પોલીસ અધિકારીઓને જો નકલી પાસપોર્ટ બનાવવાની મંજૂરી મળી હોત તો દાઉદને પણ સજા મળી હોત
મુંબઈ પોલીસ દાઉદને પાકિસ્તાનથી પકડીને અહીં લાવી હોત!
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ્સના ચાર આરોપીઓને આખરે સજા થઈ. જો કે, હજી આ કેસનો આરોપી નંબર - 1 દાઉદ ઇબ્રાહિમ કાસકર હજી પણ કાયદાની પકડથી દૂર છે. કારણ કે, તે બ્લાસ્ટ થયા તેના લાંબા સમય પહેલા જ પાકિસ્તાન ભાગી ગયો હતો.
ભારતે પાકિસ્તાનને દાઉદ જ્યાં રહેતો હોવાનું મનાય છે, તેવા 3 સરનામાં અને બધા જ ઉપલબ્ધ પુરાવા આપ્યા હતા. ભારત ઇન્ટરપોલ સાથે સંકલન કરીને કામ કરતું હતું, જેને કારણે દાઉદ સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાને કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. ઉલટાનું પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI એ દાઉદને સુરક્ષિત રીતે રહેવાની વ્યવસ્થા કરી આપી.
એ સમયે મેં દાઉદને પાકિસ્તાન જઈ તેના ઘેરથી ઝડપી લેવાની યોજના રજૂ કરી હતી. એ ખતરનાક અને જોખમી મિશન હતું. મારે બીજા ચાર અધિકારીઓ સાથે મળીને એ મિશન પુરૂં કરવાનું હતું. અમારે ત્યાં જઈને દાઉદને પકડી લેવાનો હતો નહીં તો અમને ત્યાં મારી નાખવામાં આવતાં. એને કારણે તેની પાકિસ્તાનમાં હાજરીની જાણ આખા વિશ્વને થઈ ગઈ હોત. અમારે અમારો જીવ જોખમમાં મૂકવાનો હતો, પણ અમને તેની પરવાહ ન હતી. પરંતુ આ મિશનને સરકારમાં ઉચ્ચ-કક્ષાએથી મંજૂરી ન મળી. તેનાં બે કારણો હતાં. પહેલું કારણ એ કે ચાર ભારતીય પોલીસ અધિકારીઓને ગુપ્ત રીતે પાકિસ્તાન મોકલવા માટે નકલી પાસપોર્ટ્સની જરૂર પડવાની હતી. કેન્દ્ર સરકારે આ વાત ક્યારેય સ્વીકારી ન હોત. કારણ કે, જો અમે પકડાઈ ગયા હોત, તો એ મુંબઈ પોલીસ અને ભારત સરકાર માટે ક્ષોભજનક ઘટના બની ગઈ હોત. બીજું કારણ એ હતું કે મુંબઈ પોલીસમાં અમારા ઉચ્ચ અધિકારીઓને અમને આ ખતરનાક મિશનમાં હોમી દેવા નહોતા માગતા. એટલે તેમણે અમારી આ યોજનાને મંજૂરી ન આપી.
આ ઘટનામાં પ્રારંભિક તબક્કે હું તપાસ અધિકારી હતો. આ મામલે પોલીસ, આઈબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો), રો, જે કોઈ એજન્સી કોઈની પણ ધરપકડ કરે તેને અમારી ટીમને સોંપી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ માટેનું કારણ એ હતું કે જુદાં જુદાં લોકો પાસેથી મળતાં વિવિધ નિવેદનોને એકઠાં કરવા અને તેના પરથી કોઈ કામગીરી થઈ શકે તેવી માહિતી મેળવવી. પણ જ્યારે અભિનેતા સંજય દત્ત મોરેશિયસથી મુંબઈ આવ્યા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેનો કબજો લઈને અમને એક બાજુ ધકેલી દીધા. મેં આ મુદ્દે મારા ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલો કરી અને પછી હું એ તપાસની પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયો.
આજે જ્યારે આ કેસના આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે, ત્યારે આરોપી નંબર 1 હજી પણ કાયદાની પકડથી બહાર છે. મને ડર છે કે, તે જ્યાં સુધી મૃત્યુ પામશે ત્યાં સુધી માત્ર આરોપી નંબર 1 બનેલો રહેશે. ભારતમાં દાઉદને જીવતો ભારત લાવવો અશક્ય છે, સિવાય કે ભારત પાકિસ્તાન પર હુમલો કરે અથવા કોઈ ખાનગી ઓપરેશનમાં તેને અહીં લઈ આવે.
પાકિસ્તાન ક્યારેય દાઉદ ભારતને નહીં સોંપે. એનું કારણ પણ સ્પષ્ટ છે કે તે પાકિસ્તાનને ખુલ્લું પાડી દેશે. એના કરતાં તો જ્યારે તે પાકિસ્તાન માટે બિનઉપયોગી સાબિત થશે અથવા જોખમી બની જશે તો તે લોકો જ તેને મારી નાખશે.








