241 મુસાફરોવાળું એ વિમાન જે ઉડાણ ભર્યા બાદ એવું ગાયબ થયું કે દસ વર્ષ બાદ પણ કોઈ પત્તો નથી

પોતાના દીકરા માટે સંદેશ લખ્યા બાદ શ્રીમાન લી ચોધાર આંસુએ રડી પડે છે

ઇમેજ સ્રોત, BBC/ LULU LUO

ઇમેજ કૅપ્શન, પોતાના દીકરા માટે સંદેશ લખ્યા બાદ મિસ્ટર લી ચોધાર આંસુએ રડી પડે છે
    • લેેખક, જોનાથન હેડ
    • પદ, બીબીસી ન્યૂઝ, કુઆલાલમ્પુર

‘લોસ્ટ કૉન્ટેક્ટ.’ આ બે શબ્દો છેલ્લા એક દાયકાથી લી એરીયુને પજવી રહ્યા છે.

તેમના પુત્ર યાનલિન સાથે ફ્લાઇટ એમએચ370 ગાયબ થઈ ગઈ ત્યારે મલેશિયા ઍરલાઇન્સે તેમને આ બે શબ્દો કહ્યા હતા.

લી એરીયુ કહે છે, “હું વર્ષોથી પૂછું છું કે લોસ્ટ કૉન્ટેક્ટનો તમારો અર્થ શું છે? મને લાગે છે કે તમે કોઈની સાથે સંપર્ક ગુમાવી દીધો હોય તો તમારે તેમની સાથે ફરી જોડાવું જોઈએ.”

બેજિંગની દક્ષિણે આવેલા એક ગામમાં રહેતા ખેડૂત લી એરીયુ અને તેમનાં પત્ની લીઉ શુઆંગફેંગ ઉડ્ડયન ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી વધુ ભેદી રહસ્ય બની ગયેલી ઘટનાને સમજવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યાં છે.

2014ની આઠમી માર્ચે કુઆલાલમ્પુરથી બેજિંગ જતી રાતની ફ્લાઇટ રવાના થયાના એક કલાકથી ઓછા સમયમાં પાઇલટે મલેશિયન ઍર ટ્રાફિક કન્ટ્રોલને ગુડ નાઇટ કહ્યું હતું. એ બોઇંગ 777 વિમાનમાં 227 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બર્સ હતા. તે વિયેતનામની ઍરસ્પેસમાં પ્રવેશવાની તૈયારીમાં હતું.

એ પછી તેની દિશા અચાનક બદલાઈ ગઈ હતી અને તમામ ઇલેક્ટ્રોનિક કૉમ્યુનિકેશન કપાઈ ગયું હતું. તે વિમાન પહેલાં મલેશિયા તરફ અને પછી દૂરના દક્ષિણ હિંદ મહાસાગર તરફ વળી ગયું હતું. એ પછી તેનું ઈંધણ ખતમ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે.

એ વિમાનને શોધવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને મોંઘું સર્ચ ઓપરેશન ચાર વર્ષ સુધી ચાલ્યું હતું, પરંતુ ગુમ થયેલા પ્લેનનો કોઈ પત્તો મળ્યો ન હતો. હજારો સમુદ્રશાસ્ત્રીઓ, ઍરોનોટિકલ એન્જિનિયરો અને અધિકારીઓએ તે વિમાનનું પગેરું મેળવવા ફ્રેગમેન્ટરી ડેટા ધ્યાનપૂર્વક ચકાસ્યા હતા.

એ પ્લેનના પ્રવાસીઓના પરિવારજનો માટે છેલ્લાં દસ વર્ષ અત્યંત પીડાદાયક રહ્યાં છે. એમએચ370 સાથે શું અને શા માટે થયું હતું એ શોધવા માટે તેઓ સતત સંઘર્ષ કરતા રહ્યા છે.

એમએચ 370 વિમાનમાં રહેલા લોકોના સંબંધીઓ આ દુર્ઘટનાની વાર્ષિક તિથિ નિમિત્તે એકઠા થયા હતા

ઇમેજ સ્રોત, BBC/ LULU LUO

ઇમેજ કૅપ્શન, એમએચ 370 વિમાનમાં રહેલા લોકોના સંબંધીઓ આ ઘટનાની વાર્ષિક તિથિ નિમિત્તે એકઠા થયા હતા

'જીવનની આખી બચત ખર્ચાઈ ગઈ, પણ ન મળી દીકરાની ભાળ'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મિસ્ટર લી તેમના અભિયાનના સંદર્ભમાં આખી દુનિયામાં ફરી વળ્યા છે. તેમનું કહેવું છે કે તેમણે તેમની તમામ બચત યુરોપ તથા એશિયા અને માડાગાસ્કરના દરિયાકિનારાનો પ્રવાસ કરવામાં ખર્ચી નાખી છે. ગુમ થયેલી ફ્લાઇટનો કેટલોક કાટમાળ માડાગાસ્કરના દરિયાકિનારા વિસ્તારમાં મળ્યો હતો.

મિસ્ટર લીના કહેવા મુજબ, તેમના પુત્રનો મૃતદેહ પાણીમાં વહીને જ્યાં આવ્યો હશે એ જગ્યાની રેતીની તેઓ મહેસૂસ કરવા ઇચ્છતા હતા. તેમને યાદ છે કે તેમણે હિંદ મહાસાગરમાં બૂમો પાડી હતી અને યાનલિનને કહ્યું હતું કે તેઓ તેને ઘરે લઈ જવા માટે આવ્યા છે.

મિસ્ટર લી કહે છે, “હું દુનિયાનો અંત આવશે ત્યાં સુધી મારા દીકરાને શોધવા માટે પ્રવાસ કરતો રહીશ.”

મિસ્ટર લી અને તેમનાં પત્નીની વય હાલ 70 વર્ષની આસપાસની છે. તેઓ ચીનના હેબેઈ પ્રાંતના એક ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. તેમની આવકનો મોટા ભાગનો હિસ્સો તેમનાં સંતાનોના શિક્ષણ પર ખર્ચાતો હતો અને તેમની પાસે પ્રવાસ કરવા માટે ક્યારેય પૈસા બચતા ન હતા.

યાનલિન તેમના ગામમાંથી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવા ગયેલી અને વિદેશમાં નોકરી મેળવનારી પહેલી વ્યક્તિ હતા. તેઓ મલેશિયાની એક ટેલિકોમ કંપનીમાં કામ કરતા હતા.

તેમની ફ્લાઇટ ગુમ થઈ ગઈ ત્યારે તેઓ વિઝા ઍપૉઇન્ટમૅન્ટ માટે ચીન પાછા આવી રહ્યા હતા. મિસ્ટર લી કહે છે, “એ ઘટના બની તે પહેલાં સુધી અમે નજીકના હાન્ડાન શહેર સુધી પણ ગયા ન હતા.”

હવે તેઓ અનુભવી પ્રવાસી બની ગયા છે. વિમાન ગુમ થયાની દસમી વરસી નિમિત્તે તેઓ અન્ય લોકોના પરિવારો સાથે મલેશિયા પાછા આવ્યા છે.

યાનલિન પ્લેનમાં સવાર 153 ચીની પ્રવાસીઓ પૈકીના એક હતા. તેમનાં માતાપિતાનો સમાવેશ એવા લગભગ 40 ચીની પરિવારોમાં થાય છે, જેમણે મલેશિયન સરકાર પાસેથી સેટલમેન્ટ પેમેન્ટ લેવાનો ઇનકાર કર્યો છે અને ઍરલાઇન, વિમાનનિર્માતા તથા અન્ય પક્ષો સામે ચીનની અદાલતમાં કેસ દાખલ કર્યા છે.

સ્વજનો ગયા, માત્ર યાદો જ રહી ગઈ

ગ્રેસ નાથનના પતિનો વિમાન સાથે ગુમ થયેલાં સાસુ માટે સંદેશ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગ્રેસ નાથનના પતિનો વિમાન સાથે ગુમ થયેલાં સાસુ માટે સંદેશ

અસરગ્રસ્ત પરિવારોનું જીવન છેલ્લાં દસ વર્ષમાં આગળ વધી ગયું હોવા છતાં તેઓ આજે પણ ગુમ થયેલા વિમાન સાથે બંધાયેલા હોવાનો અનુભવ કરે છે.

