એલેક્સી નવેલની : રશિયામાં માઇનસ 40 ડિગ્રીમાં "આઝાદી" અને "પુતિન ચોર છે"ના નારાઓ, અનેક લોકોની ધરપકડ

ઇમેજ સ્રોત, Vitaly Nevar\TASS via Getty Images
જેલમાં બંધ વિપક્ષી નેતા એલેક્સી નવેલનીના સમર્થનમાં આખા રશિયામાં અનેક રેલીઓ કાઢવામાં આવી છે અને આ મામલે 1000થી વધારે લોકોની ધરપકડ થઈ હોવાનો અંદાજ છે.
મૉસ્કોમાં પોલીસે મેટ્રો સ્ટેશન બંધ કરી દીધાં છે અને શહેરમાં અવરજવર પર પાબંદીઓ લગાવવામાં આવી છે. મૉસ્કોમાં 140 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નવેલની નર્વ એજન્ટના જીવલેણ હુમલાનો ઇલાજ કરાવી જર્મનીથી પરત ફર્યા હતા અને એ મૉસ્કો પહોંચતાં જ એમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
એમના પર પેરોલના નિયમનું પાલન નહીં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
વિપક્ષી નેતા નવેલની બર્લિનથી મૉસ્કો પહોંચ્યા હતા. બર્લિનમાં લાંબા સમયથી એમના પર થયેલા નર્વ એજન્ટના જીવલેણ હુમલાનો ઇલાજ ચાલતો હતો.
રશિયાના અધિકારીઓનું કહેવું છે કે એમને થયેલી સજાના ભાગરૂપે એમણે નિયમિત રીતે રશિયન પોલીસ પાસે હાજરી આપવાની થાય છે.

ઇમેજ સ્રોત, Reuters
નવેલનીએ એમની ધરપકડને પૂર્ણ રીતે ગેરકાનૂની ગણાવી છે અને કહ્યું છે કે, અધિકારીઓને ખબર હતી કે હું બર્લિનમાં નોવિચોક ઝેરનો ઇલાજ કરાવવા ગયો હતો.
ગત વર્ષે ઑગસ્ટમાં નવેલની પર આ ઝેરનો હુમલો કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે કાળા સાગર પાસે એક મોટા મહેલના માલિક છે એવા સમાચારોનું ખંડન કર્યું છે.
નવેલનીએ એક વીડિયો જાહેર કરી આરોપ મૂક્યો હતો કે આ મહેલના માલિક પુતિન છે. આ વીડિયો 10 કરોડથી વધારે વાર જોવાયો છે.

શું છે હાલની સ્થિતિ

ઇમેજ સ્રોત, Reuters
મૉસ્કો પ્રશાસનનું કહેવું છે કે આશરે 300 લોકો પ્રદર્શન માટે એકઠા થયા છે. ફૂટેજથી જાણવા મળે છે કે પોલીસ મોટી સંખ્યામાં લોકોને બસમાં બેસાડી રહી છે.
નવેલનીના સમર્થનમાં પૂર્વ રશિયામાં પહેલાં પણ રેલીઓ થઈ છે. હાલની રેલીઓ પોલીસની ચેતવણી છતાં કાઢવામાં આવી છે.
સાઇબેરિયન શહેર નોવોસિબિર્સ્કમાં કમસે કમ 2000 લોકોએ "આઝાદી" અને "પુતિન ચોર છે"ના નારાઓ લગાવી માર્ચ કરી છે.
યાકુટ્સ્કમાં માઇનસ 40 ડિગ્રી તાપમાન હોવા છતાં રેલી થઈ. એક પ્રદર્શનકારી ઇવાને કહ્યું કે તેઓ પહેલી વાર રેલીમાં સામેલ થયા છે.
એમણે કહ્યું, "હું સરકારની નિરંકુશતા અને અરાજકતાથી તંગ આવી ગયો છું. કોઈ પણ સવાલનો જવાબ નથી મળતો. હું સ્પષ્ટતા, ખુલ્લાપણું અને બદલાવ ઇચ્છું છું એટલે જ અહીં આવ્યો છું."
ઓમસ્ક અને સાઇબેરિયાની રેલીમાં 1000 લોકોએ હાજરી આપી. સ્થાનિક મીડિયા મુજબ યેકાટેરિનબર્ગમાં રેલીમાં 7000 લોકો સામેલ થયા હતા.
એક પ્રદર્શનકારીએ 'પુતિન રાજીનામું આપે' એવા લખાણ સાથેનો માસ્ક પહેર્યો હતો.

પહેલાં થઈ હતી 4000 લોકોની ધરપકડ

ઇમેજ સ્રોત, Reuters
ઓવીડી-ઇન્ફો મૉનિટરિંગ ગ્રૂપે કહ્યું કે પોલીસે આખા દેશમાં 519 લોકોની ધરપકડ કરી છે.
ગત અઠવાડિયે થયેલા વિરોધપ્રદર્શનમાં 4000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નવેલનીના અનેક નિકટના સહયોગીઓની ગત અઠવાડિયે ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ સિવાય એમના ભાઈ અને ઍક્ટિવિસ્ટ મારિયા એલીઓખિનાને પણ ઘરમાં જ કેદ કરવામાં આવ્યાં છે.
માનવાધિકારો પર ભાર આપતી રશિયન વેબસાઇટના ચીફ ઍડિટર સર્ગેઈ સ્મિર્નોવની શનિવારે એમના ઘરની બહારથી ધરપકડ કરી લેવામાં આવી.
ગત અઠવાડિયે થયેલા વિરોધપ્રદર્શનમાં ભાગ લેવાના આરોપસર એમની ધરપકડ કરવામાં આવી છે. એમની ધરપકડની પત્રકારોએ નિંદા કરી છે.
મૉસ્કોમાં નવેલનીના સમર્થકોને જેલમાં બંધ કરવામાં પોલીસને જગ્યા ઓછી પડી રહી છે.
નવેલનીએ આરોપ મૂક્યો છે કે પુતિનના આદેશને પગલે સરકારી સુરક્ષા એજન્ટોએ નોવિચોક ઝેરથી એમને મારવાની કોશિશ કરી હતી.
બેલિંગકૈટ વેબસાઇટના ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટોએ આ માટે રશિયન એફએસબી એજન્ટને જવાબદાર ઠેરવ્યા છે.
રશિયાની સરકાર આ આરોપનો ઇન્કાર કરે છે અને નવેલનીને મારવા માટે નોવિચોક ઝેરનો પ્રયોગ કરવામાં આવ્યો એવા એવો પશ્ચિમી દેશના હથિયારોના નિષ્ણાતોનો દાવો ફગાવી દે છે.

એલેક્સી નવેલની કોણ છે?

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
સરકારી ભ્રષ્ટાચારને જાહેર કરીને એલેક્સી નવેલની પોતાનું નામ બનાવ્યું છે. તેમણે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને ગુનેગારો અને ઠગની પાર્ટી ગણાવી હતી.
ડિસેમ્બર, 2019માં એલેક્સી નવેલની ફાઉન્ડેશન પર રૅઇડ પાડવા માટે મીડિયા કૅપ્શન પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સંસદીય ચૂંટણીઓમાં પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટી દ્વારા થયેલાં ભ્રષ્ટાચારના વિરોધ બાદ 2011માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 15 દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા.
એલેક્સી નવેલનીને જુલાઈ 2013માં ઉચાપત કરવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તે સજાને રાજકીય ગણાવી હતી.
એલેક્સી નવેલનીને જુલાઈ 2019માં ખોટી રીતે વિરોધપ્રદર્શન કરવા બદલ 30 દિવસની જેલની સજા કરાઈ હતી. ત્યારે પણ તેમણે ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
એલેક્સી નવેલની પર 2017માં એન્ટિસેપ્ટિક રંગથી હુમલો થયા પછી તેમની જમણી આંખમાં ગંભીર રાસાયણિક બળતરા થઈ હતી.
ગયા વર્ષે તેમના ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશનને સત્તાવાર રીતે "વિદેશી એજન્ટ" જાહેર કરવામાં આવ્યું, જેનાથી અધિકારીઓ તેના પર વધારે તપાસ કરી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












