ICC World Cup: એ પાંચ કારણો જેને લીધે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આદેશકુમાર ગુપ્ત
- પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ભારત અને પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન રહેલા ઑસ્ટ્રેલિયા સામેની ગઈકાલની ક્રિકેટ મૅચ ખૂબ જ રોમાંચક હતી. આ મૅચમાં ભારતે સારું પ્રદર્શન કરી જીત મેળવી.
ભારત સામેની આ મૅચ અગાઉ ઑસ્ટ્રેલિયાએ સતત 10 મૅચમાં જીત હાંસલ કરી છે. ત્યાં સુધી કે ઑસ્ટ્રેલિયાએ આઈપીએલ પહેલાં ભારતને પાંચ મૅચની વન-ડે સિરીઝમાં 3-2થી હરાવ્યું હતું.
એટલું જ નહીં વિશ્વ કપનાં સમીકરણો પણ ઑસ્ટ્રેલિયાના પક્ષમાં હતાં. ભૂતકાળમાં બન્ને ટીમ વિશ્વ કપમાં 11 વખત આમને-સામને આવી ચૂકી છે જેમાં આઠ વખત ઑસ્ટ્રેલિયા જીત્યું છે. પરંતુ રવિવારની મૅચમાં ભારતે, ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું.

જીતનાં પાંચ કારણો

ઇમેજ સ્રોત, Getty Images
પહેલું કારણ - કોઈ પણ ટીમની ઓપનિંગ જોડી મૅચની દશા અને દિશા નક્કી કરે છે.
ભારતના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને 127 રનની ભાગીદારી કરીને ઑસ્ટ્રેલિયા પર દબાણ ઊભું કર્યું હતું.
રોહિત શર્મા 57 રન કરી આઉટ થઈ ગયા હતા જ્યારે ધવને 117 રન ફટકારીને સદી પૂર્ણ કરી હતી.
બીજી તરફ ઑસ્ટ્રિલિયાની ઓપનિંગ જોડી ડેવિડ વૉર્નર અને કૅપ્ટન ફિંચે પ્રથમ વિકેટના ભોગે 61 રન કર્યા. મૅચમાં વૉર્નરે 56 અને ફિંચે 36 રન બનાવ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બીજું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની જીતનું બીજું કારણ મિડલ ઑર્ડરના બૅટ્સમૅન્સ હતા જેઓ વિકેટ પર આવ્યા અને ફટાફટ રન ફટકારવા લાગ્યા.
ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ 77 બૉલમાં 82 અને હાર્દિક પંડ્યાએ માત્ર 27 બૉલમાં 48 રન ફટકાર્યા. ભારતે કુલ 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 352 રન બનાવ્યા હતા.
ભારતનો જંગી સ્કોરને પણ ઑસ્ટ્રેલિયાની હારનું મોટું કારણ ગણાવી શકાય. ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 316 રન બનાવ્યા જે પ્રદર્શનની દૃષ્ટિએ જોઈએ તો નબળો સ્કોર નથી.

ત્રીજું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની જીતનું ત્રીજું કારણ ભારતીય બૅટ્સમૅનનું વિકેટ પર ટકી રહેવું છે. સારી શરૂઆત થતા શિખર ધવને સદી ફટકારી દીધી.
બીજી તરફ ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરને પણ મજબૂત શરૂઆત મળી પરંતુ તેઓ તેને સદીમાં ન બદલી શક્યા.
આ સિવાય ભારતની ફિલ્ડિંગ પણ જબરદસ્ત રહી. ભારતીય ખેલાડીઓએ કૅચની એક પણ તકને છોડી ન હતી.
બીજી તરફ મૅચની બીજી જ ઓવરમાં સ્ટાર્કે છોડેલો રોહિત શર્માનો કૅચ ઑસ્ટ્રેલિયા માટે નુકસાનકારક સાબિત થયો.


ચોથું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં વન-ડે મૅચમાં ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું ચલણ છે. પરંતુ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ દાવમાં 300થી વધુનો સ્કોર હંમેશાં વિરોધી ટીમ માટે પડકારજનક હોય છે.
2015ના ગત વિશ્વ કપની સેમીફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ 328 રન કર્યા હતા. તેની સામે ભારતીય ટીમ 46.5 ઓવરમાં 233 રન કરી જ કરી શકી હતી.

પાંચમું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની જીતનું પાંચમું કારણ તેમના બૉલર્સ રહ્યા. સમગ્ર મૅચમાં તેઓ ક્યાંય પણ દબાણમાં ન દેખાયા.
ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ સતત વિકેટ લેતા રહ્યા. આ જ કારણ હતું કે ઑસ્ટ્રેલિયાના કોઈ પણ બૅટ્સમૅન વચ્ચે મોટો સ્કોર ઊભો કરી શકે એવી સારી ભાગીદારી ન બની શકી.
ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ તો સ્પિનર યુજવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી.
હવે 13 તારીખે ભારતની મૅચ ન્યૂઝિલૅન્ડ સાથે છે. ન્યૂઝિલૅન્ડે તમામ ત્રણ મૅચમાં જીત હાંસલ કરી છે જેને જોતા લાગે છે કે ભારતે વધુ તૈયાર રહેવું પડશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













