બાઇડનને લઈને ટ્રમ્પ અને ઓબામા વચ્ચે વાકયુદ્ધ

અમેરિકામાં બુધવારની રાત આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહત્ત્વનો મુકામ સાબિત થવા જઈ રહી છે.

ડેમૉક્રેટિક કન્વેશન 2020ના ત્રીજા દિવસે કમલા હૅરિસ અધિકૃત રીતે જૉ બાઇડનનાં ડેપ્યુટી તરીકે ઉપરાષ્ટ્રપતિપદની ઉમેદવારી સ્વીકારવાનાં છે.

કમલા પ્રથમ કાળાં અને એશિયન મૂળનાં મહિલા છે, જેઓ આ પદ માટે દાવેદારી કરી રહ્યાં છે.

બુધવારે થઈ રહેલા વર્ચ્યુઅલ આયોજનમાં કમલા હૅરિસના સમર્થનમાં અમેરિકના પૂર્વ રાષ્ટ્રપિત બરાક ઓબામા અને 2016માં ડોનાલ્ડ ટ્રમ્પના હાથે પરાજયનો કરનારાં હિલેરી ક્લિન્ટન સમર્થનની અપીલ કરવાનાં છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જૉ બાઇડન અને કમલા હૅરિસના સમર્થનમાં બોલવાના છે. તેમાં તેઓ બાઇડન સાથે કરેલાં કાર્યોનો અનુભવ વાગોળશે.

ઓબામાના ટ્રમ્પ પર પ્રહાર

તેમના લેખિત ભાષણના અંશ અનુસાર બરાક ઓબામા આ સંબોધનમાં બોલશે, "આઠ વર્ષ સુધી રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન તમામ મોટા નિર્ણયમાં જૉ બાઇડન મારી પાછળ ઊભા હતા. તેમણે મને સારા રાષ્ટ્રપતિ બનાવ્યા. તેમની પાસે અનુભવ છે. ચરિત્ર છે કે તેઓ દેશને બહેતર બનાવી શકે."

અમેરિકામાં 44મા રાષ્ટ્રપતિ ઓબામાએ પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ પ્રહાર કર્યા છે.

તેમના ભાષણના અંશ અનુસાર, "મેં આશા રાખી હતી કે દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જવાબદારી ગંભીરતાથી લેશે પણ તેમણે ક્યારેય આવું કર્યું નહીં."

ઓબામાના ભાષણમાં એ ભાગ પણ છે, જ્યાં તેઓ કહે છે કે અમેરિકામાં લોકશાહી જોખમમાં છે.

ટ્રમ્પની પ્રતિક્રિયા

ઓબામાના ભાષના ભાગો જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે કહ્યું, "રાષ્ટ્રપતિ તરીકે ઓબામાએ સારું કામ નથી કર્યું. હું ઓબામા અને બાઇડનને લીધે અહીં છું. કારણ કે તેમણે સારું કામ કર્યું હોત તો હું અહીં ન હોત."

ટ્રમ્પે એ પણ કહ્યું કે જો ઓબામાએ પોતાનું કામ સારી રીતે કર્યું હોત તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણની દોડમાં સામેલ ન થાત.

ટ્રમ્પે ઉમેર્યું,"હું મારું પૂર્વ જીવન માણી રહ્યો હતો. પણ એ લોકોએ એટલું ખરાબ કામ કર્યું કે હું અહીં રાષ્ટ્રપતિ તરીકે ઊભો છું."

ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામાને નિષ્પ્રભાવી અને ખરાબ રાષ્ટ્રપતિ પણ ગણાવ્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો