ઇરાકમાં વિરોધ પ્રદર્શન : શા માટે લોકો સરકારનો જ વિરોધ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, રેનાદ મનસૌર
- પદ, રિસર્ચ ફેલૉ, ચાથમ હાઉસ
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇરાકમાં જનતા દ્વારા કરાતાં વિરોધ પ્રદર્શનો એક સામાન્ય ઘટના બની ગયાં છે, પરંતુ હાલ ચાલી રહેલાં સરકારવિરોધી પ્રદર્શનો એક ખતરનાક ફેરફાર માટેનું નિમિત્ત બની શકે છે.
નોંધનીય છે કે ઇરાકના આ વિદ્રોહમાં અત્યાર સુધી 100 લોકોનાં મોત થયાં છે તેમજ 1,000 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સરકારવિરોધી આ પ્રદર્શનોમાં લોકો દ્વારા માત્ર નેતા કે પક્ષને હઠાવવાની માગ નથી કરાઈ રહી, પરંતુ આ વખત તો પ્રદર્શનકારીઓ 2003માં સદ્દામ હુસૈનની સરકારનો અંત આણીને અમેરિકાએ શરૂ કરાવેલા રાજકીયતંત્રને દૂર કરવાની માગ કરી રહ્યા છે.
આ પ્રદર્શનો માટે સરકારી પદો પર સાંપ્રદાયિક આધાર પર કરાઈ રહેલી ભરતીઓ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

સરકારે વાયદા પૂરા ન કર્યા હોવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે ઇરાકમાં સરકારી નોકરીઓ માટેની ભરતી લાયકાતના ધોરણે નહીં પણ સાંપ્રદાયિક અનામત પર આધારિત 'મુહસ્સા' નામક સિસ્ટમ અંતર્ગત થાય છે.
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ સિસ્ટમના કારણે શીયા, કુર્દીશ, સુન્ની અને અન્ય નેતાઓને જાહેર નાણાંનો દુર્વ્યય કરવાની તક મળી જાય છે.
આ નેતાઓ દેશની સંપત્તિ વડે પોતાના સંબંધીઓ અને અનુયાયીઓને ધનિક બનાવી રહ્યા હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
એક વર્ષ પહેલાં જ્યારે ઇરાકના વડા પ્રધાન આદેલ અબ્દેલ માહ્દીની સરકાર રચાઈ ત્યારે તેમણે દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને રોકવાનો અને ધનવાન અને ગરીબ વચ્ચે સંપત્તિની અસમાનતા ઘટાડવાનો વાયદો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તેમની સરકાર બન્યાને એક વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તેઓ પોતાનો આ વાયદો પૂર્ણ કરી શક્યા નથી.
તેમજ પોતાના પદનો ગેરવાજબી લાભ ઉઠાવી રહેલા નેતાઓને પણ નિયંત્રણમાં લાવી શક્યા નથી.
ભ્રષ્ટાચારી લોકોનો વહીવટમાં હસ્તક્ષેપ ઘટાડવાના સ્થાને વડા પ્રધાન માહ્દીની સરકાર પણ તેમને જ લાભ કરાવવા લાગી.
તેમજ કોઈ પણ રાજકીય પક્ષ વગરના ઇરાકી વડા પ્રધાન માહ્દી પોતાની સરકાર ટકાવી રાખવા માટે આવા ભ્રષ્ટાચારી નેતાઓના પૉલિટિકલ ક્લાસ પર જ સંપૂર્ણપણે નિર્ભર છે.

પરિવર્તનની ક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
જે નેતાઓ પોતાને ઇરાકમાં અમેરિકાની મદદથી સ્થપાયેલા રાજકીયતંત્રના જમાદાર ગણાવે છે, તેઓ આ પ્રદર્શનોને આ તંત્ર માટે ખતરારૂપ માની રહ્યા છે.
આ તંત્રને બચાવવા માટે આ નેતાઓ પ્રદર્શનકારીઓ પર દમન ગુજારતા પણ નથી ખચકાઈ રહ્યા. પ્રદર્શનકારીઓ વિરુદ્ધ સ્નાઇપર અને હત્યારાઓને પણ મેદાનમાં ઉતારી દેવાયા છે.
ગયા વર્ષે બરસામાં ફાટી નીકળેલા જનવિદ્રોહને દબાવવા માટે સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બંદૂકો ઉગામવામાં આવી હતી. જે કારણે પ્રદર્શનકારીઓએ તાત્કાલિક પીછેહઠ કરવી પડી હતી.
તેથી આ વર્ષે પણ બગદાદ અને જે-જે સ્થળોએ પ્રદર્શનો થઈ રહ્યાં છે, ત્યાં પણ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આવી જ રણનીતિ અપનાવાય તેવી સંભાવના છે.
ભૂતકાળમાં ઉનાળામાં પ્રદર્શનો ફાટી નીકળતાં, કારણ કે ઉનાળામાં પડતી ભયંકર ગરમી અને પાણીની તંગીથી પરેશાન થઈ લોકો સરકાર પાસેથી મૂળભૂત સુવિધાઓની જેમ કે, પાણી અને વીજળીની માગણી કરવા માટે રસ્તા પર ઊતરી જતા.
જોકે, આ વર્ષે ઉનાળામાં પરિસ્થિતિ એટલી ગંભીર નહોતી, કારણ કે આ વખત ચોમાસા દરમિયાન દેશમાં ભરપૂર વરસાદ પડ્યો હતો. તેમજ ઉનાળામાં ગરમી પણ ઓછી અનુભવાઈ હતી.
તેમ છતાં આ વર્ષે સરકારની મૂળભૂત સુવિધાઓને લઈને સરકારની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

વહીવટી તંત્ર સામે લોકોમાં રોષ

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય ગયા અઠવાડિયે ઇરાકના વૉરહીરો લે. જનરલ અબ્દુલ વહાબ અલ સાદીના ડીમોશનના કારણે પણ ઇરાકની જનતામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે તેમણે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધના અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ઇરાકીઓ માને છે કે તેમના નેશનલ હીરોને પોતાની નોકરી સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ રાજકીય વર્ગના કારણે જ ગુમાવવી પડી છે.
ઇરાકના લોકોને લાગે છે કે જે વ્યક્તિએ ઇસ્લામિક સ્ટેટને પરાજય આપ્યો જો તે ભ્રષ્ટાચારીઓ સામે ન લડી શકી તો બીજું કોણ આ કામ કરી શકશે?
સત્તા પરિવર્તનને 16 વર્ષ થઈ ગયાં બાદ ઇરાકના લોકો અને ખાસ કરીને યુવાનો નેતાઓના વહીવટી તંત્રને સુધારવાના વાયદા સાંભળી કંટાળી ચૂક્યા છે.
તેઓ જાણી ગયા છે કે નેતાઓ પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય એવું નથી ઇચ્છતા અથવા તો તેઓ વર્તમાન તંત્રમાં કોઈ પણ હકારાત્મક ફેરફાર લાવવા નથી માગતા.
જોકે, આ પ્રદર્શનોમાં નેતાગીરી અને વ્યવસ્થાતંત્રનો અભાવ જોવા મળી રહ્યો છે. જે કારણે આ પ્રદર્શનોના પગલે કોઈ નક્કર ફેરફાર થાય એવી સંભાવના નહિવત્ છે.
આ વિરોધ વહીવટી તંત્રના હિતેચ્છુઓ દ્વારા હિંસા મારફતે તેમજ વાણી અને અન્ય સ્વતંત્રતાના અધિકારો મર્યાદિત બનાવીને દબાવી દેવાય તેવી શક્યતા વધુ છે.
સરકારવિરોધી પ્રદર્શનો અને તેને હિંસાથી દબાવવાના આ પ્રયત્નો પરિવર્તનની ક્ષણ નજીક હોવાનો સંકેત આપે છે. કદાચ આ પરિવર્તનને કારણે ઇરાકની સરકાર વધુ આપખુદ બની જશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













