર, સાઉદી અરેબિયા, કુવૈત, તુર્કી, ઇરાક અને ઓમાન સહિત મધ્ય-પૂર્વના અનેક દેશોએ ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલાની ટીકા કરી છે અને તેને વખોડી કાઢ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












