પુરુષ જો આ બાબતે વાત ન કરે તો ચિંતા કેમ કરવી જોઈએ?

દર 40 સેકંડે દુનિયામાં કોઈ ને કોઈ જગ્યાએ વ્યક્તિ આત્મહત્યા કરી છે. મોટા ભાગના કિસ્સામાં આપઘાત કરનાર પુરુષ હોય છે.

તેનું એક કારણ એ પણ છે કે પુરુષ પોતાની સમસ્યાઓ વિશે વાત કરતો નથી કે કોઈની મદદ માગતો નથી.

સવાલ એ છે કે કયા વિષયો એવા છે, જેના વિશે પુરુષે વધારે ખુલ્લા મને વાત કરવી જોઈએ?

તમે આ વાંચ્યું કે નહીં?

સોશિયલ મીડિયા Vs વાસ્તવિકતા

સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર થઈ રહી છે.

પૅન્સિલવેનિયા યુનિવર્સિટીના એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું હતું કે સોશિયલ મીડિયામાં જેટલો સમય વધારે પસાર કરવામાં આવે, માણસ એટલો વધારે એકાકી અને ડિપ્રેસ્ડ થતો જાય છે.

જોકે, આ સ્થિતિમાંથી પાછા ફરી શકાય છે.

અભ્યાસના લેખક અને સાઇકૉલૉજિસ્ટ મેલિસા હન્ટ કહે છે, "સામાન્ય કરતાં થોડો ઓછો ઉપયોગ સોશિયલ મીડિયાનો કરશો, તમારું ડિપ્રેશન અને તમારું એકાકીપણું બંને ઓછા થશે. આવી અસર એવી વ્યક્તિઓમાં વધારે થઈ હતી, જેઓ અભ્યાસમાં સામેલ થયા તે પહેલાંથી જ વધારે ડિપ્રેસ્ડ હતા."

પણ સોશિયલ મીડિયામાં એવું શું છે જે નુકસાન કરી શકે છે?

મિશિગન યુનિવર્સિટીના સાયકોલૉજીના પ્રોફેસર ઓસ્કર બેરા કહે છે કે સોશિયલ મીડિયામાં ચાલતી બાબતો સાથે વાસ્તવિક જીવનને ભાગ્યે જ કશો સંબંધ હોય છે. આમ છતાં આપણે તેની સાથે સરખામણી કરી બેસતા હોઈએ છીએ

"અસર થઈ રહી છે તેની સમજ પડે તેવું પણ જરૂર નથી, પણ અસર થઈ રહી છે. તમે લૉગ-ઑન કરો ત્યારે બહુ અલગથી તારવાયેલી બાબતો તમારી સામે આવે છે."

"તમે સોશિયલ મીડિયા વધારે વાપરતા જાવ, તેમ સામાજિક પ્રવાહો સાથે વધારે સરખામણી કરતા જાવ છો. તેની અસર લોકોની લાગણી પર થતી હોય છે."

એકાકીપણું

આ જ પ્રકારનો લૉનલીનેસ ઍક્સ્પેરિમેન્ટ (એકાકીપણાનો અનુભવ) બીબીસીએ વૅલકમ કલેક્શન સાથે મળીને કર્યો હતો. તેમાં જોવા મળ્યું હતું કે 16થી 24 વર્ષની ઉંમરના યુવાનો એકાકીપણું વધારે અનુભવે છે.

2017માં ઑક્સફર્ડમાં થયેલા અભ્યાસ અનુસાર પુરુષ માટે એકાકીપણું ટાળવું બહુ મુશ્કેલ હોય છે.

અભ્યાસની આગેવાની લેનારા રૉબિન ડનબાર કહે છે, "છોકરી સાથેનો સંબંધ ટકી રહેશે કે કેમ તેનો આધાર બંને ફોન પર કેટલી લાંબી વાતો કરશે તેના પર હોય છે."

"સાથે મળીને કરેલી પ્રવૃત્તિઓને કારણે મિત્રતા ટકી રહે છે. ફૂટબોલ મૅચમાં સાથે જવું, પબમાં ડ્રિન્ક માટે સાથે જવું, સાથે મળીને ગેમ રમવી વગેરે. તેમણે આ માટે બહુ પ્રયત્નો કરવા પડે છે. આ બધુ સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે."

એકાકીપણું લાંબો સમય રહે ત્યારે તેની શારીરિક અને માનસિક બંને રીતે ખરાબ અસર થઈ શકે છે.

