You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાલી શકતી આ ગુલાબી માછલી દાયકાઓમાં પહેલી વખત જોવા મળી, કેમ છે ખાસ?
ગુલાબી હૅન્ડફિશ માછલીઓની દુર્લભ પ્રજાતિ ગણાય છે, જે માત્ર ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. જે 22 વર્ષ બાદ પહેલીવાર તાસ્માનિયાના દરિયાકાંઠે જોવા મળી છે.
ગુલાબી હૅન્ડફિશને આ અગાઉ 1999માં તાસ્માનિયાના એક ડાઇવરે જોઈ હતી અને એ સિવાય તે અત્યાર સુધીમાં માત્ર ચાર વખત જ જોવા મળી હતી.
તેના અસ્તિત્વ માથે તોળાઈ રહેલા ખતરાને પગલે અધિકારીઓએ તાજેતરમાં તેને વિલુપ્ત પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરી હતી.
પરંતુ ઑસ્ટ્રેલિયન સંશોધકોનું કહેવું છે કે આ વર્ષની શરૂઆતમાં દરિયાઈ ઉદ્યાનમાં ઊંડા સમુદ્રના કૅમેરા રેકર્ડિંગમાં તે ફરી જોવા મળી છે.
નવા અવલોકન પ્રમાણે આ માછલી પહેલાં કરતાં ઊંડે જોવા મળી છે.
વૈજ્ઞાનિકોની ધારણા હતી કે આ માછલી છીછરા પાણીની પ્રજાતિ છે, એટલે તે ખાડીપ્રદેશોમાં રહે છે; પણ તે તાસ્માનિયાના દક્ષિણ કિનારે 150 મીટર (390 ફૂટ) ઊંડા પાણીમાં જોવા મળી છે.
'આ નવીન સંશોધન છે'
અગ્રણી સંશોધક અને દરિયાઈ જીવવિજ્ઞાની તાસ્માનિયા યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર નેવિલ બેરેટે જણાવ્યું હતું કે "આ નવીન શોધ છે અને તેણે ગુલાબી હૅન્ડફિશની હયાતિ અંગે આશા જન્માવી છે, કારણ કે તે પહેલાંની માન્યતાઓ કરતાં વધુ વ્યાપક રહેઠાણ અને વર્ગીકરણ ધરાવે છે."
તેમનું કહેવું છે કે "આ પ્રજાતિના મોટા હાથ છે, જેના સહારે તે તરે છે અને સાથે જ સમુદ્રતટ પર ચાલે પણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેબ્રુઆરીમાં નેવિલ બેરેટની ટીમે ટાસ્માન ફ્રેક્ચર મરિન પાર્કના દરિયાકિનારે કોરલ, લોબ્સ્ટર અને માછલીની પ્રજાતિઓનું સર્વેક્ષણ કરવા માટે એક બાઇટેડ કૅમેરા મૂક્યો હતો.
સ્વિટ્ઝર્લૅન્ડના કદનું આ સંરક્ષિત ઉદ્યાન પૃથ્વીના પોપડામાં લાંબી તિરાડને લઈને જાણીતું છે. જેમાં દરિયાઈ જીવસૃષ્ટિ 4000 મીટરથી વધુ ઊંડાઈએ જોવા મળે છે.
ઑક્ટોબરની ફૂટેજનું અવલોકન કરતી વખતે એક સહાયકસંશોધકનું ધ્યાન મોટાં પ્રાણીઓની ભીડ વચ્ચે રહેલી આ માછલી પર ગયું હતું.
યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍન્ટાર્કટિક ઍન્ડ મરીન સ્ટડીઝના એશલી બસ્તિયાન્સને જણાવ્યું હતું કે "હું અમારા એક રફ વીડિયો જોઈ રહી હતી અને મને અચાનક ખડકની કિનારીએ એક નાની માછલી જોવા મળી, જે અનોખી લાગતી હતી."
'મને હાથ જોવા મળ્યા'
એશલીએ કહ્યું, "મેં નજીકથી જોયું તો મને તેના હાથ જોવા મળ્યા."
વિઝન જણાવે છે કે એક કરચલાની ખલેલના કારણે 15 સેન્ટિમીટરની આ માછલી છાજલીમાંથી બહાર આવી હતી, અને થોડી જ ક્ષણોમાં કૅમેરાની નજરથી ગાયબ થઈ ગઈ.
ઍસોસિયેટ પ્રોફેસર બેરેટે જણાવ્યું હતું કે, "આ પ્રજાતિની સ્પષ્ટ ઓળખ અને તેના કદના માપન માટે તે સમયે અમને ખરેખર દુર્લભ છબિ મળી ગઈ."
"અમે હવે નવીન ટેકનૉલૉજીનો ઉપયોગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ અને ખરેખર જોઈએ છીએ કે આવી દુર્લભ પ્રજાતિઓ માટે આ ઊંડાં રહેઠાણો કેટલાં મહત્ત્વપૂર્ણ છે."
ગુલાબી હૅન્ડફિશ એ 14 પ્રકારની હૅન્ડફિશ પૈકી એક છે, જે ઑસ્ટ્રેલિયન મુખ્ય ભૂમિની દક્ષિણે આવેલા તાસ્માનિયાની આસપાસ જોવા મળે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો