You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND Vs AUS : હાર્દિક પંડ્યાએ નટરાજનને પોતાનો મૅન ઑફ ધ સિરીઝ ઍવોર્ડ આપી દીધો
ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચોની ટી-20 સિરીઝમાં ભારત છેલ્લી મૅચ હારી ગયું છે પરંતુ હાર્દિક પંડ્યાએ નવોદિત બૉલર ટી. નટરાજનની હિંમત વધારી છે.
ભારતે 2-1થી સિરીઝ જીતી લીધે છે અને હાર્દિક પંડ્યાને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા. જોકે, હાર્દિક પંડ્યાએ પોતાને મળેલો ઍવોર્ડ ટી. નટરાજનને આપ્યો.
હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરી લખ્યું કે નટરાજન તમારો દેખાવ સિરીઝમાં અસાધારણ રહ્યો છે. ભારત માટે રમવાની શરૂઆત જ છે ત્યારે અલગ વાતાવરણમાં તમારો દેખાવ તમારી પ્રતિભા અને મહેનતને દર્શાવે છે. મારા તરફથી મૅન ઑફ ધ સિરીઝ માટે તમે હકદાર છો. ટીમ ઇન્ડિયાને અભિનંદન
યુવા ખેલાડી નટરાજન ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત તરફથી પહેલી વાર રમી રહ્યા છે. ત્રણ વનડેની સિરીઝમાં એમણે બે વિકેટ જ ઝડપી. જોકે, ટી-20 સિરીઝમાં એમણે 3 મૅચમાં છ વિકેટ ઝડપી.
નટરાજને યૉર્કર બૉલ નાખવામાં સાત્ત્યપૂર્ણ દેખાવ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ત્રીજી મૅચમાં મૅચમાં ભારતની હાર
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સિરીઝની છેલ્લી મૅચ આજે સિડનીમાં રમાઈ જેમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 187 રનનો પડકાર આપ્યો હતો. જોકે, ભારતની ટીમ 170 રન જ કરી શકી અને મૅચ ઑસ્ટ્રેલિયાએ 12 રને જીતી લીધી છે.
ભારત તરફથી સૌથી વધારે રન કૅપ્ટન વિરાટ કોહલીએ કર્યા હતા. કોહલીએ 61 બૉલમાં 85 રન કર્યા. જોકે, અન્ય બેટ્સમૅનોનો સાથ તેમને ન મળ્યો.
ભારતની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 170 રન જ કરી શકી અને તેનો 12 રને પરાજય થયો. ઑસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્વેપસને 3 વિકેટ ઝડપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી.
ઑસ્ટ્રેલિયાએ ઓપનર વાડેની આક્રમક 80 રનની ઇનિંગ અને ગ્લેન મેક્સવેલની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 186 રન કર્યા.
એરોન ફિન્ચ શૂન્ય રને આઉટ થયા તો સ્મિથે 25 રને આઉટ થયા.
ભારત તરફથી વૉશિંગ્ટન સુંદરે 2 તથા ટી નટરાજન અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીની ટીમ ન કરી શકી વ્હાઇટ વૉશ
ભારત અગાઉની બે મૅચ જીતીને શ્રેણી જીતી ચૂકયું છે અને હવે વિરાટ કોહલીની ટીમની નજર ઑસ્ટ્રેલિયાના વ્હાઇટ વૉશ પર હતી.
ભારતે પહેલી ટી-20 મૅચ કૅનબેરામાં 11 રન જીતી હતી તો બીજી મૅચ સિડનીમાં રમાઈ હતી જેમાં ભારતે 195 રન ચૅઝ કરીને મૅચ જીતી હતી.
આ મૅચમાં ભારતે કેએલ રાહુલની અર્ધસદી અને રવીન્દ્ર જાડેજાના આક્રમક 44 રનની મદદથી 161 રન કર્યા હતા. જોકે, ટી. નટરાજન અને યજુવેન્દ્ર ચહલની ઘાતક બૉલિંગ સામે ઑસ્ટ્રેલિયા 150 રન જ કરી શક્યું હતું.
બીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગમાં વાડે, સ્મિથના આક્રમક દેખાવ સાથે ભારતને 195 રન કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે શિખર ધવનની અર્ધસદી અને હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગથી 20મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ભારતના અગાઉના બેઉ વિજયમાં રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, યજુવેન્દ્ર ચહલનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, જાડેજા ઇજાગ્રસ્ત થવાને કારણે રમી નથી રહ્યા.
પહેલી ટી-20 સિરીઝ રમી રહેલા ટી. નટરાજને પણ સારો દેખાવ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતની ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ત્રણ વનડે મૅચની સિરીઝ ઑસ્ટ્રેલિયાએ 2-1થી જીતી લીધી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો