Howdy Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું વિશ્લેષણ

નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુરેન્દ્ર કુમાર
    • પદ, પૂર્વ ભારતીય રાજદૂત

અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 22 સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમમાં 50,000થી વધુ ઉત્સાહી અને જોશભર્યા ઇન્ડિયન અમેરિકન્સ તથા અમેરિકાના ઘણા સાંસદ, સેનેટર, ગર્વનર, મેયર અને બિઝનેસ ટાયકુન ઊમટી પડ્યા તે કાર્યક્રમ કોઈ હાર્ડરોક કૉન્સર્ટ જેવો લાગતો હતો.

શૅર્ડ ડ્રીમ્સ, બ્રાઇટ ફ્યૂચર્સ એવી કૅચી ટેગલાઇન સાથેના લોકપ્રિય ગીતસંગીતના કાર્યક્રમમાં થાય તે રીતે ભારે ભીડ, સૂત્રોચ્ચાર સાથેનો થનગનતો માહોલ, કાન ફાડી નાખતો ધ્વનિ, ભડકદાર રંગો અને સોન્ગ અને ડાન્સ બધું જ ભરપૂર માત્રામાં હતું.

વિદેશમાં વસેલા પોતાના વતનના લોકો વચ્ચે ભાગ્યે જ કોઈ નેતાનો આવો કાર્યક્રમ થયો હશે અને ચાહકોના મોદી... મોદી...ના સતત નારા જોઈને સુપરસ્ટારને પણ ઈર્ષા થવા લાગી હશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શૉમેન કે પછી અમિતાભ, શાહરુખ કે સલમાન જેવા સુપરસ્ટારને પણ શરમાવે એવી રીતે ભીડને મોદી આકર્ષી શક્યા હતા.

વિદેશમાં વસેલા ભારતીયો અને ખાસ કરીને ઇન્ડિયન અમેરિકન્સ પર નરેન્દ્ર મોદીએ કેવો જાદુ પાથરેલો છે તેનો પણ આ નમૂનો હતો.

સાથે જ ઇન્ડિયન અમેરિકન્સનું આર્થિક અને રાજકીય વજન, ભવ્ય આયોજન માટેની સજ્જતા, ભારત સાથે હજી પણ જોડાયેલી રહેલી સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાવનાત્મક કડી અને ભારતીયપણાના વારસાનું ગૌરવ પણ દેખાઈ આવ્યું હતું.

આજે પણ ભારતીયો યોગથી માંડીને ભારતીય ફિલ્મો, ગીત, સંગીત, નૃત્ય, નાટ્યકલા સહિતના વારસાને ભૂલ્યા નથી અને માણતા રહે છે. નરેન્દ્ર મોદી માટે વ્યક્ત થઈ રહેલો અહોભાવ અકલ્પનિય હતો!

પરંતુ કાર્યક્રમનો ધમધમાટ શમી ગયો, ચળકતી લાઇટો બંધ થઈ ગઈ તે પછી સવાલ એ છે કે હાઉડી મોદી કાર્યક્રમમાં કોણ ફાવ્યું? અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ કે ભારતના વડા પ્રધાન મોદી?

આમ અલગ, પણ ઘણી રીતે સમાન એવા બંને નેતાઓ એક સાથે મંચ પરથી ઘણા ઉદ્દેશ્યો સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ઐતિહાસિક અને અભૂતપૂર્વ એવા હ્યુસ્ટન સ્ટેડિયમના કાર્યક્રમમાં હાજરી આપવા પાછળના હેતુઓની યાદી લાંબી છે : પોતપોતાની વૈશ્વિક છબી મજબૂત કરવી; પોતાના ચુસ્ત અનુયાયીઓ વચ્ચે પોતાની મહાનતાને વધુ પ્રબળપણે વ્યક્ત કરવી; દુશ્મન દેશોને વ્યૂહાત્મક રીતે સંકેતો પાઠવી દેવા; ચૂંટણીમાં ફાયદો થાય તે રીતે રાજકીય લાભ લેવો; દ્વિપક્ષી વેપાર તથા સંરક્ષણ અને વ્યૂહાત્મક મૂડીરોકાણની બાબતમાં રહેલા અવરોધો દૂર કરવા; પરસ્પરને સાનુકૂળ એવા કરારો માટે બાર્ગેનિંગ કરતા પહેલાં હકારાત્મક અને મૈત્રીપૂર્ણ માહોલ પેદા કરવો તથા ચીન, રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાન અને ત્રાસવાદના સામના માટે એકસમાન નીતિ તરફ આગળ વધવું વગેરે.

કાર્યક્રમ પહેલાં જ મહત્ત્વના એમઓયુ કરવામાં આવ્યા હતા. અમેરિકાની જંગી કંપની ટેલુરિયન ઇન્ક સાથે 50 લાખ ટન એલએનજીની આયાત કરવા માટેના એમઓયુ થયા હતા.

હ્યુસ્ટનમાં જ ઍનર્જી સેક્ટરની કંપનીઓ સાથે વાટાઘાટો બાદ આ કરાર કરાયો હતો. તેના કારણે વેપારની બાબતમાં અમેરિકાને લાભ અપાવવાની ડોનાલ્ટ ટ્રમ્પની વાતને વજૂદ મળ્યું હતું.

આ કરારથી ટ્રમ્પ ખુશ હોય તેવું દેખાઈ આવ્યું હતું અને તેમણે આશા વ્યક્ત કરી કે સંરક્ષણ અને ઊર્જાના ક્ષેત્રમાં હજી વધારે સહયોગ થઈ શકશે. તેમણે અમેરિકાના સ્ટીલ સૅક્ટરમાં હાલના સમયમાં ભારતીય કંપનીએ કરેલાં રોકાણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

line

'અબ કી બાર ટ્રમ્પ સરકાર'

મોદી ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

ઇન્ડિયન અમેરિકન્સના આ મેગા શૉમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઉમળકાભેર આવકારવામાં આવ્યા તેના કારણે તેમની ઊભી થયેલી ઇમિગ્રન્ટ્સ વિરોધી છાપમાં થોડી રાહત મળી શકે છે. ઇમિગ્રેશનવિરોધી તેમણે લીધેલાં કેટલાંક પગલાંને અદાલતોમાં પડકારવામાં આવ્યાં છે.

ભારતે અમેરિકામાંથી વધુ ઑઇલ, ગૅસ અને શસ્ત્રો ખરીદવાની તૈયારી બતાવી છે તેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડના મામલે થતા વિવાદમાં થોડી રાહત મળી શકે છે. તેમની ટેરિફ કિંગ તરીકે ટીકા થઈ રહી છે, તેમાં થોડી રાહત મળશે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જવા નીકળ્યા તે પહેલાં ભારતમાં કૉર્પોરેટ ટૅક્સમાં મોટા પાયે ઘટાડો કરવામાં આવ્યો હતો. તેની સાનુકૂળ નોંધ અમેરિકાના ઉદ્યોગોએ લીધી છે.

નરેન્દ્ર મોદીએ મક્કમ નેતૃત્વ માટે અને અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવા માટેના તેમના જોશ માટે પ્રમુખ ટ્રમ્પના વખાણ કર્યા હતા.

અમેરિકા અને દુનિયા માટે તેમણે લીધેલાં સારાં પગલાંઓનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદીએ ત્રાસવાદ સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખે આપેલા સાથ બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

તેમણે ટ્રમ્પને "ઉષ્માપૂર્ણ, મૈત્રીપૂર્ણ, જોશીલા અને મળતાવડા" ગણાવ્યા હતા.

ખાસ તો બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાનું પ્રિય સૂત્ર બોલીને નરેન્દ્ર મોદીએ ખુશ કરી દીધા હશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું: "અબ કી બાર, ટ્રમ્પ સરકાર". "એક નવી હિસ્ટ્રીને સાકાર થતી આપણે જોઈ રહ્યા છીએ અને એનઆરજીમાં એક નવી ઍનર્જી સાથે કૅમિસ્ટ્રી અને સિનર્જી પણ જોઈ રહ્યા છીએ,"

એવી રીતે આખી વાત મૂકીને નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમની સફળતાનો અને પોતાની વક્તા તરીકેની કુશળતાનો પરિચય આપ્યો છે.

ટ્રમ્પે પણ સાટું વાળતા નરેન્દ્ર મોદીના 'અમેરિકાના સૌથી વફાદાર અને પ્રતિબદ્ધ દોસ્ત' તરીકે વખાણ કર્યા હતા.

તેમણે બીજી વાર ઐતિહાસિક વિજય બદલ મોદીને અભિનંદન પણ આપ્યાં હતાં. આર્થિક સુધારાઓ લાવીને તથા લાખો ભારતીયોને ગરીબીમાંથી બહાર લાવીને તેઓ "ખરેખર ભારત માટે અદ્વિતિય રીતે કામ કરી રહ્યા છે," એવું તેમણે કહ્યું હતું.

સાથે જ તેમણે "40 લાખ જેટલા અમેઝિંગ ઇન્ડિયન અમેરિકન્સ અમેરિકાની સંસ્કૃતિ તથા અમેરિકાના મૂલ્યોને જાળવીને આગળ વધી રહ્યા છે" એમ કહીને ઉપસ્થિત મેદનીને પણ ખુશ કરી દીધી હતી.

line

કાશ્મીર

હ્યુસ્ટન

ઇમેજ સ્રોત, AFP

મોદીએ ભાષણમાં જુદી-જુદી સિદ્ધિઓની વાત કરી જે કોઈ ચૂંટણીના ભાષણ જેવું લાગતું હતું. જોકે તેમણે કલમ 370ને ફૅરવેલ આપી દેવાઈ છે તેનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ મૅસેજ આપ્યો કે જમ્મુ અને કાશ્મીર માટે લેવાયેલો નિર્ણય ભારતનો આંતરિક મામલો છે.

અમેરિકા પણ તેને અનુમોદન આપી રહ્યું હોવાનો ઇશારો તેમણે કરી દીધો.

ટ્રમ્પે મુંબઈમાં પ્રથમવાર યોજાનારી એનબીએની મૅચનો સાનંદાશ્ચર્ય સાથે ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ઉમેર્યું કે તૈયારી રાખજો, હું કદાચ મૅચ જોવા આવીશ.

આ રીતે તેમણે નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાત લેવાનો અણસાર આપી દીધો હતો. 2020માં 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર મોદી તેમને આમંત્રણ આપે પણ ખરા.

આ રીતે મોદી અને ટ્રમ્પ બંને પોતપોતાના ટેકેદારોને જણાવી શકે તેમ છે કે આપણને ફાયદો થયો છે.

આ મેગા ઇવેન્ટમાંથી એક સંદેશ બહુ સ્પષ્ટપણે બહાર આવ્યો છે કે ઘણા મુદ્દે ગંભીર મતભેદો હોવા છતાં ભારત અને અમેરિકાના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ દ્વિપક્ષી સંબંધમાં બંનેનું હિત છે તેવો મૅસેજ પણ ગયો છે.

મોદીએ એવું રહસ્યોદ્ધાટન કરી દીધું કે ટ્રમ્પ તેમને ટફ નેગોશિયેટર ગણે છે, પણ તેમણે સામે અમેરિકાના પ્રમુખને કુશળ ડિલ મેકર ગણાવીને વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું કે પોતાને ટ્રમ્પમાંથી શીખવા મળી રહ્યું છે. આશા છે કે આગામી દિવસોમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાતો થવાની છે, તેમાં કેટલાક વેપારીકરારો થશે, જેનાથી ભારત અને અમેરિકા બંનેને ફાયદો થાય.

હ્યુસ્ટનમાં ટ્રમ્પ-મોદીના સંયુક્ત કાર્યક્રમને કારણે આગામી દિવસોમાં સારાં પરિણામો આવશે તેવી આશા જગાવી છે. સાથે જ વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન ધરાવે છે તેવી છાપ દૃઢ બની છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

(લેખક ભૂતપૂર્વ રાજદ્વારી છે અને યૂએસએ, યૂકે, મેક્સિકો, ચીલી, કેન્યા સહિતના દેશોમાં ફરજ બજાવી ચૂક્યા છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો