મિસાઇલ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ઈરાન ઠંડું પડી ગયું છે'

ઇમેજ સ્રોત, Getty Images
ઇરાકમાં અમેરિકી ઍરબેઝ પર ઈરાનના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
દસ કરતાં પણ ઓછી મિનિટમાં ટ્રમ્પે ઈરાન, જનરલ સુલેમાની, પરમાણુ કરાર વગેરેનો ઉલ્લેખ કર્યો.
ઈરાનના મિસાઇલ હુમલા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમારા સૈનિક સુરક્ષિત છે અને કોઈ પણ અમેરિકી નાગરિકને નુકસાન પહોંચ્યું નથી.
ટ્રમ્પે ઉમેર્યું કે, "ઈરાન હિંસાનું સમર્થન કરે છે અને તેણે અન્ય દેશોને ધમકાવ્યા છે."
"મને એ જણાવતા ખુશી થાય છે કે કોઈ અમેરિકીનું મૃત્યુ થયું નથી. માત્ર ઍરબેઝને સામાન્ય નુકસાન પહોંચ્યું છે."
તેમણે કહ્યું હતું કે 'ઈરાન ઠંડું પડી ગયું હોય તેમ જણાય છે.'

'સુલેમાનીને પહેલાં જ મારી નાખવાની જરૂર હતી'

ઇમેજ સ્રોત, Getty Images
આ તરફ અમેરિકાના હવાઈ હુમલામાં મૃત્યુ પામેલા ઈરાની સૈન્ય કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની વિશે ટ્રમ્પે કહ્યું: "સુલેમાનીએ હિઝબુલ્લાહ સહિતના ઉગ્રવાદી સંગઠનોને તાલીમ આપી હતી.""ક્ષેત્રમાં ગૃહયુદ્ધ કરાવ્યું, અમેરિકી દુતાવાસ પર હુમલા કરાવ્યા. તેઓ અમેરિકા વિરુદ્ધ નવા હુમલાની તૈયારી કરી રહ્યા હતા.""અમે તેમને રોકી દીધા. તેને પહેલા જ મારી નાખવાની જરૂર હતી."
ટ્રમ્પે ઈરાનને સંબોધન કરતા કહ્યું, "ઈરાન પોતાની પરમાણુ મહત્ત્વકાંક્ષાઓને ત્યજે અને આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પે રશિયા, ચીન, ફ્રાન્સ અને જર્મનીને આગ્રહ કર્યો છે કે તેઓ ઈરાન સાથે પરમાણુ સમજૂતી રદ કરી દે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું છે કે અમેરિકાને મધ્યપૂર્વના ક્રૂડઑઈલમાં રસ નથી.
ટ્રમ્પનું કહેવું હતું, "અમેરિકા પોતે દુનિયામાં સૌથી વધારે ક્રૂડઑઈલનું ઉત્પાદન કરતો દેશ છે. અમેરિકા આર્થિક અને સૈન્યની દૃષ્ટિએ સ્થિર છે."
શક્તિપ્રદર્શન મામલે ટ્રમ્પે કહ્યું, "અમેરિકા દુનિયામાં સૌથી મોટી સૈન્યશક્તિ છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે અમે તેનો ઉપયોગ કરીએ. અમે તેનો ઉપયોગ કરવા માગતા નથી."
બગદાદમાં રૉકેટ હુમલો
ઇરાકમાં અમેરિકાના બે ઍરબેઝ ઉપર મિસાઇલ હુમલા બાદ બુધવારે સાંજે બગદાદના ગ્રીન ઝોન ઉપર બે રૉકેટ ત્રાટક્યા હતા, જોકે તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.
ગ્રીન ઝોનએ બગદાદનો અત્યંત સલામત વિસ્તાર ગણાય છે. જ્યાં અમેરિકા સહિત અનેક દેશોના રાજદૂતાલય આવેલાં છે.
રૉકેટ હુમલાને પગલે સુરક્ષાબળ સક્રિય થઈ ગયા હતા અને સિક્યૉરિટી પ્રૉટોકોલ લાગુ કરી દેવાયો હતો.
જોકે, હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો અને ક્યાંથી કરવામાં આવ્યો હતો, તે હજુ સ્પષ્ટ નથી થયું.

ટ્રમ્પ અને બોરિસ જૉન્સન વચ્ચે વાતચીત

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે.
વ્હાઈટ હાઉસે તેની પુષ્ટિ કરી છે.
વ્હાઈટ હાઉસ પ્રમાણે બન્ને નેતાઓએ મધ્ય-પૂર્વમાં પ્રવર્તેલી સ્થિતિ પર વાતચીત કરી અને બન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખતા સાથે મળીને કામ કરવા પર સહમતી વ્યક્ત કરી છે.

અમેરિકીઓના ગાલ પર થપ્પડ : ખમેનેઈ

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ ખમેનેઈએ અમેરિકી ઍરબેઝ પર ઈરાનના હુમલાને અમેરિકીઓના ગાલ પર થપ્પડ સમાન ગણાવ્યો છે.
ખમેનેઈએ કહ્યું છે કે મધ્ય-પૂર્વમાંથી અમેરિકી સૈનિકોને સમાપ્ત કરવા ખૂબ જરૂરી છે.

શું ઈરાન ઇચ્છતું ન હતું કે કોઈ અમેરિકી સૈનિકને નુકસાન થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના સૈન્ય કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવા ઈરાને અમેરિકી ઍરબેઝ પર મિસાઇલો છોડી જેમાં કોઈ અમેરિકી કે ઇરાકી સૈનિકનું મૃત્યુ થયું નથી.
હવે એ વિશે ચર્ચા થઈ રહી છે કે શું ઈરાન ઇચ્છતું ન હતું કે કોઈ અમેરિકી સૈનિક મૃત્યુ પામે?
અમેરિકા અને યૂરોપના સરકારી સૂત્રોએ રૉયટર્સ સમાચાર એજન્સીને જણાવ્યું છે કે તેમને વિશ્વાસ છે કે ઈરાને ઇરાદાપૂર્વક એ રીતે હુમલો કર્યો છે કે જેમાં કોઈ અમેરિકી સૈનિકનું મૃત્યુ ન થાય.
તેમના પ્રમાણે ઈરાન ઇચ્છતું ન હતું કે વર્તમાન પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહે અને તેમનો ઇરાદો પણ સ્પષ્ટ થઈ જાય.
CNNના પત્રકાર જેક ટેપરે પેન્ટાગનના એક સૂત્રના હવાલાથી કહ્યું છે કે ઈરાને ઇરાદાપૂર્વક એવા ટાર્ગેટની પસંદગી કરી કે જેનાથી કોઈ જાનહાનિ ન થાય.
પરંતુ બીબીસી સંવાદદાતા જોનાથન માર્કસના જણાવ્યા પ્રમાણે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ઈરાને આવું ઇરાદાપૂર્વક કર્યું છે કે પછી તેમની મિસાઇલ્સમાં કોઈ ખામી હતી.
માર્કસના જણાવ્યા પ્રમાણે સેટેલાઇટ તસવીરોથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમેરિકી ઍરબેઝમાં ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. એટલે જો કોઈ જાનહાનિ થઈ નથી તો તે કોઈ રણનીતિનો ભાગ નહીં, પરંતુ માત્ર સંયોગ હોઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












