કુસ્તી મહાસંઘમાં અધ્યક્ષપદની દાવેદારી કરનારાં અનિતા શ્યોરાણ કોણ છે?

ઇમેજ સ્રોત, ANITA SHEORAN
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કુસ્તી મહાસંઘ એટલે કે ડબ્લ્યુએફઆઈના અધ્યક્ષપદ માટે થનારી ચૂંટણીમાં આ વખતે બે ઉમેદવારો અનિતા શ્યોરાણ અને સંજયકુમાર સિંહ આમનેસામને થશે.
મૂળ હરિયાણાનાં અનિતા શ્યોરાણ રાજ્ય પોલીસ સેવામાં કાર્યરત્ છે પરંતુ તેમણે તેમનું ઉમેદવારીપત્ર ઓડિશા એકમનાં પ્રતિનિધિ તરીકે ભર્યું છે.
બ્રિજભૂષણસિંહ સામે લાગેલા યૌન ઉત્પીડનના આરોપમાં અનિતા શ્યોરાણ પણ સાક્ષી હતાં.
તમને યાદ હશે કે દેશનાં છ પહેલવાનોએ કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણસિંહ સામે યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા.
આ મામલે ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. હાલમાં જ બ્રિજભૂષણસિંહને દિલ્હીની કોર્ટે જામીન આપ્યા છે.
આ મામલાની તપાસ ચાલુ છે. અગાઉ પણ સંજયકુમાર સિંહ કુસ્તી મહાસંઘમાં ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ હાલ મહાસંઘના સંયુક્ત સચિવ પણ છે. મનાય છે કે તેઓ બ્રિજભૂષણસિંહની નજીક છે.
સંજયકુમાર સિંહને ટક્કર આપનારાં અનિતા શ્યોરાણ રાષ્ટ્રમંડલ ખેલોમાં ચૅમ્પિયન રહી ચૂક્યાં છે.
કુસ્તી મહાસંઘની ચૂંટણી 12 ઑગસ્ટે થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો અનિતા મહાસંઘનાં અધ્યક્ષપદ પર ચૂંટાઈ આવશે તો આ પદ પર પહોંચનારાં પહેલા મહિલા હશે.

કોણ છે અનિતા શ્યોરાણ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હરિયાણાના ભિવાની જિલ્લાના નાના ગામ ઢાણી માહૂ અનિતાનું વતન છે. તેમના પિતા ડ્રાઇવર હતા અને માતા ગૃહિણી. પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે.
અનિતા શ્યોરાણને બાળપણમાં જ રમતગમત પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ હતો. તેઓ જણાવે છે કે તેમના દાદા પણ પહેલવાન હતા.
અનિતાએ પોતાના બાળપણમાં દાદાજીના કુસ્તીના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હતા. જોકે તેમણે ક્યારેય પોતાના દાદાને કુસ્તી રમતા નહોતા જોયા.
તેઓ આ વિશે જણાવતા કહે છે, “ઘરનું વાતાવરણ રૂઢિવાદી હતું અને તેમને ભણવા દેવામાં નહોતાં આવતાં. જો હું દોડવા જાઉં તો કહેવામાં આવતું હતું કે આ શું ચૅમ્પિયન બનશે? મોટાભાઈ રખવાળી કરતા કે બહેનો આમ-તેમ નજર ન ફેરવી લે. અમને તો ઘરના ચબૂતરા પર ઊભા રહેવાની પરવાનગી પણ નહોતી.”
અનિતા શ્યોરાણ જણાવે છે, “મારા ભાઈ કે જેઓ મારી માસીના દીકરા હતા, તેઓ સેનામાં જવાની તૈયારી કરતા હતા અને તેઓ મને કહેતા હતા કે હું પણ તેમની સાથે દોડવા જાઉં. પરંતુ સ્પૉર્ટ્સ માટે મારું ગામની બહાર નીકળવું જરૂરી હતું. ત્યાં ન માહોલ હતો ન તક.”
સ્પૉર્ટ્સ માટે અનિતા ભિવાની જવા માગતાં હતાં પણ તેમને કોઈ રસ્તો જડતો નહોતો.
આ અસમંજસ વચ્ચે અનિતાના કાકા (જેઓ શિક્ષક હતા)એ અનિતાનાં માતાને કહ્યું કે તમારી દીકરીઓ ભણવામાં હોશિયાર છે, મોટી દીકરીને ભણવા માટે ભિવાની કેમ નથી મોકલતાં?
અનિતા શ્યોરાણે જ્યારે આ સાંભળ્યું તો તેમને આશા બંધાઈ. તેમને થયું કે મોટાં બહેનના સહારે તેમનો પણ ભિવાની જવાનો રસ્તો સાફ થઈ જશે.
પરંતુ ગામથી છોકરીઓ દ્વારા બસમાં બેસીને ભિવાની જવાની વાત આવતા જ પરિવારજનોએ તેમને જવાની પરવાનગી નહીં આપી.
અનિતા કહે છે, “મારાં માતા અભણ હતાં પણ ભણતરનું મહત્ત્વ સમજતાં હતાં. તેમણે મને ટેકો આપ્યો. તેમણે મારા પિતાને મનાવ્યા. પછી મારો અને મોટાં બહેનનો ભિવાનીની સ્કૂલમાં પ્રવેશ થયો. મારાં બહેને કહ્યું કે તારી પાસે આર્ટ્સનો વિષય છે સાથે સ્પૉર્ટ્સમાં પણ લાગી જા, જેથી આગળ જતાં મદદ મળે.”

કેવી રીતે થઈ કુસ્તીની શરૂઆત?

ઇમેજ સ્રોત, ANITA SHEORAN
ભિવાનીની સરકારી સ્કૂલમાં અનિતાએ સ્પૉર્ટ્સમાં શરૂઆત જૂડોથી કરી. તેઓ જૂડો પ્રશિક્ષણ સેન્ટરમાં જતાં હતાં. તેમણે સ્કૂલમાં જૂડોમાં ઘણાં પદકો જીત્યાં.
એક દિવસ એવું થયું કે જૂડો સેન્ટરમાં તેમના કોચ ન આવ્યા અને દરમિયાન તેમની મુલાકાત એક યુવતી સાથે થઈ. યુવતીએ અનિતાને તેની સાથે સ્ટેડિયમમાં આવવા કહ્યું.
બસ, અહીંથી જ અનિતાની જિંદગીમાં નવો વળાંક આવ્યો. ભિવાનીના ભીમ સ્ટેડિયમમાં તેમની મુલાકાત રેસલિંગ કોચ જિલેસિંહ બાગડી સાથે થઈ.
પોતાના કોચ માટે વાત કરતા અનિતાની અવાજમાં રણકો હતો.
તેમના કહેવા પ્રમાણે, “મને સ્ટેડિયમ પહોંચ્યા બાદ તેમને મળીને જે ખુશી થઈ તે હું વ્યક્ત નથી કરી શકતી. આટલી ખુશી તો મને કૉમનવેલ્થમાં મેડલ મેળવવા પર નહોતી થઈ.”
તેઓ ઉમેરે છે, “કોચે મને જોતાં જ પૂછ્યું કે હું કોઈ સ્પૉર્ટ્સમાં ભાગ લઉં છું કે નહીં?”
અનિતા ફોન પર વાતચીતમાં કહે છે, “તેઓ મારી ફિટનેસ જોઈને સમજી ગયા કે હું સ્પૉર્ટ્સ માટે જ બની છું. ત્યાર બાદ હું તેમની પાસે પ્રશિક્ષણ માટે જવા લાગી. મેડલ જીતવા લાગી. પરિવાર પણ ખુશ થયો, પછી મને તેમણે ક્યારેય નહીં રોકી અને પૂરતો સહયોગ કર્યો.”
તેઓ કહે છે, “કોચ જિલેસિંહે તેમને રેસલિંગ તો શીખવાડ્યું જ પરંતુ માણસાઈના પાઠ પણ ભણાવ્યા.”
કોચ જિલેસિંહને પણ અનિતા સાથેનાં સંસ્મરણો યાદ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “વર્ષ 1999-2000માં અનિતા મારી પાસે આવી ત્યારે નવી હતી. તેણે રેસલિંગ શીખવાની શરૂઆત મારી સાથે કરી હતી. તેણે જલદી પહેલવાનીના ગુણો શીખી લીધા. તે બધી બાબતો શીખવામાં ધ્યાન આપતી. બહુ જલદી તેણે નેશનલમાં મેડલો પોતાના નામે કરી લીધા.”
અનિતા કુસ્તીના કયા દાવ-પેચમાં માહેર હતી? જવાબમાં તેઓ કહે છે, “તે એકપટ આપવામાં માહેર છે.”
કુસ્તીમાં એકપટ એવો દાવ હોય છે જ્યારે એક ખેલાડી બીજા ખેલાડીનો પગ પકડીને તેને પટકે છે.
સાઈના કોચ રહી ચૂકેલા જિલેસિંહ જોકે બીબીસી સાથેની વાતમાં કહે છે કે તેમને ખબર નથી કે અનિતા કુસ્તી મહાસંઘની ચૂંટણી લડી રહી છે.
કોચ ભૂપેન્દ્ર ધનકસના મત પ્રમાણે અનિતા શ્યોરાણ સારી પહેલવાન હતી અને તેણે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણાં પદકો જીત્યાં.
અનિતા શ્યોરાણ દિલ્હીમાં વર્ષ 2010માં થયેલા રાષ્ટ્રમંડલ ખેલમાં ગોલ્ડમેડલ જીતી ચૂક્યાં છે. એશિયન ચૅમ્પિયનશિપમાં બે વાર તેમણે ભાગ લીધો અને બંનેમાં કાસ્યપદક હાંસલ કર્યો.

આઠ વખત રાષ્ટ્રીય ચૅમ્પિયન રહી ચૂક્યાં છે અનિતા

ઇમેજ સ્રોત, ANITA SHEORAN
નેશનલ કોચ રહી ચૂકેલા જ્ઞાનસિંહ કહે છે કે વર્ષ 2007માં અનિતા શ્યોરાણ તેમની પાસે આવ્યાં હતાં.
તેઓ કહે છે, “ઘણો સમય વીતી ચૂક્યો છે. ક્યારેક જ અમને યુવતીઓના કૅમ્પમાં પ્રશિક્ષણ કરવાનું કહેવામાં આવતું હતું. જેટલું મને યાદ છે તે પ્રમાણે તે બહુ ઓછાબોલી હતી. મૅચને લઈને તે એકાગ્ર રહેતી અને સારી કુસ્તી રમતી.”
ધ્યાનચંદ ઍવૉર્ડ વિજેતા અને ઑલમ્પિયન જ્ઞાનસિંહ કહે છે, “સારી વાત છે કે અનિતા કુસ્તી મહાસંઘની ચૂંટણી લડે છે. આ પદ પર કોઈ મહિલા નહોતી આવી. હવે છોકરીઓ બહુ આગળ આવી રહી છે. જો તે જીતશે તો મને આનંદ થશે.”
જોકે તેઓ વાતચીતમાં સંશય પણ વ્યક્ત કરતા કહે છે, “અનિતા કુસ્તી મહાસંઘનો ક્યારેય હિસ્સો નથી રહી. આ એક મોટું પદ છે. જો ચૂંટાશે તો નવી પ્રમુખ બનશે. તે બધી વ્યવસ્થા કેવી રીતે કરશે તેના પર શંકા જાય છે.”
જોકે આ સંશયનો જવાબ આપતા અનિતા કહે છે, “મારી પાસે રેસલિંગનો 20 વર્ષનો અનુભવ છે. હું તેને બારીકાઈથી સમજું છું. મને નથી લાગતું કે મારો અનુભવ ઓછો છે. રેસલિંગ મારો બીજો પરિવાર છે અને મારા મગજમાં એ જ છે કે મારે તેને કેવી રીતે આગળ વધારવો. કોના પર ભાર મૂકવો તે વિશે મારા મનમાં સ્પષ્ટ દૃષ્ટિ છે.”
તેઓ કહે છે કે ઘણાં વર્ષોથી મહિલાઓ રેસલિંગમાં છે તેથી મહિલા પહેલવાનો પણ માને છે કે સંઘમાં મહિલાઓ પણ હોવી જોઈએ.
કોચ કુલદીપ મલિક કહે છે કે આ એક રાજનીતિક મુદ્દો છે અને તેથી તેઓ આ મામલે કોઈ વાતચીત નહીં કરે.
અનિતા શ્યોરાણને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને અધ્યક્ષપદની જીત માટે કેટલી આશા છે?
જવાબમાં તેમણે કહ્યું, “આશા તો છે પણ વધુ હું નહીં કહી શકું. હું જાણું છું કે જો મને તક મળશે તો આત્મવિશ્વાસ સાથે કહી શકું કે મને ખબર છે કે પહેલવાનોને કેવી રીતે આગળ વધારવા.”
કુસ્તી મહાસંઘમાં હાલ 25 એકમ છે. દેશનાં 25 રાજ્યમાં તેના એકમો છે.
12 ઑગસ્ટના રોજ થનારી કુસ્તી મહાસંઘની ચૂંટણી માટે આ તમામ એકમોમાં મતદાન કરવામાં આવશે. જેમાં સ્ટેટ રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ અને સેક્રેટરી પોતાનો મત આપશે.














