નરેન્દ્ર મોદીના વિજય અંગે પાકિસ્તાનનું મીડિયા શું કહે છે?

મોદી-શાહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુરુવારે 17મી લોકસભાનું ગઠન કરવા માટે આયોજિત ચૂંટણીનાં પરિણામ આવ્યાં, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું સત્તા પર પુનરાગમન થયું છે.

અપેક્ષા મુજબ જ ભારત ઉપરાંત પાડોશી દેશો તથા પશ્ચિમી દેશોમાં હવે પછી કોની સરકાર બનશે તેની ઉત્કંઠા હતી.

ભારતમાં કોની સરકાર બને છે, તેની ઉપર સંબંધોનો આધાર હોઈ પાકિસ્તાની મીડિયામાં પણ પરિણામ અંગે આતુરતા હતી.

પાકિસ્તાન ઉપરાંત ચીન, અમેરિકા સહિતના દેશોનાં મીડિયાગૃહોએ આ પરિણામોની નોંધ લીધી અને તેનું વિશ્લેષણ પણ કર્યું.

line

પાકિસ્તાની અખબાર : The Dawn

બિહારમાં ભાજપના વિજયની ઉજવણી કરી રહેલાં સમર્થકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિહારમાં ભાજપના વિજયની ઉજવણી કરી રહેલાં સમર્થકો

પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર 'ધ ડૉન'એ 'ઇમરાને મોદીને આપ્યાં અભિનંદન'ના શીર્ષક સમાચાર સાથે ભારતની લોકસભા ચૂંટણીનાં પરિણામોનો અહેવાલ છાપ્યો છે.

અખબાર નોંધે છે કે બાલાકોટ ખાતે થયેલા હવાઈ હુમલાને કારણે ભારતમાં રાષ્ટ્રવાદનો જુવાળ પેદા થયો, જેણે ભાજપને ચૂંટણી જીતવામાં મદદ કરી. મોદી 'મજબૂત નેતા' તરીકે પ્રસ્થાપિત થયા.

બેકારી, ગ્રામીણ દુર્દશા અને અર્થતંત્ર ક્ષેત્રે સરકારની નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન ખસી ગયું.

અખબારે તેની વેબસાઇટ ઉપર, લાઇવ બ્લૉગ દ્વારા ભારતમાં ચાલી રહેલી મતગણતરીનું રિપોર્ટિંગ કર્યું હતું.

line

અમેરિકાનું અખબાર : ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સ

ઇમેજ સ્રોત, New York Times

અમેરિકાના અંગ્રેજી અખબાર ધ ન્યૂયૉર્ક ટાઇમ્સે 'ભારતના 'ચોકીદાર' નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક વિજય' અહેવાલ સાથે ચૂંટણીમાં ભાજપના વિજયની નોંધ લીધી છે.

આ સિવાય 'ઇર્ષ્યા અને નફરત દ્વારા કેવી રીતે મોદીએ ભારતને ભોળવ્યું', 'ભારતની ચૂંટણીમાં મોદીના ભવ્ય વિજયથી ફલિત થતી પાંચ બાબતો', 'વારાણસીમાં મોદી નાયકની સાથે ખલનાયક પણ' તથા 'મોદી અને ભાજપે ભારતમાં ઇતિહાસ સર્જ્યો. (રાહુલ) ગાંધીએ સ્વીકાર્યું' જેવા ભારતની ચૂંટણીલક્ષી અહેવાલ અલગથી પ્રકાશિત કર્યા.

અખબાર નોંધે છે, 'દેશમાં લઘુમતી અસુરક્ષા અનુભવતા છતાં તે પોતાને ચોકીદાર કહેતા, ગરીબ પરિવારમાં ઉછેરની વાત કરતા, પણ ધનિકોને મદદ કરતા. બિઝનેસની વાત કરતા, પણ રોજગારનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યા, જેવા વિરોધાભાસ છતાં મોદીનો વિજય થયો છે.'

અખબારે અવલોકન કર્યું કે 'હિંદુ રાષ્ટ્રવાદ, ગરીબો માટેની કેટલીક યોજનાઓ અને લોકરંજક વિનમ્રતાએ તેમને વિજય અપાવ્યો.'

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન

પાકિસ્તાની ચેનલ : જિયો ટીવી

સમર્થકની તસવીર

ઇમેજ સ્રોત, Jio TV

પાકિસ્તાનની પૉપ્યુલર ચેનલ જિયો ટીવીએ 'મોદીએ ફરી વિપક્ષને આપ્યો આઘાત, પ્રચંડ વિજય'ના શીર્ષક સાથે ભારતીય ચૂંટણીના સમાચાર છાપ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન 'સમગ્રે વિશ્વે ભારતની લોકશાહીની શક્તિની નોંધ લેવી રહી.'ની પણ અહેવાલમાં નોંધ લેવાઈ છે.

ભારતીય ચેનલની જેમ જ જિયો ટીવીએ શરૂઆતના ટ્રૅન્ડ્સની ટેલી સ્ક્રીન પર દેખાડી હતી, જેને અમુક કલાકો બાદ હઠાવી લીધી હતી.

line

અમેરિકન અખબાર : વૉશિંગ્ટન પોસ્ટ

વૉશિગ્ટન પોસ્ટની તસવીર

ઇમેજ સ્રોત, Washington Post

'મતદારોએ મોદીના સશક્ત અને રૂક્ષ હિંદુ ભારતની કલ્પનાને સ્વીકારી' અહેવાલ સાથે વૉશિંગ્ટન પોસ્ટે તેની વેબસાઇટ ઉપર વિશ્વની કૅટેગરીમાં ભારતના ચૂંટણી સમાચાર નોંધ્યા છે.

અખબાર લખે છે 'જનતાએ મોદીમાં વિશ્વાસ મૂક્યો છે. મોદી કરિશ્માઈ વ્યક્તિત્વ ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં જમણેરી વિચારસરણી ધરાવતા નેતાઓમાંથી એક છે.' ગત વખત કરતાં વધુ બેઠકો મેળવવી 'અનપેક્ષિત હતી.'

અખબારે આ સિવાય 'હિંદુઓ પહેલાંના મુદ્દે ભારતમાં મોદીનો વિજય' અને 'રાષ્ટ્રવાદને કારણે ભારતમાં મોદીનો ભવ્ય વિજય' જેવાં શીર્ષક સાથે સંબંધિત લેખો પણ પ્રકાશિત કર્યાં છે.

line

ખાડીનું મીડિયાગૃહ : અલ-જઝીરા

અલઝઝીરાની તસવીર

ઇમેજ સ્રોત, aljazeera

કતારની સરકારી વૈશ્વિક મીડિયા સંસ્થા અલ-જઝીરાએ ભારતની ચૂંટણીના તમામ અપડેટ્સ આપ્યા હતા. 'ઐતિહાસિક જનાદેશ સાથે ભારતે મોદીને ફરી ચૂંટ્યા'ના શીર્ષક સાથે મુખ્ય સમાચાર છાપ્યા છે.

અલ-જઝીરા લખે છે, 'વધુ બહુમત સાથે ભાજપ ચૂંટાયો છે, જેના કારણે છેલ્લાં પાંચ વર્ષથી હિંસક હિંદુ જૂથોથી પીડિત મુસ્લિમોમાં ચિંતાનો માહોલ છે.'

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉદયને 'આશ્ચર્યજનક' ગણાવ્યો છે. આ સિવાય અમેઠીમાં રાહુલ ગાંધીના પરાજય અંગેના સમાચારને અલગથી છાપ્યા છે.

line

ચીનની મીડિયા સંસ્થા : ગ્લોબલ ટાઇમ્સ

ગ્લોબલ ટાઇમ્સની તસવીર

ઇમેજ સ્રોત, Global Times

ચીનની સરકારી મીડિયા સંસ્થા ગ્લોબલ ટાઇમ્સે 'મોદીના નેતૃત્વમાં ભાજપે ભારતની ચૂંટણી જીતી'ના મથાળા સાથે ચૂંટણીના સમાચારની નોંધ લીધી છે.

અખબારે ચીનની ન્યૂઝ એજન્સી 'શિન્હુઆ'ના હવાલાથી આ અહેવાલ છાપ્યો છે.

આ સિવાય ભાજપ દ્વારા ઉજવણીનો તસવીરી અહેવાલ અલગથી છાપવામાં આવ્યો છે.

ગ્લોબલ ટાઇમ્સ અને શિન્હુઆ એ 'સરકારનો અવાજ' હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેને ગંભીરતાથી લેવામાં આવે છે.

line

પાકિસ્તાની અખબાર : ધ ઇન્ટરનેશનલ ન્યૂઝ

મોદીના સમાચાર

ઇમેજ સ્રોત, The International News

પાકિસ્તાની અખબાર, ધ ઇન્ટરનેશનલ ન્યૂઝની વેબસાઇટે લોકસભા ચૂંટણી સંદર્ભના ત્રણ સમાચારને પ્રાધાન્ય આપ્યું છે.

'ભારતમાં મોદી ફરી ચૂંટાયા' શીર્ષક સાથે અખબારે મોદીના ફરી વડા પ્રધાન બનવાના સમાચાર છાપ્યા છે.

આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને અભિનંદન આપ્યાં તે સમાચારની નોંધ લીધી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાઠવેલાં અભિનંદન તથા તેની ઉપર મોદીની પ્રતિક્રિયાની પણ અખબારે નોંધ લીધી છે.

જોકે, ભારતમાં ચૂંટણીના સમાચાર અખબારની પ્રિન્ટ ઍડિશનમાં પ્રથમ પૃષ્ઠ પર નહોતા.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો