બીબીસીને ચિદંબરમે કહ્યું - ઇલેક્ટોરલ બૉન્ડથી ચૂંટણીમાં ભાજપને થશે અનુચિત લાભ

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણીપંચે તેની વેબસાઇટ પર ઇલેક્ટોરલ બૉન્ડ સાથે જોડાયેલો ડેટા જાહેર કર્યો હતો.
આ ડેટા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 12 માર્ચના રોજ ચૂંટણીપંચને આપ્યો હતો. જોકે, હજુ બૅન્કે ઇલેક્ટોરલ બૉન્ડના આલ્ફાન્યુમરિક યુનિક કોડની જાણકારી આપી નથી. આ જાણકારી આપવા કોર્ટે તેને 17 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા સામે આવ્યા બાદ રાજકીય ફંડિગને લઈને ફરીથી ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ છે.
દેશના પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ માને છે કે ઇલેક્ટોરલ બૉન્ડે ભાજપને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે.
બીબીસી સાથે એક વિશેષ મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ લોકસભામાં ભાજપને બીજા રાજકીય પક્ષોની સરખામણીમાં વધુ સારી સ્થિતિમાં રાખશે, કારણ કે તેની પાસે પ્રચાર માટે વાપરવા વધુ પૈસા છે.

ચિદમ્બરમે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડના સાર્વજનિક થયેલા આંકડાઓથી તેમને કોઈ આશ્ચર્ય થયું નથી.
તેમણે કહ્યું, “જેમણે બૉન્ડ ખરીદ્યાં છે, તેમની સૌની સાથે સરકારના નજીકના સંબંધો રહેલા છે. ખાણકામ, ફાર્મા, બાંધકામ અને જળવિદ્યુત ક્ષેત્રની કંપનીઓના કેન્દ્ર સરકાર સાથે નજીકના સંબંધો હોય જ છે. ઘણા કિસ્સાઓમાં આવું રાજ્ય સરકારો સાથે પણ થાય છે.”
તેઓ કહે છે, “રાજકીય પક્ષો અને દાન આપનારી કંપનીઓએ પોતાનાં સરવૈયાંમાં તેને સામેલ કરવા જોઈતા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચિદમ્બરમે કહ્યું, “પહેલાં કૉર્પોરેટ કંપનીઓ રાજકીય પક્ષોને ખૂલીને અને પારદર્શક રીતે ફંડ આપી રહી હતી, પરંતુ તેઓ તેમના નફાની રકમની કેટલીક નિશ્ચિત ટકાવારીમાં જ રકમ આપી રહ્યા હતા.”
“જે કંપનીઓ ખોટ કરી રહી હોય એ દાન આપતી ન હતી. આપણે ફરીથી એ જ પદ્ધતિને અપનાવવી જોઈએ કે જેમાં કોઈ પણ કંપની પારદર્શી રીતે દાન આપી શકે.”
બીબીસીએ ચિદમ્બરમને પૂછ્યું હતું કે શું ઇલેક્ટોરલ બૉન્ડે ભાજપને આવનારી લોકસભા ચૂંટણીમાં ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે?
તેમણે કહ્યું હતું કે હા, તેનાથી ભાજપને ખોટી રીતે ફાયદો થયો છે.
ચિદમ્બરમે કહ્યું, “જુઓ, એ સવાલો તો થવાના જ છે. કારણ કે ભાજપને કુલ ઇલેક્ટોરલ બૉન્ડની રકમમાંથી 57 ટકા ભાગ મળ્યો છે. તમામ પક્ષોનો સરવાળો માંડીએ તો પણ ભાજપને મળેલા ફંડથી એ વધુ નથી. બીજો સવાલ એ થાય છે કે આ કાવતરાનો મામલો તો નથી ને? ”
“જો તમે ઇલેક્ટોરલ બૉન્ડથી મળેલું દાન અને સરકારે કરેલા કેટલાક નિર્ણયોને તપાસો તો એવી શંકા જાય છે કે આ કાવતરાનો મામલો છે.”

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
ઇલેક્ટોરલ બૉન્ડની કહાણી જે રીતે સામે આવી છે તેનાથી શું ભાજપને આવનારી લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે?
બીબીસીના આ સવાલના જવાબમાં ચિદમ્બરમે કહ્યું, “ચોક્કસપણે આ તેમને મળેલો ફાયદો જ છે. છેલ્લાં પાંચ-છ વર્ષોમાં તેમણે અતિશય મોટા પ્રમાણમાં સંસાધનો જમા કરી લીધાં છે. ઇલેક્ટોરલ બૉન્ડની સિસ્ટમને એ રીતે જ ડિઝાઇન કરવામાં આવી હતી કે જેનાથી તેમને ફાયદો થાય. તેમણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને તેના કારણે તેઓ વધુ સારી પરિસ્થિતિમાં છે.”
“ચૂંટણીના નાણાકીય પ્રબંધનના મામલામાં તેઓ બીજાથી સારી પરિસ્થિતિમાં છે. કોઈ તેમને પડકારવાની સ્થિતિમાં પણ નથી. તેઓ પોતાના ઉમેદવારોની ફંડિંગના મામલામાં બીજાથી અનેક ગણી સારી પરિસ્થિતિમાં છે.”
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ભૂમિકા પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ આખા મામલામાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ભૂમિકા અંગે વાત કરતા ચિદંબરમે કહ્યું કે, “આને જ સંસ્થાનો પર કબજો કર્યાનું કહેવાય. એસબીઆઈએ સરકારના ઇશારે કામ કરવાની શું જરૂર હતી?”
“સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો એ પહેલાંથી હું કહી રહ્યો છું કે જો કોર્ટ કહે તો એસબીઆઈ 24 કલાકમાં આવું કરી શકે છે.”
તેમણે કહ્યું, “ખરેખર તો દરેક બૉન્ડનો એક યુનિક નંબર હોય છે. તેથી તમારે યુનિક નંબર પ્રમાણે આંકડા જાહેર કરવાના હતા કે કયા નંબરનું બૉન્ડ કોણે ખરીદ્યું. આ સાથે જ એવી પણ યાદી જાહેર કરવાની હતી કે કયા ક્રમનું બૉન્ડ કઈ પાર્ટીએ વટાવ્યું. બાકી આ માહિતી મેળવવાનું કામ તમારા અને અમારા જેવા લોકો કરી દેત. એસબીઆઈએ આના માટે ચાર મહિનાનો સમય માગ્યો હતો. બૅન્કના આ વલણથી હું ઘણો નિરાશ છું.”
કેટલાક લોકો કહેશે કે એસબીઆઈ સામે શો વિકલ્પ હશે? તેઓ તો માત્ર અમુક જગ્યાએથી આવેલા આદેશ માની રહી હશે.
બીબીસીના આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, “કયા આદેશ? તેમને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. દેશમાં સુપ્રીમ કોર્ટ કરતા મોટી કોઈ ઑથૉરિટી છે ખરી? હું એસબીઆઈને સલાહ આપું છું કે તેઓ દરેક બૉન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર જાહેર કરી દે. તેઓ આવું કરવાથી પીછેહઠ ન કરે, નહીંતર તેમની મજાક ઊડશે અને ટીકાનો સામનો કરવો પડશે.”
ઇલેક્ટોરલ બૉન્ડ પ્રકરણના પાઠ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ ચિદંબરમને પૂછ્યું કે તેમની નજરમાં ઇલેક્ટોરોલ બૉન્ડ પ્રકરણના શો પાઠ છે? કારણ કે આ સમગ્ર મામલાના મૂળમાં રાજકીય દળો અને તેમને મળતી ચૂંટણીલક્ષી ફંડિંગ છે.
આ અંગે તેમણે કહ્યું, “સમગ્ર વિશ્વમાં ચૂંટણીપ્રચાર ખૂબ મોંઘા બન્યા છે અને તેમાં વધુ ને વધુ વધારો થતો જશે, આપણે આ વાતને સ્વીકારી લેવી જોઈએ. ચૂંટણીપ્રચારની રીતોએ છૂપો વેશ ધારણ કરી લીધો છે. હવે તો આ બધું પાર્ટીના કાર્યકરો અને વોટરોને પૈસા આપવા સુધી પહોંચી ગયું છે.”
ચિદંબરમે કહ્યું, “ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. સૌપ્રથમ આપણે આમાં પારદર્શિતા લાવવાની રહેશે. બીજા ક્રમે આપણે વ્યવહારિકપણે દરેક ઉમેદવાર માટેની ખર્ચની મર્યાદા પણ વધારવાની જરૂર છે. ઉમેદવારને એ પૈસા ખર્ચ કરવા દેવા જોઈએ.”
તેમણે કહ્યું, “ત્રીજા ક્રમે આપણે ચૂંટણીને રાજ્ય દ્વારા ફંડ કરાય એ પ્રકારની વ્યવસ્થા અંગે વિચારવાની જરૂર છે.”
“લોકોને પાર્ટીઓને ચેક કે ડ્રાફ્ટ મારફતે પારદર્શી રીતે પૈસા આપવાની પરવાનગી મળવી જોઈએ. જોકે, આવા લોકોએ પોતાના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટમાં આનો ખુલાસો કરવાની જોગવાઈ બિલકુલ હોવી જોઈએ. બીજી બાજુ રાજકીય પક્ષો માટે પણ આવી જ જોગવાઈ હોવી જોઈએ.”
ઇલેક્ટોરલ બૉન્ડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇલેક્ટોરલ બૉન્ડ એ રાજકીય પક્ષોને દાન આપવાનું નાણાકીય માધ્યમ હતું. તે એક વચનપત્ર હતું, જે ભારતનો કોઈપણ નાગરિક અથવા કંપની સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકાતું હતું અને તેમની પસંદગીના કોઈ પણ રાજકીય પક્ષને ગુપ્ત રીતે દાન કરી શકતું હતું.
ભારત સરકારે 2017માં ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના 29 જાન્યુઆરી, 2018ના રોજ સરકાર દ્વારા કાયદેસર રીતે લાગુ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્ક રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે બૉન્ડ જાહેર કરી શકતી હતી.
કોઈ પણ ખાતાધારક કેવાઇસી માહિતી સાથે આ બૉન્ડ ખરીદી શકતું હતું. ઇલેક્ટોરલ બૉન્ડમાં ચુકવણી કરનારનું કોઈ નામ નહોતું.
આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બૅન્કની ચોક્કસ શાખાઓમાંથી રૂ. 1,000, રૂ. 10,000, રૂ. 1 લાખ, રૂ. 10 લાખ અને રૂ. 1 કરોડના મૂલ્યના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદી શકાતા હતા.
આ યોજના શરૂ કરતી વખતે ભારત સરકારે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ દેશમાં રાજકીય ભંડોળની સિસ્ટમને સાફ કરશે.
જોકે, 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડની માન્યતા પર પોતાનો ચુકાદો આપતાં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધાં હતાં.