એકાકીપણું યાદશક્તિ પર અસર કરવા ઉપરાંત વારંવાર બીમાર પડવા સહિતની આરોગ્યની સમસ્યાઓને નોતરે છે.

રડવું

અનેક અભ્યાસોમાં એ સાબિત થયું છે કે રડવાને કારણે સાંત્વના મળે છે અને સહાનુભૂતિ ઊભી થવા સાથે સામાજિક સંબંધો ગાઢ બને છે.

આમ છતાં, "છોકરાઓ રડે નહીં" એવી માન્યતા ઘર કરી ગયેલી છે.

યૂકેમાં થયેલા એક સર્વે અનુસાર 18થી 24 વર્ષના યુવાનોમાંથી 55% એવું માનતા હતા કે રડવાને કારણે તેઓ ઓછા પૌરુષેય લાગશે.

કૉલમેન ઑડ્રિસ્કોલ કહે છે, "આપણે નાનપણથી જ છોકરાઓને શીખવીએ છીએ કે લાગણીઓ વ્યક્ત ના કરવી, કેમ કે લાગણીઓ દેખાડવી તે 'નબળાપણું' ગણાય."

કૉલમેન ઑસ્ટ્રેલિયામાં આત્મહત્યાના નિવારણ તથા કટોકટીમાં મદદ કરવાનું કામ કરતી સેવાભાવી સંસ્થા 'લાઇફલાઇન'માં ઑપરેશન્સ અને ડેવલપમૅન્ટના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.

ભરણપોષણની જવાબદારી

યૂકેમાં હાલમાં થયેલા એક સર્વેમાં 42% પરિણીત પુરુષો એવું માનતા હતા કે જીવનસાથી કરતાં તેમણે વધારે કમાણી કરવી જોઈએ. આવું માનનારામાં એક છે ઓલુમિડે ડુરોજેઈ.

ઓલુમિડે કહે છે, "મેં જોયું હતું કે અમારા કુટુંબનો મુખ્ય આધાર મારા ડૅડી હતા. તેઓ રાતદિવસ કામ કરતા હતા, આખા દેશમાં ફરતા હતા અને મારે પણ એમ જ કરવું જોઈએ."

"મારે કોઈક રીતે સારી કમાણી કરવી જોઈએ, જેથી હું મારા જીવનસાથીને જેની જરૂર છે તે 'પુરુષ'ની ભૂમિકા ભજવી શકું."

આર્થિક બાબતોની ચિંતાને કારણે પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે.

2015માં થયેલા એક અભ્યાસ અનુસાર બેરોજગારીના પ્રમાણમાં 1% જેટલો વધારો થાય તો આત્મહત્યાના દરમાં પણ 0.79% જેટલો વધારો થઈ જાય છે.

પુરુષોમાં આત્મહત્યા રોકવાનું કામ કરતી યૂકેની સંસ્થા કૅમ્પેઇન "અગેઇન્સ્ટ લિવિંગ મિઝરેબલી"ના સીઈઓ તરીકે કામ કરતાં સિમોન ગનિંગ કહે છે, "આપણો ઉછેર જ એવી રીતે થયો છે કે આપણે સમવયસ્કો સાથે ખુદને સરખાવતા રહીએ તથા આર્થિક રીતે સફળ થવા મથતા રહીએ."

"આર્થિક બાબતો આપણા નિયંત્રણની બહાર હોય ત્યારે સ્થિતિ ખૂબ મુશ્કેલ બની જાય છે."

દેખાવ

ગયા વર્ષે લવ 'આઇલૅન્ડ' નામના લોકપ્રિય ટીવી રિયાલિટી શોમાં જૉશ પ્રથમ આવ્યા ત્યારે યૂકેમાં તેઓ સેલિબ્રિટી બની ગયા હતા.

"હું જિમમાં જ પડ્યો રહેતો હતો અને સ્પર્ધામાં ગયો તે પહેલાં પણ અરીસા સામે જોઈને વિચારતો હતો કે મારે જવું જોઈએ નહીં."

"આજે પણ દરિયાકિનારે ફરવા ગયા હોઈએ અને સિક્સ-પેક સાથે કોઈને જોઈએ ત્યારે શરમ આવે. આપણે ખુદને જોઈએ અને એમ લાગે કે આપણે જાણે સાવ બાયલા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો