પાકિસ્તાને ખાસ સૂચનામાં દાઉદ ઇબ્રાહીમનાં કેટલાં સરનામાંનો ઉલ્લેખ કર્યો?

પાકિસ્તાને એક અધિસૂચનામાં જણાવ્યું છે કે કરાચીમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમનું ઘર છે અને તેણે દાઉદ પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે.

પાકિસ્તાને કંઈક આવી જ અધિસૂચના નવેમ્બર 2019માં પણ જાહેર કરી હતી.

18 ઑગસ્ટે જાહેર કરાયેલી અધિસૂચનાને લઈને સ્થાનિક સંવાદદાતાઓ સાથે પાકિસ્તાની વિદેશમંત્રાલયના પ્રવક્તા ઝાહિદ ચૌધરીએ જણાવ્યું,"18 ઑગસ્ટ 2020એ પાકિસ્તાને જે એસ.આર.ઓ (કાયદેસર અધિસૂચના) જાહેર કરી હતી, તે ઠોસ છે અને જે પહેલાં એસ.આર.ઓ જાહેર કરાઈ હતી તે પણ એક પ્રક્રિયા હતી."

"એટલે પ્રતિબંધિત યાદી કે પ્રતિબંધના ઉપાયોમાં કોઈ ફેરબદલ નહીં જોવા મળે."

પાકિસ્તાની વિદેશમંત્રાલયની અધિસૂચનામાં જણાવાયું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદે જે લોકો અને સંગઠનો પર આર્થિક, પ્રવાસનસંબંધિત વગેરે પ્રતિબંધ લગાવ્યા છે, પાકિસ્તાન એ લોકો અને સંગઠનોની સંપત્તિઓ અને બૅન્ક ખાતાં વગર કોઈ નૉટિસે જપ્ત કરી રહ્યું છે.

પેરિસસ્થિત ફાઇનાન્શિય ઍક્શન ટાસ્ક ફૉર્સ(એફએટીએફ) દ્વારા પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં મૂકી દેવાતા જણાવાયું હતું કે પાકિસ્તાન 2019 સુધી આ સંગઠનો અને લોકો પર કાર્યવાહી કરે.

દાઉદનાં કેટલાં સરનામાં?

પાકિસ્તાની વિદેશમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 1993માં મુંબઈમાં થયેલા બૉમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહીમનું ક્લિફ્ટનનું ઘર વ્હાઇટ હાઉસના રૂપે નોંધાયેલું છે. આ ઉપરાંત દાઉદનાં કરાચી ખાતે બે અન્ય સરનામાંનો પણ આમાં ઉલ્લેખ છે.

આમાં દાઉદના કેટલાંય નામો પણ નોંધવામાં આવ્યાં છે. તેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો હતો અને તેનો ભારતીય પાસપોર્ટ રદ કરી દેવાયો, તેનો પણ ઉલ્લેખ છે.

પાકિસ્તાન સરકારે 18 ઑગસ્ટે આ અધિસૂચન જાહેર કરીને 88 ઉગ્રવાદી સંગઠનો પર આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે.

જેમાં જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ, જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરનું નામ પણ સામેલ છે.

દાઉદ ઇબ્રાહીમ પર 1993માં મુંબઈમાં થયેલા બૉમ્બવિસ્ફોટોનો આરોપ છે.

આવું પ્રથમ વખત થયું છે કે દાઉદ ઇબ્રાહીમનું નામ પાકિસ્તાને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યું છે. અલબત્ત, સયુંક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદ દ્વારા દાઉદને પહેલાંથી જ આતંકવાદી જાહેર કરાયો છે.

પાકિસ્તાને આકરા આર્થિક પ્રતિબંધોથી બચવા માટે આવું કર્યું હોવાનું મનાય છે.

પાકિસ્તાની અખબાર 'ધ ન્યૂઝ'ના જણાવ્યા અનુસાર ઈમરાન ખાનની સરકારે 18 ઑગસ્ટે બે નૉટિફિકેશન બહાર પાડ્યા છે.

જે અંતર્ગત જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મહંમદ, તાલિબાન, આઈએસઆઈએસ, હક્કાની ગ્રૂપ, અલ-કાયદા અને અન્ય સંગઠનો તેમજ વ્યક્તિઓને આ યાદીમાં મૂકાઈ છે.

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમ ભારતમાં સૌથી વાંછિત અપરાધી છે. ભારતીય સુપ્રીમ કોર્ટે દાઉદ ઇબ્રાહીમ અને તેમના ભાઈ અનીસ ઇબ્રાહીમને 1993માં મુંબઈમાં થયેલા બૉમ્બવિસ્ફોટના ષડ્યંત્રકારી ઠેરવ્યા છે.

ભારતના આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં 1993માં એક બાદ એક થયેલા બૉમ્બવિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 700થી વધુને ઈજા પહોંચી હતી.

1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ મુંબઈમાં હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોનાં મૃત્યુ થયાં હતાં. આ હુલ્લડ પાછળ શિવસેનાનું નામ પણ લેવાતું રહ્યું છે.

વિસ્ફોટ પહેલાં જ દાઉદ ઇબ્રાહીમે ભારત છોડી દીધું હતું. ભારત સરકાર વારંવાર આરોપ લગાવતી રહી છે કે તેમણે પાકિસ્તાનમાં આશરો લીધો છે. જોકે, પાકિસ્તાને અત્યાર સુધી આનો ઇન્કાર કર્યો હતો.

અમેરિકન સરકારે દાઉદ ઇબ્રાહીમનું નામ વિશ્વસ્તરીય આતંકવાદીઓના સમર્થકોની યાદીમાં મૂક્યું છે. વર્ષ 2003માં તૈયાર કરાયેલી યાદી અનુસાર 'એક પોલીસ કૉન્સ્ટેબલના પુત્ર, દાઉદ ઇબ્રાહીમ ગત બે દાયકામાં ભારતીય અંડરવર્લ્ડના સૌથી મોટા ગુનેગારોમાંથી એક છે.'

આ સૂચનામાં જણાવાયું છે કે નશીલી દવાઓની દાણચારીમાં દાઉદ સામેલ છે. તેમણે 'ભારતવિરોધી ઇસ્લામી ઉગ્રપંથી સંગઠન લશ્કરે તૈયબાને પણ આર્થિક મદદ પૂરી પાડી છે.'

અમેરિકાના નાણામંત્રાલય અનુસાર દાઉદ ઇબ્રાહીમ અને અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેન વચ્ચે પણ લેણદેણ થઈ હતી અને મુંબઈના અપરાધના વડાએ 1990ના દાયકામાં તાલિબાનની દેખરેખ હેઠળ અફઘાનિસ્તાનની મુલાકાત પણ લીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો