કાશ્મીર : નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત પર પાકિસ્તાનનો પડછાયો રહેશે?

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ચીનનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને ઇસ્લામાબાદ પરત ફર્યા છે અને આવતીકાલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત આવી રહ્યા છે.

આ દરમિયાન કાશ્મીર અંગે બંને દેશોના જે નિવેદનો આવ્યા તે મોદી-જિનપિંગની મુલાકાતના માહોલથી અલગ હતા.

ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા પછી ત્રણ વખત ચીન જઈ ચૂક્યા છે. આ સમયમાં તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન લી કેચિયાંગ સાથે થઈ.

આ સિવાય તેમણે સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ અને ચીનના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી.

આ પ્રવાસ પછી બંને દેશો તરફથી જાહેર કરવામાં આવેલાં સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન ખાન અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે દ્વિપક્ષીય હિતોની સાથે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત થઈ.

ચીને રણનીતિમાં પાકિસ્તાનને મહત્ત્વનું ભાગીદાર કહ્યું તો પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે તેઓ પાકિસ્તાનને ચીનને રસ્તે લઈ જવા માંગે છે.

આ સમયમાં ઇમરાન ખાનને બીજિંગમાં યોજાયેલાં હૉર્ટિકલ્ચર એક્સ્પો 2019ના મુખ્ય અતિથિ પણ બનાવવામાં આવ્યા હતા.

ચીન પાકિસ્તાનની સાથે

ચીને કહ્યું છે કે તે સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને સુરક્ષામાં પાકિસ્તાનની સાથે ઊભું છે. બીજી તરફ પાકિસ્તાને વન ચીનની નીતિને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

પાકિસ્તાને કહ્યુ કે તે હૉંગકૉંગને 'એક ચીન બે સિસ્ટમ' હેઠળ ચીનનો આંતરિક મુદ્દો માને છે અને દુનિયાના તમામ દેશોએ બીજા દેશોની આંતરિક બાબતોમાં દખલ ન કરવાના આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જોઈએ.

પાકિસ્તાને ચીન આગળ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો. ચીને કહ્યું કે જમ્મુ-કાશ્મીર પર તેમની નજર છે.

ચીને કહ્યું કે કાશ્મીર એક વિવાદિત મુદ્દો છે અને તેનું સમાધાન શાંતિપૂર્ણ રીતે યૂએન ચાર્ટર અને સુંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય કરારને આધારે થવું જોઈએ.

ચીને કાશ્મીરની બાબતમાં કોઈ પણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો વિરોધ કર્યો અને કહ્યું કે તેનાથી હાલત વધારે ખરાબ થશે.

'ચીને કરી નિઃસ્વાર્થ મદદ'

પાકિસ્તાને કહ્યું કે ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર એમના માટે ક્રાંતિકારી પરિયોજના છે. ઇમરાન ખાને કહ્યું કે સીપીઈસીના બીજા ચરણથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ગતિ મળશે.

ઇમરાન ખાને પાકિસ્તાનને ચીનથી મળી રહેલા 'મજબૂત સમર્થન અને નિઃસ્વાર્થ મદદ' માટે આભાર વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું, "ચીને અમારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષાનું હંમેશા સમર્થન કર્યું છે અને તેના બદલામાં કંઈ માગ્યુ નથી. ચીને કાયમ અમારી બિનશરતી મદદ કરી છે."

ઇમરાન ખાને એમ પણ કહ્યું કે ચીને દરેક મુશ્કેલ સ્થિતિમાં પાકિસ્તાનને સાથ આપ્યો છે.

ઇમરાન ખાને શી જિનપિંગને કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા અને કહ્યું કે પાકિસ્તાન કપરી આર્થિક સ્થિતિમાંથી બહાર આવી ગયું છે.

ઇમરાન ખાનની સાથે કોણ હતું?

ઇમરાન ખાને એમ પણ કહ્યું કે ચીન તરફથી મળી રહેલા આર્થિક સહયોગને તેઓ કદી ભૂલાવી નહીં શકે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સામાજિક-આર્થિક વિકાસ અને લોકતરફી નીતિ માટે ઇમરાન ખાનના વખાણ કર્યાં.

ચીનના આ પ્રવાસમાં ઇમરાન ખાન સાથે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, યોજના મંત્રી ખુસરો બખ્તિયાર, રેલ મંત્રી શેખ રશીદ, વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદ, ખાસ સહાયક નદીમ બાબર, બોર્ડ ઑફ ઇનવેસ્ટમૅન્ટના અધ્યક્ષ ઝુબેર ગિલાની, સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને આઈએસઆઈ પ્રમુખ જનરલ લૅફ્ટન્ટ ફૈઝ હમીદ પણ હતા.

ચીનને રસ્તે જવા માગે છે પાકિસ્તાન

ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન ગરીબી ખતમ કરવા માટે ચીનના અનુભવમાંથી શીખવા માગે છે અને ગરીબી હઠાવવા માટે ચીનનું મૉડલ અપનાવવા માગે છે.

એમણે પાકિસ્તાનની કૃષિ વ્યવસ્થા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સુધારણા માટે ચીનની મદદ માગી અને ચીની કંપનીઓને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ પણ આપ્યું.

ઇમરાન ખાને આ પ્રવાસમાં અનુચ્છેદ 370નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતે 5 ઑગસ્ટથી કાશ્મીરમાં ગંભીર માનવીય સંક્ટ ઊભું કર્યું છે.

એમણે ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી પ્રતિબંધો હઠાવી લેવાની તરફેણ કરી.

ચીનના વડા પ્રધાન લી કેચિયાંગે ઇમરાન ખાનને વિશ્વાસ અપાવ્યો કે ચીન પાકિસ્તાનના હિતોની રક્ષા બાબતે પ્રતિબદ્ધ છે અને તેનું સમર્થન કરે છે.

લી કેચિયાંગે કહ્યું કે ચીન અને પાકિસ્તાન સાથે મળીને સીપીઈસીમાં સામેલ કરી શકાય એવી પરિયોજનાઓ વિકસાવી શકે છે.

ઇમરાન ખાન લી કેચિયાંગને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું જેનો તેમણે સ્વીકાર કર્યો.

બેઉ દેશોના નેતાઓએ દ્વિપક્ષીય વાતચીત આગળ વધારવા પર સહમતી દર્શાવી.

ચીનના સરકારી પ્રસારણ માધ્યમ સીસીટીવી મુજબ શી જિનપિંગ ઇમરાન ખાનની મુલાકાત પર કહ્યું કે ચીન અને પાકિસ્તાનની દોસ્તી સદાબહાર છે. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે એનાથી કોઈ ફરક નથી પડતો. ચીન અને પાકિસ્તાનની દોસ્તી એક મજબૂત પહાડની જેમ છે જેને તોડી નહીં શકાય.

આ દરમિયાન ચીનના વિદેશ મંત્રીએ બુધવારે ઘોષણા કરી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસીય ભારતયાત્રા પર રવાના થશે.

કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના સમયમાં શી જિનપિંગ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. પાકિસ્તાન આશા રાખે છે કે કાશ્મીર મામલે ચીન એની પડખે ઊભું રહે.

ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરતા પાકિસ્તાન ચીનની મદદથી સંયુક્ત રાષ્ટ્રમાં ગયું હતું.

પાકિસ્તાનનું ભરપૂર સમર્થન કર્યા પછી શી જિનપિંગ 11 અને 12 ઑક્ટોબરે ભારતના પ્રવાસે છે.

ચીનના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નઈ પાસે મામલમપૂરમ (મહાબલિપૂરમ)માં મળશે.

આ મુલાકાત પછી શી જિનપિંગ નેપાળ જશે. નેપાળમાં ચીનના કોઈપણ રાષ્ટ્રપતિનો આ પ્રવાસ 26 વર્ષ પછી પહેલીવાર છે.

શી જિનપિંગનો નેપાળ પ્રવાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારત અને ચીનના સંબંધોમાં તાજેતરના દિવસોમાં તણાવ ઉભો થઈ રહ્યો છે. ભારત અરુણાચલ પ્રદેશમાં પહાડો પર યુદ્ધ અભ્યાસની તૈયારીમાં છે અને ચીન હજી પણ અરુણાચલ પ્રદેશ પર દાવો કરે છે.

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ પણ કહે છે. ભારતીય વાયુસેનાએ એક રણનીતિ તરીકે એક હવાઇપટ્ટી પણ ઊભી કરી છે જેનો ઉપયોગ સૈન્ય જરૂરિયાતો માટે કરાશે એમ કહેવામાં આવે છે.

આને લઈને પણ ચીને વિરોધ કર્યો છે. આ મુદ્દે ગત સપ્તાહોમાં ભારત અને ચીનના સંબંધમાં વિવાદ રહ્યો છે.

એક અહેવાલ મુજબ ચીનમાં ભારતીય દૂતાવાસને બિજિંગના એક પબ્લિક પાર્કમાં 2 ઑક્ટોબરે ગાંધીજયંતી સાથે સંકળાયેલા એક કાર્યક્રમને યોજવાની પરવાનગી આપવામાં નહોતી આવી.

આને લઈને ભારતમાં ચીનના રાજદૂતે અધિકૃત નિવેદન આપતા કહ્યું હતું કે આ પરવાનગી નહીં આપવાનું કારણ તકનિકી હતું કેમ કે ચીન પીપલ્સ રિપલ્બિકની 70મી વર્ષગાંઠ મનાવાઈ રહી હતી.

ભારત-ચીનના સંબંધો અને પાકિસ્તાનનો પડછાયો

પાકિસ્તાનમં ચીનના રાજદૂતે ગત અઠવાડિયે નિવેદન આપ્યું હતું કે ચીન કાશ્મીરને મુદ્દે પાકિસ્તાનની સાથે છે.

કહેવામાં આવે છે કે ભારતે આ મામલે ચીન પાસે ખુલાસો માગ્યો હતો અને આ નિવેદન પર વિરોધ નોંધાવ્યો હતો.

ભારતે કહ્યું હતું કે ચીનનું વલણ છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્રિપક્ષીય મુદ્દો છે પરંતુ ચીનના પાકિસ્તાન સ્થિત રાજદૂતનું નિવેદન વિપરીત હતું.

ભારતીય નીતિ નિર્માતાઓમાં ઇમરાન ખાનની ચીન મુલાકાતને લઈને ઘણી હલચલ છે. ઇમરાન ખાન કાશ્મીર મામલે દુનિયાભરમાંથી સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં ચીની વિભાગમાં આસિટન્ટ પ્રોફેસર ગીતા કોચરે ઇમરાન ખાનની પાકિસ્તાન મુલાકાત અંગે કહ્યું કે ઇમરાન ખાનની ચીન મુલાકાતથી શી જિનપિંગ અને મોદીની મુલાકાત પર અસર નહીં પડે પરંતુ તેના પરિણામો પર ચોક્કસ અસર પડી શકે છે.

ગીતાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન સંબંધોમાં પાકિસ્તાન કાયમ એક મુદ્દો રહ્યું છે અને શી જિનપિંગ અને મોદી વચ્ચેની આ મુલાકાતમાં કેટલીક બાબતોમાં નિર્ણય લેવાઈ શકે છે. કંઈક નીપજશે એવી સંભાવના તો છે પરંતુ ઇમરાનની મુલાકાતથી થોડે અંશે અસહજ સ્થિતિ પણ ઊભી થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો