કોરોના વાઇરસમાં ભારતની કથળેલી સ્થિતિ અંગે પાકિસ્તાનીઓ શું કહી રહ્યા છે?

ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ દિવસને-દિવસે ગંભીર બની રહી. છેલ્લા 2 દિવસથી 24 કલાકમાં 3 લાખ કરતાં વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

આખી દુનિયાનું મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ વિશે ચર્ચાઓ થઈ રહી છે, જેમાં ખાસ કરીને ઑક્સિજન અને બેડની ઘટ વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

આ જ ક્રમમાં, પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ભારતના કોરોના વાઇરસની સ્થિતિને લઈને ચર્ચાઓ ઝડપી છે.

પાકિસ્તાનમાં ટ્વિટર પર #WeCantBreathe, #IndiaNeedsOxygen અને #IndianLivesMatter જેવી હેશટેગ્સ ટ્રેન્ડ થઈ રહ્યા હતા.

#IndiaNeedsOxygen હેશટેગથી લાખો ટ્વિટ કરવામાં આવ્યા છે જ્યારે #WeCantBreathe હેશટેગ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ્સની સંખ્યા હજારો થઈ ગઈ છે.

રસપ્રદ વાત એ છે કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ગમે તેટલા તણાવપૂર્ણ હોય પરતું ત્યાંના લોકો માગ કરી રહ્યા છે કે ભારતની મદદ કરવામાં આવે.

'ઈમરાન ખાન ભારતની મદદ કરો'

પત્રકાર વજાહત કાઝમીએ #IndiaNeedsOxygen હેશટેગથી સાથે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતની હાલત કાળજું કપાંવનારું છે. દરેક વ્યક્તિ કોરોના વાઇરસથી સાજો થઈ જાય. ભારત માટે પ્રાથર્ના.

ઉસ્માન ખિલજી નામના પખ્તુન સમાજસેવકે ટ્વિટ કરીને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનને ભારતને મદદ કરવા માટે અપીલ કરી છે.

તેમણે ટ્વીટ કર્યું, "હું હજારો પાકિસ્તાની નાગરિકો સાથે સરકારને અપીલ કરું છું કે તેઓ ભારતની હૉસ્પિટલોમાં ઑક્સિજનના મામલામાં મદદ કરે પાકિસ્તાનના ટોપ ટ્રેન્ડમાં #IndiaNeedsOxygen અને #IndianLivesMatterને જોઈને આનંદ થાય છે. આ બતાવે છે કે લોકોનાં હૃદય યોગ્ય જગ્યાએ છે."

ડી કમલ નામના ટ્વિટર હેન્ડલે ટ્વિટ કર્યું છે કે, "હું આશા રાખું છું કે પાકિસ્તાન પોતાના મતભેદનો બાજુએ મૂકીને જીવન બચાવવા માટે જે પુરવઠો જોઈએ છે તે માટે સામે ચાલીને ભારતની મદદ કરશે. ફોટા અને અહેવાલો હૃદયસ્પર્શી છે. માનવતા પહેલા છે."

સલમાન હૈદરે ટ્વીટ કર્યું છે કે ભારત દુશ્મન નહીં પણ પાડોશી છે.

બંને દેશોને પણ સલાહ

અમ્મર હાશ્મીએ ટ્વિટર હેન્ડલ #WeCantBreathe હેશટેગનો ઉપયોગ કરીને ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે જો બંને દેશોએ સેનાની જગ્યાએ આરોગ્ય પર પૈસા ખર્ચ કર્યા હોત તો પરિસ્થિતિ અલગ હોત.

ઉસ્માન મહેબૂબે ટ્વીટ કર્યું છે કે 'આપણે રાજકીય અથવા ઐતિહાસિક મતભેદોને બાજુ પર મૂકીને ભારતની મદદ કરવી જોઈએ, નહીં તો આપણે કહીશું કે માનવતા આજે મરી ગઈ છે'.

આ જ સમયે, ઘણા લોકો ભારતની પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને પાકિસ્તાનને પોતાના ત્યાં વ્યવસ્થા કરવાની સલાહ આપી રહ્યા છે.

તુબા જમાલીએ ટ્વીટ કરીને કહે છે કે, "ભારતની આરોગ્ય પ્રણાલી આપણાં કરતાં સારી છે તેમ છતાં તે ધ્વસ્ત થઈ ગઈ. કોરોના વાઇરસનો આ સ્ટ્રેન બહુ જોખમી છે. પાકિસ્તાને તાત્કાલિક લૉકડાઉન લગાવવું જોઈએ. આપણે કોઈ પણ રીતે ઓક્સિજનની અછત અને હૉસ્પિટલોમાં સતત વધતા દરદીઓને સહન કરી શકીશું નહીં."

પાકિસ્તાનમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે અને કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો અને હૉસ્પિટલોમાં ધીમે-ધીમે ભારણ વધી રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો