ઓડિશા રેલ દુર્ઘટના કેવી રીતે થઈ? રેલવેને તપાસમાં શું જાણવા મળ્યું?

શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 275 લોકો માર્યા ગયા છે. આ ઘટનાના બીજા દિવસે રેલવે બોર્ડ દ્વારા દુર્ઘટનાને લઈને માહિતી આપી હતી.

રેલવે બોર્ડનાં ઑપરેશન અને બિઝનેસ ડેવલપમૅન્ટનાં સભ્ય જયા વર્મા સિન્હાએ પ્રાથમિક તપાસને ટાંકીને જણાવ્યું કે "પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિગ્નલિંગમાં સમસ્યા થઈ હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે."

તેમણે આગળ કહ્યું, "અમે રેલવેના કમિશનર ઑફ સેફ્ટી દ્વારા કરાયેલી તપાસના વિગતવાર અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ."

તેમણે એમ પણ કહ્યું હતું કે "અકસ્માત માત્ર કોરોમંડલ એક્સપ્રેસને જ નડ્યો હતો. જે પોતાની મહત્તમ ગતિ (128 કિલોમીટર પ્રતિકલાક) પર જઈ રહી હતી."

'માલગાડીને કોઈ નુકસાન નહીં'

દુર્ઘટનાના ઘટનાક્રમ વિશે વાત કરતા જયા વર્મા સિન્હાએ કહ્યું, "રેલવેસ્ટેશન પર ચાર લાઇન છે. તેમાંની બે મુખ્ય લાઇન છે. લૂપલાઇન પર ગૂડ્સ ટ્રેન એટલે કે માલગાડી હતી."

"ડ્રાઇવરને લીલી ઝંડી મળ્યા બાદ જ તેઓ આગળ વધી રહ્યા હતા પણ સિગ્નલિંગમાં કેટલીક સમસ્યાના કારણે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન માલગાડી જે ટ્રૅક પર ઊભી હતી, તેના પર આવી ગઈ હતી."

તેમણે વધુમાં કહ્યું, "ટ્રેનને ક્લિયર સિગ્નલ મળ્યું હોવાથી અને તે આ સ્ટેશન પર ઊભી ન રહેવાની હોવાથી 128 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જઈ રહી હતી અને માલગાડીના પાછળના ભાગે અથડાઈ હતી."

આ દુર્ઘટનાની શરૂઆતની તસવીરોમાં દેખાતું હતું કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડીની ઉપર ચઢી ગયું હતું.

આ પાછળનું કારણ જયા વર્મા સિન્હાએ આપ્યું કે માલગાડી કાચું લોખંડ (આયર્ન ઓર) લઈને જઈ રહી હતી અને તેના રસ્તેથી દુર્ઘટનાગ્રસ્ત થયેલી બે ટ્રેનો પસાર થવાની હોવાથી તેને આ રેલવેસ્ટેશન પર હૉલ્ટ આપવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, "માલગાડી કાચા લોખંડથી ભરેલી હોવાથી તેના પર અથડામણની કોઈ વધારે અસર જોવા મળી ન હતી. જ્યારે સમગ્ર અસર કોરોમંડલ એક્સપ્રેસ પર જ થઈ હતી. જેના લીધે વધુ જાનહાનિ નોંધાઈ છે."

"તેની અસર એવી થઈ કે એન્જિન માલગાડીની ઉપર ચઢી ગયું અને પાછળના ડબ્બા સામેની તરફના પાટા પર જતા રહ્યા હતા."

તેમણે આગળ જણાવ્યું, "કોરોમંડલ એક્સપ્રેસના એ ડબ્બા યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે ડબ્બા સાથે અથડાયા હતા. જે તે સમયે 126 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જઈ રહી હતી."

  • શુક્રવાર 2 જૂન 2023ની સાંજે લગભગ સાત વાગ્યે ત્રણ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી
  • આ દુર્ઘટના ઓડિશાના બાલાસોર પાસે બાહાનગા બજાર સ્ટેશન પાસે ઘટી હતી
  • દુર્ઘટનામાં શાલિમાર-કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. એક માલગાડી પણ દુર્ઘટનાની ચપેટમાં આવી ગઈ હતી
  • દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 275 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે, સાથે ઈજાગ્રસ્તોની સંખ્યા 800થી વધુ છે
  • આ કારણે 48 ટ્રેનો રદ થઈ છે, જ્યારે 39 ટ્રેનોનો માર્ગ બદલી નાખવામાં આવ્યા છે
  • વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષીઓને છોડવામાં નહીં આવે

1200માંથી 800 જેટલા ઈજાગ્રસ્તોની સારવાર પૂર્ણ

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલ ઘટનાસ્થળે રિસ્ટોરેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર હાલ એક હજારથી વધુ લોકો ઘટનાસ્થળ અને હૉસ્પિટલમાં કામે લાગેલા છે. લોકો સિવાય પોકલેન મશીનો તેમજ રેલવે અને સામાન્ય ક્રેઇન કામે લાગેલી છે.

આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 288 સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ઓડિશાના ચીફ સૅક્રેટરી પ્રદીપ જેનાએ સ્પષ્ટતા કરી હતી કે મૃત્યુઆંક 275 છે.

તેમણે કહ્યું, "ડીએમ દ્વારા જ્યારે માહિતીની ચકાસણી કરવામાં આવી તો ખબર પડી કે કેટલાક મૃતદેહોની ગણતરી બે વખત કરવામાં આવી હતી. તેના લીધે મૃત્યુઆંક સુધારીને 275 કરવામાં આવ્યો છે."

આ 275 માંથી 88 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે બાકીના મૃતદેહોના વાલીવારસો શોધાઈ રહ્યા છે.

ઈજાગ્રસ્તોની હાલત વિશે તેમણે જણાવ્યું, "કુલ 1175 ઈજાગ્રસ્તોમાંથી 793ની સારવાર પૂર્ણ થઈ ગઈ છે અને તેમને રજા આપી દેવામાં આવી છે."

કેવી રીતે ઘટી દુર્ઘટના?

શુક્રવારે 2 જૂન 2023ના રોજ હાવડા પાસે શાલિમાર રેલવેસ્ટેશનથી ટ્રેન નંબર 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયે નીકળી હતી.

23 ડબ્બાની આ ટ્રેનને અપલાઈન પર બાલાસોર, કટક, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા થઈને ચેન્નઈ પહોંચવાનું હતું.

આ ટ્રેને બપોર પછી 3 વાગ્યાને 20 મિનિટ પર તેની સફર શરૂ કરી હતી અને તે પહેલાં સંતરાગાછી રેલવેસ્ટેશન પર અને ત્યારબાદ અંદાજે 3 મિનિટના અંતરે ખડગપુર સ્ટેશન પહોંચી હતી.

ટ્રેન સાંજે ખડગપુર સ્ટેશનથી શરૂ થઈ હતી. આ ટ્રેન સાંજે સાત વાગ્યે બાલાસોર પાસે બાહાનગા બજાર રેલવેસ્ટેશન તરફ જઈ રહી હતી.

આ ટ્રેનને બાહાનગા સ્ટેશન પર રોકાયા વગર સીધું આગળ નીકળી જવાનું હતું, પરંતુ મેઇન લાઇનના બદલે લૂપલાઇન તરફ જતી રહી હતી. આ સ્ટેશન પર લૂપલાઇન પર એક માલગાડી ઊભી હતી અને ઝડપથી ચાલી રહેલી કોરોમંડલ એક્સપ્રેસ માલગાડીને પાછળથી અથડાઈ હતી.

ઑલ ઇન્ડિયા રેલવે મૅન્સ ફેડરેશનના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રાએ બીબીસીને જણાવ્યું હતું કે, કોઈ ટેકનિકલ ખરાબીના કારણે કોરોમંડલ એક્સ્પ્રેસને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું અથવા પછી ગડબડના કારણે આ ટ્રેન મેન લાઇનને છોડીને લૂપ લાઇન પર જતી રહી હતી, જેના લીધે આ દુર્ઘટના ઘટી હતી.