એમએચ370 ફ્લાઇટ ગુમ થઈ ત્યારે ગ્રેસ નાથન બ્રિટનમાં પોતાની કાયદાના અભ્યાસની અંતિમ પરીક્ષા આપી રહ્યાં હતાં. તેમનાં માતા એમએચ370માં પ્રવાસ કરતાં હતાં. આજે ગ્રેસ બૅરિસ્ટર બની ગયાં છે, મલેશિયામાં પ્રૅક્ટિસ કરે છે અને બે નાનાં બાળકોનાં માતા છે.

કુઆલાલમ્પુરમાં યોજાયેલા સમારંભમાં ગ્રેસ નાથને કેટલીક સ્મૃતિ વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમનાં લગ્ન થયાં ત્યારે તેમણે તેમનાં માતાનો ફોટોગ્રાફ પકડી રાખ્યો હતો અને બે સંતાનોની મુશ્કેલ ગર્ભાવસ્થા વખતે તેમને તેમનાં માતાની સલાહ યાદ આવતી હતી.

તૂટી પડેલા વિમાનના કેટલાક હિસ્સા સમારંભસ્થળે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એ ઘટનાના શોધી શકાયેલા જૂજ પુરાવા છે. તેમાં વિમાનની પાંખના કેટલાક હિસ્સા છે, જેને સમુદ્રમાં લાંબો સમય પડ્યા રહેવાને કારણે કાટ લાગી ગયો છે. તે વિમાનના કંગાળ આંતરિક માળખાની સાખ આપે છે.

લોકોની ભીડમાં બ્લેન ગિબ્સન પણ હતા. તેમણે એમએચ370ના કાટમાળના સૌથી વધુ ટુકડા શોધી કાઢ્યા છે.

એમએચ370ની ગાથામાંનાં રંગદર્શી પાત્રો પૈકીના એક બ્લેન ગિબ્સનને સાહસના શોખીન ગણાવી શકાય. તેઓ ઇન્ડિયાના જોન્સની શૈલીના પોશાક પહેરે છે. વિશ્વના દરેક દેશની મુલાકાત લેવાના વ્યક્તિગત ધ્યેયને પોષવા માટે તેમણે કેલિફોર્નિયામાંનું તેમનું પારિવારિક મકાન વેચી નાખ્યું છે.

બ્લેન ગિબ્સન કહે છે, “મેં ઘટનાની વરસીના કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે મને જાણવા મળ્યું હતું કે દરિયામાં તરતા પ્લેનના કાટમાળને શોધવા સંગઠિત રીતે પ્રયાસ કરવામાં આવ્યા નથી. એવું કશું થયું જ ન હતું. તેઓ પાણીની અંદર શોધ કરવા લાખો ડૉલર ખર્ચી રહ્યા હતા. મેં વિચાર્યું હતું કે પ્લેનનો પહેલો ટુકડો દરિયાકાંઠે ચાલતા કોઈક માણસને મળશે. કોઈએ એવું ન કર્યું હોવાથી મેં વિચાર્યું કે એ મારે જાતે કરવું જોઈએ.”

બ્લેન ગિબ્સનના જણાવ્યા મુજબ તેમણે મ્યાનમારથી માલદીવના દરિયાકિનારે એક વર્ષ સુધી શોધ કરી હતી. એ પછી તેમને પ્લેન પાછળના સ્ટેબિલાઇઝરનો એક હિસ્સો મોઝામ્બિકના સેન્ડબારમાંથી મળી આવ્યો હતો.

એ પહેલાં ફ્લેપેરોન તરીકે ઓળખાતો પ્લેનની પાંખનો બીજો મોટો હિસ્સો રિયુનિયન ટાપુ પરથી મળી આવ્યો હતો. તેના આધારે મૃતકોના પરિવારજનોને ખાતરી થઈ હતી કે એમએચ370 ખરેખર હિન્દ મહાસાગરમાં જ તૂટી પડ્યું હતું.

જે હિસ્સાઓ મળી આવ્યા હતા તે બધા, આફ્રિકાના વિવિધ દરિયાકિનારે તણાઈ આવ્યા હતા. એમએચ370 અદૃશ્ય થઈ ગયાના 16 મહિના પછી એ હિસ્સા મળી આવ્યા હતા.

વર્ષો સુધી ચાલ્યાં શોધ અભિયાન

કુઆલા લમ્પુર ખાતે પ્લેનના ક્ષતિગ્રસ્ત ભાગો ડિસ્પ્લેમાં મુકાયા હતા

ઇમેજ સ્રોત, BBC/ LULU LUO

ઇમેજ કૅપ્શન, કુઆલાલમ્પુર ખાતે પ્લેનના ક્ષતિગ્રસ્ત ભાગો ડિસ્પ્લેમાં મુકાયા હતા

દક્ષિણ હિન્દ મહાસાગરના પ્રવર્તમાન પ્રવાહોનું વિશ્લેષણ દર્શાવે છે કે એમએચ370 સમુદ્રમાં તૂટી પડ્યું હશે અને તેના હિસ્સાઓ ત્યાં પડ્યા હશે.

મલેશિયાના ભૂતપૂર્વ મુખ્ય તપાસ અધિકારી અસલમ ખાને આ હિસ્સાઓની ઓળખ કેવી રીતે કરવામાં આવી તેની વાત કરી હતી. તે મલેશિયન ઍરલાઇન્સના બોઇંગનો જ ભાગ છે તેની પુષ્ટિ કરવા માટે કેટલાક હિસ્સા પરના સિરિયલ નંબર્સ ઉત્પાદકના રેકૉર્ડ સાથે સરખાવવામાં આવ્યા હતા.

અન્યો પરના સ્ટેન્સિલ માર્કિંગમાં ઉપયોગમાં લેવાયેલા ફોન્ટ દર્શાવતા હતા કે તે એમએચ370ના જ હતા. બીજું કોઈ બોઇંગ 777 હિન્દ મહાસાગરમાં તૂટી પડ્યું ન હતું.

ફ્લેપેરોન મળી આવી તે પહેલાં સુધી પ્લેન પાછું ફર્યાનો એકમાત્ર પુરાવો મલેશિયા અને થાઇલૅન્ડના લશ્કરી રડારનો ડેટા હતો. દુર્ઘટનાગ્રસ્ત પ્લેન મલય દ્વીપકલ્પની પશ્ચિમે ઊડતું હોવાનું તે ડેટામાં નોંધાયું હતું.

એ પછી એક બ્રિટિશ કંપની ઇન્મારસેટે તેના એક ઉપગ્રહ અને દક્ષિણ તરફ આગળ વધી રહેલા એમએચ370 વચ્ચે દર કલાકે થયેલી છ પિંગ્સ અથવા ‘હેન્ડશેક્સ’ થયા હોવાનું શોધી કાઢ્યું હતું. પ્લેનમાંનો અન્ય તમામ સંદેશાવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

વિમાન તૂટી પડ્યાનું સ્થળ શોધી કાઢવા માટે આ છૂટાછવાયા ડેટાનો ઉપયોગ પ્લેન તથા ઉપગ્રહ વચ્ચેના અંતરના ટ્રાયેંગ્યુલેશન માટે કરવામાં આવ્યો હતો, પરંતુ સમુદ્રનો વિસ્તાર વિશાળ અને ખૂબ ઊંડો હતો.

26 દેશોનાં 60 જહાજો અને 50 વિમાનો સાથેનું આ શોધ અભિયાન માર્ચ, 2014થી જાન્યુઆરી, 2017 સુધી ચાલ્યું હતું. અમેરિકાસ્થિત ઓશન ઇન્ફિનિટી નામની એક ખાનગી કંપની દ્વારા 2018માં આ અભિયાન પાંચ મહિના માટે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં સમુદ્રતળને સ્કેન કરવા માટે અન્ડરવૉટર ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નક્કર માહિતીના અભાવે ઘણી કલ્પનાકથાઓ આકાર પામી હતી. એમએચ370ના ગુમ થવા વિશેની કેટલીક કલ્પનાકથાઓમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેને હાઇજેક કરીને રશિયા લઈ જવામાં આવ્યું હતું અથવા કદાચ ડિએગો ગાર્સિયા ટાપુ પરના અમેરિકન ઍરબૅઝ પર તોડી પાડવામાં આવ્યું હતું.

દુર્ઘટના અંગેની જાતભાતની થિયરી

દરિયા અને આકાશમાં હાથ ધરાયેલાં લાંબાં શોધ અભિયાનોએ ઘણી થિયરીઓ આપી, પરંતુ જવાબ નહીં

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દરિયા અને આકાશમાં હાથ ધરાયેલાં લાંબાં શોધ અભિયાનોએ ઘણી થિયરીઓ આપી, પરંતુ જવાબ ન મળ્યા

એમએચ370ના કાટમાળના પ્રદર્શિત કરાયેલા હિસ્સાઓને નિહાળીને ફ્રેન્ચ પત્રકાર ફ્લોરેન્સ ડી ચાંગીએ એવું કહ્યું હતું કે “આ વિચિત્ર છે.”

એમએચ370 વિશે 100થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. એ પૈકીનું ઝીણવટપૂર્વકના સંશોધન સાથેનું એક પુસ્તક ફ્લોરેન્સ ચાંગીએ લખ્યું છે.

ફ્લોરેન્સ ચાંગી એવી દલીલ કરે છે કે પ્લેન વળીને દક્ષિણ તરફ ગયું હોવાની સમગ્ર પૂર્વધારણા બનાવટી છે. તેઓ માને છે કે જે કાટમાળ મળ્યો છે, તે એમએચ370નો નથી. તેમણે વિમાનમાંના કાર્ગો વિશે પણ સવાલ કર્યા છે અને તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે તે કાર્ગોને લીધે એમએચ370ને સાઉથ ચાઇના સમુદ્રમાંના અમેરિકન વિમાન દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાની શક્યતા છે.

મલેશિયા અને ઇન્મારસેટ દ્વારા પ્રસ્તુત રડાર તથા સેટેલાઇટ ડેટાને તેમજ વિમાન દક્ષિણ તરફ ઊડતું હોવાનું સ્વીકારવામાં આવે (જે મોટા ભાગના નિષ્ણાતો સ્વીકારે છે) તો એક જ બુદ્ધિગમ્ય ખુલાસો છે કે કોઈ પ્લેનને જાણીજોઈને એ તરફ લઈ ગયું હતું.

મલેશિયન ઍર ટ્રાફિક સાથેના છેલ્લા સંપર્ક પછી બોઇંગ 777એ સાઉથ ચાઇના સમુદ્ર પર લીધેલા તીવ્ર વળાંકને રિક્રિએટ કરવા, બે ફ્રેન્ચ ઍરોસ્પેસ નિષ્ણાતોએ બીબીસીની નવી ડૉક્યુમેન્ટરી ‘વ્હાય પ્લેન્સ વેનિશ’માં ફ્લાઇટ સિમ્યુલેટરનો ઉપયોગ કર્યો છે. તેમણે એવું તારણ કાઢ્યું છે કે આવું કામ ફક્ત કુશળ અને અનુભવી પાઇલટ જાતે જ કરી શકે.

હકીકત એ છે કે એમએચ370 મલેશિયન ઍરસ્પેસમાંથી વિયેતનામના ઍરસ્પેસમાં જતું હતું ત્યારે આવું કરવામાં આવ્યું હતું, જે સૂચવે છે કે પાઇલટ દાવપેચ છુપાવવાના પ્રયાસ કરી રહ્યો હતો અને પ્લેને હજુ પોતાનો સંપર્ક કર્યો નથી તેવું રિપોર્ટ કરવામાં વિયેતનામ ઍર ટ્રાફિક કન્ટ્રોલને થોડો સમય લાગશે એ વાત પાઇલટ જાણતો હતો.

બીજી થિયરી એવી છે કે પ્લેનમાંની દરેક વ્યક્તિ ઓક્સિજનનો અભાવ અનુભવતી હશે, અનડિટેક્ટેડ ડિપ્રેશરાઇઝેશન અથવા અચાનક આગ કે વિસ્ફોટને લીધે સંદેશાવ્યવહાર કપાઈ ગયો હશે અને પાઇલટને પ્લેન પાછું વાળવાની ફરજ પડી હશે. જોકે, પ્લેન દક્ષિણ તરફ સાત કલાક સુધી ઊડતું રહ્યું હતું. તેથી આવું બન્યું હોય તે શક્ય નથી.

એક પાઇલટે પ્લેન અને તેમાંના તમામ મુસાફરોને ઇરાદાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા હતા એ વિચાર સ્વીકારવો પણ મુશ્કેલ છે. બેમાંથી કોઈ પાઇલટે ભૂતકાળમાં આવું કર્યું ન હતું.

આ તમામ અટકળોને કારણે પ્રવાસીઓના પરિવારોની પીડા વધી હતી.

'અમે ચકડોળમાં બેઠા હોઈએ એવી પરિસ્થિતિ સર્જાઈ છે'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એમએચ370ના ઇનફ્લાઇટ સુપરવાઇઝર પેટ્રિક ગોમ્સનાં પત્ની જેક્વિટા ગોન્સાલેઝ કહે છે, “મારા સૌથી ખરાબ દુશ્મન સાથે પણ આવું થાય તે હું ન ઇચ્છું.”

“અમે ચકડોળમાં બેઠા હોઈએ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પહેલી વાર શોધ શરૂ કરવામાં આવી ત્યારે અમને સાંભળવા મળ્યું હતું કે તેમને કશુંક જોવા મળ્યું છે. એ પછી અમારી અપેક્ષા વધતી રહી હતી. પછી અમને એવું સાંભળવા મળ્યું હતું કે તે એમએચ370ને લગતું નથી. અમારી આશા તૂટી પડતી હતી.”

દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના મુસાફરોના પરિવારજનો શરૂઆતથી જ મલેશિયન સરકારની ટીકા કરી હતી. પહેલાં એમએચ370ના મિલિટરી રડાર ટ્રૅકિંગનું કામ ઝડપથી કરવા જેવી ભૂલો સાથે પ્રારંભિક પગલાં લેવાની તેની મૂંઝવણ માટે અને ત્યાર બાદ 2018ના મધ્યમાં ઓશન ઇન્ફિનિટી દ્વારા છેલ્લું શોધ અભિયાન સમાપ્ત થયા પછી વધુ શોધને મંજૂરી આપવાની સ્પષ્ટ અનિચ્છા માટે તેની ટીકા કરવામાં આવી હતી.

કંપનીએ કશું ન મળે તો ફી નહીં લેવાની ઑફર કરી હતી, પરંતુ એ માટે સરકારની મંજૂરી જરૂરી હતી.

મલેશિયાના કેટલાક અધિકારીઓ ખાનગીમાં સ્વીકારે છે કે સરકાર વધુ કામ કરી શકી હોત. તાજેતરનાં વર્ષોમાં અસાધારણ રાજકીય ઊથલપાથલના સમયગાળામાંથી આ દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે તેનાં કેટલાંક કારણો સમજી શકાય તેમ છે. એ પછી રોગચાળો ફેલાયો હતો. રોગચાળાના લાંબા સમયગાળાને લીધે પણ પરિવારજનો વાર્ષિક સ્મૃતિ સમારંભ યોજી શક્યા ન હતા.

વર્તમાન પરિવહનમંત્રી એન્થોની લોકે દસમી વરસીના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને પરિવારોને વચન આપ્યું હતું કે તેઓ ગુમ થયેલા વિમાનને શોધવા માટે શક્ય તેટલું બધું કરશે. તેમણે જાહેરાત કરી હતી કે આ વર્ષના અંતમાં શોધ ફરીથી શરૂ કરવાની શક્યતા બાબતે તેઓ ઓશન ઇન્ફિનિટી સાથે ચર્ચા કરી રહ્યા છે.

ઓશન ઇન્ફિનિટીએ 2018માં 1,12,000 કિલોમીટર વિસ્તાર સ્કેન કર્યો હતો. તેમાં પાણીની અંદરની ઊંડી ખીણ જેવા કેટલાક અત્યંત પડકારરૂપ ભૂપ્રદેશનો સમાવેશ થાય છે અને તે નજરમાં ન આવ્યા હોય તે શક્ય છે.

બ્રિટનના નિવૃત્ત ઍરોસ્પેસ આઇટી નિષ્ણાત રિચાર્ડ ગોડફ્રે માને છે કે હેમ રેડિયોના શોખીનો દ્વારા નિયમિત રીતે કરવામાં આવતા શોર્ટ-વેવ રેડિયો ટેસ્ટ ટ્રાન્સમિશનના નવીનતમ પૃથ્થકરણનો ઉપયોગ કરીને તેમણે એક બહુ નાના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં ડ્રોન દ્વારા શોધ કરવાની મંજૂરી આપવી જોઈએ.

રિચાર્ડ ગોડફ્રે કહે છે, “તેઓ તેમના ડેટાબૅઝમાં વર્ષમાં 1.7 અબજ રેકૉર્ડનો સંચય કરે છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી, રેડિયો સિગ્નલથી ભરપૂર માછીમારની એક જાળની કલ્પના કરો. જ્યારે પણ વિમાન આ જાળમાંથી પસાર થાય ત્યારે જાળમાં એક છિદ્ર પડે છે. તેનાથી સમજી શકાય કે ચોક્કસ સમયે વિમાન ક્યાં હતું. દક્ષિણ હિન્દ મહાસાગર પરની એમએચ370ની ફ્લાઇટના છ કલાકના સમયનાં જુદાં જુદાં બિંદુઓ પરના રેડિયો સિગ્નલમાં હું 313 વિસંગતતાઓ શોધી શક્યો છું. તેનાથી વધુ સ્પષ્ટ ફ્લાઇટ રૂટ મળે અને વિમાન ક્યાં તૂટી પડ્યું હતું તે ચોક્કસ સ્થાન નિર્ધારિત કરી શકાય.”

જકિટા ગોન્ઝાલેઝના પતિ પેટ્રિક ગોમેઝ એ એમએચ370માં ઇનફ્લાઇટ સુપરવાઇઝર હતા

ઇમેજ સ્રોત, LULU LUO/BBC

રિચાર્ડની પદ્ધતિનું પરીક્ષણ હાલ લિવરપૂલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે કેટલી સ્વીકાર્ય છે તેની ખબર આ વર્ષના અંત સુધીમાં પડશે.

પરિવારોના કહેવા મુજબ પરિવહનમંત્રીએ આપેલાં નવીનતમ વચનોથી તેઓ પ્રોત્સાહિત થયા છે. તે મલેશિયન સરકારના વલણમાં બહુ જરૂરી ફેરફાર દર્શાવે છે, પરંતુ તેઓ સાવચેત છે. અગાઉ પણ અનેક વખત આવી આશા જગાવવામાં આવી હતી.

જેક્વિટા ગોન્સાલેઝ કહે છે, “હું પ્લેન મળી આવે તેટલું ઇચ્છું છું. કમસે કમ એ પછી મારા પતિના આત્માને શાંતિ મળશે. મેં અત્યાર સુધી તેમના માટે કશું કર્યું નથી, તેમની પ્રાર્થનાસભા કરી નથી. હું કશું કરી શકું નહીં, કારણ કે અમને તેમના વિશે કોઈ નક્કર માહિતી મળી નથી.”

સમારંભ સ્થળે એક મોટું બોર્ડ મૂકવામાં આવ્યું હતું. તેના પર લોકો આશા, સહાનુભૂતિ અથવા દુઃખના સંદેશા લખી શકે છે.

મોટા ચીની અક્ષરોમાં યાનલિન માટે મૅસેજ લખવા લી ઘૂંટણિયે પડ્યા હતા અને તેની સામે જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતાં.

તેમણે લખ્યું હતું, “દીકરા, દસ વર્ષ થઈ ગયાં. તને પાછો લઈ જવા તારાં મમ્મી-પપ્પા અહીં આવ્યાં છે. માર્ચ 3, 2024.”

રેડ લાઇન
રેડ લાઇન