ICC WC 2019: આ અઠવાડિયે ક્રિકેટ વર્લ્ડ કપ Vs વરસાદની મૅચ કોણ જીતશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિવાકુમાર ઉલગનાથન
- પદ, બીબીસી તમિલ સંવાદદાતા
એક અઠવાડિયામાં ત્રણ મૅચ વરસાદથી ધોવાઈ ગઈ. આને વર્ષ 2019ના ICC વર્લ્ડ કપ માટે એક સારી શરૂઆત તો ન જ કહી શકાય.
મંગળવારે બ્રિસ્ટલમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ વરસાદના કારણે રદ કરી દેવાઈ. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આવું ત્રીજી વખત થયું છે જ્યારે મૅચમાં વરસાદના કારણે વિઘ્ન આવ્યું હોય.
આ પહેલાં બ્રિસ્ટલમાં વરસાદના કારણે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રદ કરી દેવાઈ હતી અને પછી સાઉથૅમ્પ્ટનમાં પણ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચ થોડી ઓવર બાદ બંધ કરી દેવી પડી હતી.
આ પહેલાં વર્લ્ડ કપમાં રદ થયેલી મૅચની સંખ્યા 2 હતી. વર્ષ 1992 અને 2003માં 2-2 મૅચ રદ કરવામાં આવી હતી.
તેવામાં આ વર્ષે ત્રણ મૅચ વરસાદને કારણે રદ કરવી પડી છે અને તેના કારણે વર્લ્ડ કપમાં મૅચ રદ થવાનો એક નવો રેકર્ડ પણ સ્થપાયો છે.


ઇમેજ સ્રોત, Getty Images
વરસાદના કારણે નૉટિંગઘમમાં મૅચ પહેલાં ભારતના પ્રૅક્ટિસ સેશનને પણ અસર થઈ હતી.
શક્યતા છે કે આખા અઠવાડિયા દરમિયાન અહીં વરસાદ ચાલુ રહેશે અને તેની અસર ભારતની અલગઅલગ મૅચ પર થઈ શકે છે.
ભારત ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ 13 જૂનના રોજ મૅચ રમશે, જ્યારે પાકિસ્તાનની વિરુદ્ધ 16 જૂનના રોજ માન્ચેસ્ટરના મેદાને ઊતરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિવારની ઓવલ મૅચ જોવા બાથથી લંડન આવેલા ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસક સેન્થીલકુમાર કહે છે, "જ્યાં વર્લ્ડ કપની મૅચ થઈ રહી છે ત્યાં વરસાદ પડી રહ્યો છે."
"થોડી કલાકો સુધી છાંટા પડ્યા બાદ સૂર્યનાં કિરણો જોવા મળે છે, પરંતુ ત્રણ મૅચ રદ થવી તે ટુર્નામેન્ટ માટે સારી બાબત નથી. જોકે, આમાં તમે આયોજકોને દોષ આપી શકતા નથી."
તેઓ ઉમેરે છે, "હું આશા રાખું છું કે આ અઠવાડિયામાં ભારત મૅચ રમી શકે. ભારતીય ટીમનું ફૉર્મ ખૂબ સારું છે.
એક કે બે મૅચથી ભારતનું સેમિફાઇનલમાં સ્થાન નક્કી થઈ જશે. માત્ર ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં થોડો એવો દમ છે કે જેઓ ભારતને સેમિફાઇનલમાં આવતા રોકી શકે છે."


પરંતુ જ્યારે યુકેના બીજા વિસ્તાર, જેમ કે બ્રિસ્ટલ અને નૉટિંગઘમમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે મંગળવારે લંડનમાં હવામાન ખૂબ સારું હતું. જ્યારે સોમવારે લંડનમાં આખો દિવસ વરસાદ પડ્યો હતો.
અઠવાડિયા દરમિયાન વરસેલા વરસાદ અને ત્રણ ધોવાઈ ગયેલી મૅચે શહેરના વર્લ્ડ કપ ફીવર પર અસર વર્તાવી છે. એશિયન લોકો સિવાય ખૂબ ઓછા લોકો છે કે જેઓ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ અંગે વાત કરી રહ્યા છે.
ભારતની જેમ ICC વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જોવા માટે લોકો ટીવીની આસપાસ ગોઠવાઈને બેસી જતા નથી.
વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને એવી શક્યતા છે કે તે આ વખતે વિજેતાનો ખિતાબ મેળવી શકે છે, છતાં બ્રિટિશ લોકોમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળતો નથી.
બ્રિટનમાં ક્રિકેટના પ્રશંસક ટેરી જણાવે છે, "છેલ્લા બે દાયકાથી ફૂટબૉલ યુવાઓની પ્રિય રમત રહી છે.
જો ઇંગ્લૅન્ડ આ વખતે વિજેતા બને અથવા ઇંગ્લૅન્ડના કારણે ટુર્નામેન્ટ પર સારી એવી અસર થાય છે તો તેનાથી મોટું પરિવર્તન આવી શકે છે."

શિખર ધવનની ઈજાની ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
શિખર ધવનને અંગૂઠામાં ઈજા થઈ હોવાના કારણે ત્રણ અઠવાડિયાં સુધી તેઓ મૅચ રમી શકશે નહીં, ત્યારે વિરાટ કોહલી ટીમમાં શું ફેરફાર કરશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.
ન્યૂઝ રિપોર્ટ જણાવે છે કે કેએલ રાહુલ રોહિત શર્મા સાથે ઓપનર તરીકે મેદાનમાં ઊતરી શકે છે અને દિનેશ કાર્તિક ચોથા નંબરે બૅટિંગ કરી શકે છે.
ધવન મામલે ભારતીય પ્રશંસકો વચ્ચે ખૂબ ચર્ચા ચાલી રહી છે. શિખર ધવને તેમની છેલ્લી મૅચમાં કરેલા ધમાકેદાર પ્રદર્શન અને તેમને થયેલી ઈજાએ પ્રશંસકોને ચિંતામાં મૂક્યા છે.

વર્લ્ડ કપમાં હાલ થયેલી ભારતની બે મૅચ જોઈ ચૂકેલા ફર્તીબ કહે છે, "શિખર અને રોહિતની જોડી એકદમ યોગ્ય છે. હવે શિખર ધવન ન હોવાને કારણે ભારતને નુકસાન થઈ શકે છે."
"ધવનના વિકલ્પ તરીકે બીજા કોઈના હોવાના સમાચાર નથી. પણ જો શિખર ધવનને બદલે અન્ય કોઈને લેવા હોય તો એ જગ્યા રિષભ પંતને મળવી જોઈએ."
વધુ એક પ્રશંસક કેશવ કહે છે, "જોકે, શિખર ધવનની બદલે અન્ય ખેલાડીને લેવા સહેલા નથી. ઓપનર તરીકે કેએલ રાહુલ કદાચ યોગ્ય પસંદ સાબિત ન થઈ શકે. આગામી કેટલીક મૅચ હવે ભારત અને ખાસ કરીને રોહિત માટે અઘરી સાબિત થઈ શકે છે."
જોકે, એવું નથી કે બધા જ પ્રશંસકો વરસાદ કે શિખર ધવનની ઈજાના કારણે ચિંતામાં છે.


આત્મવિશ્વાસ સાથે નવીન નામના એક પ્રશંસક કહે છે, "નૉટિંગઘમમાં વરસાદ હોય કે ન હોય, અમે તો માન્ચેસ્ટર મૅચની રાહ જોઈ રહ્યા છીએ. પાકિસ્તાનને છોડો, ભારતનું પ્રદર્શન ખૂબ સારું છે."
"મને વિશ્વાસ છે કે બુમરાહ અને અન્ય ખેલાડીઓ પાકિસ્તાન સામેની મૅચમાં આતંક મચાવી દેશે."
બીજી કેટલીક જગ્યાઓથી લંડન આવેલા ભારતીય પ્રશંસકો ઓવલ મૅચ જોવા માટે આવ્યા હતા. તેઓ હવે શૉપિંગની મજા માણી રહ્યા છે અને માન્ચેસ્ટર મૅચની રાહ જોઈ રહ્યા છે.
યેશ્વનાથ અને તેમના મિત્રો ભારતથી મૅચ જોવા માટે અહીં આવ્યા છે.
યેશ્વનાથ કહે છે, "ઓવલમાં બે મૅચ જોઈ અમે લંડનમાં ફર્યા અને શૉપિંગ કર્યું. અમે પાકિસ્તાન સામે ભારતના વિજય બાદ અમારી લંડનયાત્રા પૂર્ણ કરીશું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












