'તું મારી ન થઈ,' પત્ની સાથે 'ખટરાગ' બાદ બોટાદના યુવાને વીડિયો બનાવી આત્મહત્યા કરી, શું છે મામલો?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

બોટાદ જીલ્લાના ઝમરાળા ગામમાં પતિએ 'તું મારી પણ ના થઇ અને મારાં બાળકોની પણ ના થઇ. તેં મને છેતર્યો' એવા આક્ષેપ કરતો વીડિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે.

મૃતકનું નામ સુરેશ સાથળીયા છે તેઓ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. તેમને ચાર સંતાન છે. જેમાં બે દીકરો અને બે દીકરીઓ છે. તેમનાં પત્ની જયાબહેન તેમનાં બાળકોને મૂકીને પિયર જતાં રહ્યાં હતાં.

ઝગડા બાદ રિસાઇને પિયર ગયેલાં તેમનાં પત્નીએ પરત આવવાની ના પાડી હતી. જે અંગે લાગી આવતા પતિએ આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

સુરેશભાઇએ પોતાના ઝુંપડામાં 31 ડિસેમ્બરના રોજ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી.

આ અંગે 3 જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદ મોડી દાખલ કરવા અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ સુરેશભાઇની અંતિમવિધીમાં હોવાને કારણે પોલીસ સ્ટેશન આવી શક્યા ન હતા.

મૃતકના પરિવારે ફરિયાદમાં શું કહ્યું?

સુરેશનો પરિવાર તેના મોબાઇલમાં શૂટ કરેલા વીડિયોથી અજાણ હતો.

સુરેશના મોત બાદ પરિવારના સભ્યોએ મોબાઇલમાં તપાસ કરતાં આ વીડિયો મળી આવ્યો હતો. જેને આધારે મૃતક સુરેશના પિતા બાબુભાઇએ બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બાબુભાઇ સાથળીયાએ તેમનાં પુત્રવધુ જયાબહેન સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે.

બાબુભાઇએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે "સુરેશભાઇનાં પત્ની જયાબહેન તેમની સાથે વારંવાર ઝઘડો કરતાં હતાં. તેમજ રિસાઇને પિયર જતાં રહેતાં હતાં. તેમને માર પણ મારતાં હતાં. 15 દિવસ પહેલાં સુરેશભાઇ સાથે ઝઘડો કરીને જયાબહેન રિસાઇને પોતાનાં પિયર જતાં રહ્યાં હતાં. સુરેશભાઇના પરિવારના લોકો તેમને તેડવા માટે તેમના પિયર ગયા હતા. પરંતુ જયાબહેન તેમની સાથે આવ્યા ન હતાં. આ વાતનું લાગી આવતા સુરેશભાઇએ પોતાના ઝુંપડામાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી."

બાબુભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે " મારા દિકરા સુરેશના મૃત્યુ બાદ મારા નાના દિકરાએ સુરેશનો ફોન ચેક કર્યો હતો. આ મોબાઇલમાંથી સુરેશનો એક વીડિયો મળ્યો હતો. જેમાં સુરેશે તેની પત્નીના માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાની વાત કરી છે. પુત્રવધુ જયાબહેને માનસિક ત્રાસ આપીને મારા પુત્રને આત્મહત્યા કરવા માટે મજબુર કર્યો હતો."

વીડિયોમાં શું કહ્યું હતું સુરેશભાઈએ?

આત્મહત્યા કરતાં પહેલાં સુરેશભાઈએ પોતાના મોબાઇલમાં 2.08 મિનિટનો વીડિયો બનાવ્યો હતો.

આ વીડિયોમાં સુરેશભાઈએ તેમનાં પત્ની જયાબહેને તેમને અને તેમનાં બાળકોને તરછોડ્યાં હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

સુરેશભાઈએ રડતા રડતા આ વિડીયો બનાવ્યો હતો. યુવકે તેમાં જણાવ્યું છે કે "મારી એવી સ્થિતિ કરી કે મારું મોત કરાવ્યું છે. મારા છોકરાની ના થઇ, મારી ના થઇ. એના બાપની થઇ. મારું મોત કરાવ્યું છે. એને જીંદગી પર સબક દેજો. તે વારંવાર રડતો રડતા બોલતા હતા કે મને છેતર્યો... મને છેતર્યો. મને ક્યાંયનોય ન રાખ્યો. એકેય વાતનો ન રાખ્યો. મારી પરજા (સંતાનો)ને વિખુટી પાડી દીધી."

પોલીસે શું કહ્યું?

બોટાદ ડીવાયએસપી નવીન આહીરે બીબીસી સહયોગી સચીન પિઠવા સાથે વાત કરતાં જણાવ્યું હતું, "મૃતકના પિતાએ બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે."

"ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે સુરેશભાઈને તેમનાં પત્ની માનસિક ત્રાસ આપતાં હતાં જેને કારણે તેમણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જે અંગે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસની (ભારતીય દંડ સંહિતા) કલમ 108(આત્મહત્યા દુષ્પ્રેરણા) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે."

તેમણે વધુમાં જણાવ્યું, "ફરિયાદીના કહેવા મુજબ મૃતકના મોબાઇલ ફોનમાં તેમનાં પત્ની સામે આક્ષેપ કરતાં હોય તેવો વીડિયો મળેલ છે. જે તેમની સાથે ઝગડો કરે છે અને તેમના પિયર રિસામણે જતી રહેતી હોવાનો આક્ષેપ કરેલ છે. આ અંગે પાલીસ તપાસ ચાલી રહી છે."

પરિવારે શું કહ્યું?

મૃતક સુરેશભાઇના ભાઇ દિલીપભાઇએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "મારાં ભાભી અવાર નવાર ઝઘડો કરીને પોતાનાં પિયર જતાં રહેતાં હતાં. 15 દિવસ પહેલાં તે ઝઘડો કરીને પિયર જતાં રહ્યાં હતાં. મારાં મમ્મી અને સુરેશભાઈની મોટી દિકરી જેની ઉંમર 15 વર્ષની છે. તે બન્ને મારાં ભાભીને તેડવા તેમનાં પિયર ગયાં હતાં. પરંતુ મારા ભાભીએ સાસરી પાછા આવવાની ના પાડી હતી. મારા ભાઈની દિકરીએ તેના પિતાને આવીને આ વાત કરી હતી."

" ભાઈનાં ચાર બાળકો છે. મોટી દિકરી 15 વર્ષની બીજી દિકરી 10 વર્ષની , તેમજ તેમનો દિકરો 6 વર્ષ અને નાનો દિકરો 4 વર્ષનો છે. મારાં ભાભી ચારેય બાળકોને મારાં માતાપિતા સાથે મુકીને જતાં રહ્યાં હતાં. આ પહેલીવાર ન હતું, પરંતુ આ અગાઉ પણ તેઓ બાળકોને મુકીને પિયર જતાં રહેતાં હતાં."

"ઘટના બની તે દિવસે મારા ભાઈ તેમની ઝૂપડી પર ગયા હતા. બાળકો મારાં માતાપિતાના ઘરે હતાં. બપોરે દોઢ વાગ્યાની આસપાસ તેમની મોટી દિકરી તેમને જમવાનું આપવા ગઇ ત્યારે તેને ઘટના અંગે ખબર પડી હતી. અમારી માગ છે કે મારા ભાઇને ન્યાય મળવો જોઈએ."

બીબીસી સહયોગી સચીન પિઠવાએ મૃતક સુરેશભાઈનાં પત્ની જયાબહેનનો અને તેમના પિયરપક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કોઈ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નહોતા. તેમની સાથે સંપર્ક થયા બાદ અમે તેમનો પક્ષ મૂકીશું.

તમને આત્મહત્યાના વિચાર આવે તો મદદ મેળવવા માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર કૉલ કરો.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 13 ભાષાઓમાં 18005990019 નંબરની હેલ્પલાઇન પણ ચલાવે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ હેલ્પલાઇનનો નંબર 08026995000 છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.