You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સી.આર. પાટીલ : ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી તરીકે રિપીટ કરવામાં આવશે - પ્રેસ રિવ્યૂ
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીની વિદાય બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલની મુખ્ય મંત્રી તરીકે પક્ષની પસંદગીએ સૌને આશ્ચર્યમાં મુક્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર,શનિવારે એક ટેલિવિઝન ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાર્ટીના આગામી મુખ્ય મંત્રી કોણ હશે તે અંગે પૂછવામાં આવતાં પાટીલે કહ્યું: "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સારું કામ કર્યું છે અને તેમને રિપીટ કરવામાં આવશે".
આ ઉપરાંત, પાટીલે આમ આદમી પાર્ટી (આપ)ના પડકારને પણ ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે 'કૉંગ્રેસ બીજા સ્થાને રહેશે.'
બે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી મહત્ત્વનાં ખાતાંને ચૂંટણી પહેલાં કેમ છીનવી લેવાયાં એનો જવાબમાં પાટીલે કહ્યું: "જ્યારે ચૂંટણીઓ નજીક છે ત્યારે કામ ઝડપથી થવું જોઈએ. હવે આ નિર્ણયો ઝડપથી લેવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે બન્ને મંત્રીઓ પાસેથી ખાતાં આંચકી લેવાયા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે અને ઉદ્યોગરાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માને માર્ગ અને મકાનમંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.
પાટીલે કહ્યું કે ભાજપ પાસે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માસ્ટર પ્લાનિંગ" સહિત કેટલાંક "બ્રહ્માસ્ત્રો" છે, જે વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદ કરશે."
કૉંગ્રેસ નિર્વિવાદપણે ચૂંટણીમાં બીજા નંબરે રહેશે એમ ભારપૂર્વક કહેતાં પાટીલે ઉમેર્યું કે, ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો નથી."
રાજકોટ : કેજરીવાલ પર ગરબાના કાર્યક્રમ દરમિયાન બૉટલ ફેંકાઈ?
આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જનસભા સંબોધી. આ દરમિયાન પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાથે તેઓ રાજકોટમાં એક ગરબાકાર્યક્રમમાં પણ સામેલ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ કાર્યક્રમ દરમિયાન કોઈએ પાણીની બૉટલ તેમના પર ફેંકી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર લોકોની ભીડમાંથી કોઈએ દિલ્હીના મુખ્ય મંત્રી પર પાણીની બૉટલ ફેંકી. આ અંગેનો વીડિયો પણ શૅર કરાઈ રહ્યો છે.
અહેવાલ અનુસાર રાજકોટમાં ખોડલધામના ગરબા ક્રાર્યક્રમમાં કેજરીવાલ પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે કોઈએ તેમના પર બૉટલ ફેંકી હતી. બૉટલ તેમના ઉપરથી નીકળી ગઈ અને તેમને વાગી નહોતી.
જોકે, કેજરીવાલ પર બૉટલ કોણે અને કેમ ફેંકી એ જાણવા મળ્યું નથી.
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં એક સભાને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું, "ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી કોઈ વિકલ્પ નહોતો. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે અને હવે ગુજરાતમાં પરિવર્તન આવીને જ રહેશે. "
ગાંધી જયંતિ: પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે રાજઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, "ગાંધીજયંતિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ. આ ગાંધીજયંતિ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત આઝાદીના અમૃતઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. હંમેશાં બાપુના આદર્શો પર ચાલો. હું તમને બધાને ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે ખાદી અને હસ્તકલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરું છું."
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ રવિવારે સવારે રાજઘાટ પહોંચ્યાં હતાં અને તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
કાનપુરમાં ટ્રૅક્ટર ટ્રૉલી પલટી જતાં 26 લોકોનાં મૃત્યુ, મૃતકોમાં 14 મહિલાઓ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રેક્ટર ટ્રૉલી પલટી જવાથી સર્જાયેલા અકસ્માતમાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ઘાટમપુર વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી જ્યારે ભક્તોને લઈ જતી ટ્રેક્ટર ટ્રૉલી એક ગામની નજીક પલટી ગઈ હતી અને રસ્તાની બાજુના ખાડામાં પડી હતી. ખાડામાં પાણી ભરેલું હતું.
કાનપુર કલેક્ટર વિશાખ ઐયરે પત્રકારોને જણાવ્યું હતું કે અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
તેમણે કહ્યું, "મૃતકોમાં 14 મહિલાઓ છે અને બાકીનાં બાળકો છે. " અકસ્માતના કારણ અંગે હજુ વધુ વિગતો મળી શકી નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ ટ્રેક્ટર ટ્રૉલીમાં લગભગ પચાસ લોકો સવાર હતા. આ લોકો ફતેહપુરના ચંદ્રિકાદેવીમંદિરમાં મુંડનસમારોહમાં હાજરી આપીને ઘાટમપુર પરત ફરી રહ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું છે કે ઓછામાં ઓછા 12 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.
રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "કાનપુરમાં એક માર્ગઅકસ્માતમાં ઘણા લોકોનાં મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છું. હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું."
વડા પ્રધાન મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયા પર લખ્યું કે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે તેમની સંવેદના છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો