You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જી-20ના 'લોગો'માં કમળ કેમ? કૉંગ્રેસે કહ્યું - મોદી અને ભાજપની બેશરમી
- લેેખક, ઇકબાલ અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત જી-20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે અને તેના લોગોમાં કમળ સામેલ કરવાને લઈને પ્રમુખ વિપક્ષી દળ કૉંગ્રેસે આપત્તિ વ્યક્ત કરી છે.
પાર્ટી મહાસચિવ અને મીડિયા પ્રભારી જયરામ રમેશે એક ટ્વીટ કરીને કહ્યું, "70 વર્ષ પહેલાં નહેરુ (ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ)એ કૉંગ્રેસના ઝંડાને ભારતનો ઝંડો બનાવવાનો પ્રસ્તાવને માન્ય રાખ્યો ન હતો."
"આજે ભાજપનું ચૂંટણીચિહ્ન ભારતની જી-20 અધ્યક્ષતાનો સત્તાવાર લોગો બની ગયું છે. આ ચોંકાવનારું જરૂર છે પણ હવે સામાન્ય લોકો જાણી ગયા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બેશરમીથી ખુદનો પ્રચાર કરવાની એક પણ તક ગુમાવશે નહીં."
પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને કૉંગ્રેસને જવાબ આપ્યો. તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદીનો વિરોધ કરવા માટે રાષ્ટ્રીય પ્રતીકો અને ફૂલનો વિરોધ કેમ?" તેમણે કૉંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા પ્રશ્ન ઉઠાવ્યો, "હવે શું કમલનાથ (મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી) પોતાના નામ આગળથી કમલ હઠાવી દેશે અને રાજીવ શુક્લા (પૂર્વ કેન્દ્રીય મંત્રી) પોતાના નામ આગળથી રાજીવ શબ્દ હઠાવી દેશે."
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ભારતની જી-20ની અધ્યક્ષતાના લોગો, થીમ અને વેબસાઇટનું લૉન્ચિંગ કર્યું હતું.
આ લોગોમાં કમળનું ફૂલ સામેલ છે.
મોદીએ લોગો વિશે કહ્યું, "જી-20નો આ લોગો માત્ર એક પ્રતીક ચિહ્ન નથી. આ એક સંદેશ છે, ભાવના છે. જે આપણી નસોમાં છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારોમાં સામેલ રહ્યો છે. આ લોગો અને થીમ દ્વારા આપણે એક સંદેશ આપ્યો છે."
મોદીએ આગળ કહ્યું, "યુદ્ધથી મુક્તિ માટે બુદ્ધના જે સંદેશ છે, હિંસાના પ્રતિરોધમાં મહાત્મા ગાંધીના જે સમાધાન છે. જી-20 દ્વારા ભારત તેમની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કમળને ભારતની પૌરાણિક ધરોહર ગણાવતા કહ્યું, "આ લોગોમાં કમળનું ફૂલ, ભારતની પૌરાણિક ધરોહર, આપણી આસ્થા અને બૌદ્ધિકતાને ચિત્રિત કરે છે."
મોદીએ કહ્યું કે કમળનું પ્રતીક આશાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું, "હાલમાં દુનિયા વિનાશકારી મહામારી, સંઘર્ષ અને ઘણી આર્થિક અનિશ્ચિતતા બાદના પ્રભાવોમાંથી પસાર થઈ રહ્યું છે. જી-20ના લોગોમાં કમળનું પ્રતીક આવા સમયે આશાનું પ્રતિનિધિત્વ કરે છે."
મોદીએ કમળ દ્વારા સમગ્ર દુનિયાને સંબોધિત કરતા કહ્યું, "કમળની સાત પાંખડીઓ વિશ્વના સાત મહાદ્વીપો અને સંગીતના સાત સ્વરોનું પ્રતિનિધિત્વ કરે છે. જી-20નો આ લોગો વિશ્વમાં સદ્ભાવ લાવશે."
જી-20ના લોગોમાં 'કમળ'નો વિરોધ
મોદી અને ભાજપ ભલે કમળ વિશે જે પણ કરે, પરંતુ જી-20ના લોગોના અનાવરણ બાદથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જાણીતા લેખક સલીલ ત્રિપાઠીએ સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું, "કોઈ રાજનૈતિક પાર્ટીનું ચૂંટણીચિહ્ન (કમળ) જી-20 બેઠકનો લોગો કેવી રીતે હોઈ શકે. શું જી-20માં સામેલ બાકીના 19 દેશો મોદીને મંજૂરી આપી રહ્યા છે. આ અંગે સ્પષ્ટતા જરૂરી છે."
પત્રકાર પામેલા ફિલિપોસે પણ લોગોમાં કમળના ફૂલનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું, "વડા પ્રધાન હમેશાં ચૂંટણીના મૂડમાં રહે છે. એટલે ત્યારે મને કોઈ આશ્ચર્ય ન થયું જ્યારે તેમણે જી-20ના લોગોનું અનાવરણ કર્યું. જેમાં કમળ ઊડીને આંખે વળગે તે રીતે જોવા મળ્યું."
ભારતને મળશે જી-20ની અધ્યક્ષતા
જી-20 વિશ્વની પ્રમુખ વિકસિત અને વિકાસશીલ દેશોનો સમૂહ છે.
જી-20નું ગઠન વર્ષ 1999માં દક્ષિણ પૂર્વ એશિયાને ગંભીર રીતે પ્રભાવિત કરનાર નાણાકીય સંકટની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યું હતું.
તે સમયે તેનો ઉદ્દેશ મધ્યમ આવક ધરાવતા દેશોને સામેલ કરીને વૈશ્વિક નાણાકીય સ્થિરતાને સુરક્ષિત કરવાનો હતો.
જી-20 વિશ્વની 60 ટકા વસતી, જીડીપીના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસતીનું પ્રતિનિધિત્વ કરે છે.
ભારત શરૂઆતથી તેનું સભ્ય છે.
જી-20માં ભારત સિવાય અર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા, મૅક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘ સામેલ છે.
ઇન્ડોનેશિયા જી-20નું હાલનું અધ્યક્ષ છે.
ઇન્ડોનેશિયાના બાલીમાં 15-16 નવેમ્બરે જી-20નું શિખર સંમેલન યોજાશે. જેમાં મોદી સહિત જી-20ના શીર્ષ નેતાઓ સામેલ હશે.
આ સંમેલન બાદ ભારત એક ડિસેમ્બરથી જી-20ની અધ્યક્ષતા લેશે. ભારત 30 નવેમ્બર, 2023 સુધી અધ્યક્ષતા કરશે અને 2023માં યોજાનારા શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે.
ભારતે 2023નું શિખર સંમેલન ભારત પ્રશાસિત કાશ્મીરમાં યોજવાનો નિર્ણય લીધો હતો અને તેના માટે જમ્મુ કાશ્મીર સરકારે જૂનમાં એક પાંચ સભ્યોની સમિતિનું ગઠન પણ કર્યું હતું. પણ તેને લઈને વિવાદ ઊભો થયો હતો.
પાકિસ્તાન, ચીન, તુર્કી અને સાઉદી અરેબિયાએ તેને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. બાદમાં ભારતે તેને દિલ્હીમાં યોજવાનો નિર્ણય લીધો છે.
ભારત, જી-20 અધ્યક્ષ તરીકે બાંગ્લાદેશ, ઇજિપ્ત, મૉરિશિયસ, નેધરલૅન્ડ્સ, નાઇજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઈને મહેમાન દેશો તરીકે આમંત્રિત કરશે.
જી-20નું કોઈ સ્થાયી સચિવાલય નથી.
એજન્ડા અને કાર્ય જી-20 દેશોના પ્રતિનિધિઓ કરે છે જેમને શેરપા કહેવાય છે.
શેરપા નાણામંત્રી અને કેન્દ્રીય બૅન્કના ગવર્નર સાથે મળીને કામ કરે છે.
ભારતને મળશે મહત્ત્વપૂર્ણ જવાબદારી
જી-20ની અધ્યક્ષતા સિવાય ભારત પાસે એસસીઓની અધ્યક્ષતા પણ આવી ગઈ છે અને આવતા વર્ષે ભારતમાં તેનું શિખર સંમેલન યોજાશે.
ડિસેમ્બર 2022માં ભારત સુરક્ષા પરિષદની પણ અધ્યક્ષતા કરશે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલ અસ્થાયી સભ્ય છે.
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતને જી-7માં સામેલ કરવામાં આવી શકે છે.
જી-7 આર્થિક રીતે વિશ્વના સાત તાકાતવર દેશોનું સંગઠન છે.
આ વર્ષે જૂન મહિનામાં જર્મનીમાં યોજાયેલ જી-7ના શિખર સંમેલનમાં ભારત મહેમાન દેશ તરીકે હાજર રહ્યું હતું.
જી-7માં જર્મનીએ ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપ્યું હતું.
સપ્ટેમ્બરમાં ભારત બ્રિટનને પાછળ છોડીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો