You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ: 20 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં શુક્રવારે સવારે થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મૃત્યુ થયાં છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટ સવારે આઠ વાગ્યાની આસપાસ હઝારગંજ વિસ્તારની બજારમાં થયો હતો.
સમાચાર એજન્સી એપીપી પ્રમાણે પોલીસનું કહેવું છે કે બજારમાં ઊભેલી પોલીસ વૅનને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
ડીઆઈજી પોલીસ અબ્દુલ રઝાક ચીમાએ પત્રકારોને કહ્યું, "આ હુમલામાં કુલ 16 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી આઠ લોકો હઝારા સમુદાયના છે. એક જવાન છે અને અન્ય લોકો મંડીમાં કામ કરનારા લોકો હતા."
બ્લાસ્ટ વિશે તેમણે કહ્યું, "સુરક્ષાદળોની એક ગાડી શાકબજારમાં સ્થિત બટાકાની એક દુકાન સામે પહોંચી ત્યારે જ આ બ્લાસ્ટ થયો હતો."
તેમણે કહ્યું, "આઈઈડી બ્લાસ્ટ છે કે નહીં એ તો તપાસ બાદ જ ખબર પડી શકશે."
જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું આ આત્મઘાતી હુમલો હતો, તો તેમને કહ્યું કે તપાસ બાદ જ આ વિશે કહી શકાશે.
આ બ્લાસ્ટ બટાકાના એક ગોદામ બહાર થયો હતો. જે સમયે આ બ્લાસ્ટ થયો એ વખતે લોકો અહીં કામ કરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લાસ્ટ પછી સુરક્ષદળોએ આ વિસ્તારની કિલ્લેબંધી કરી છે. ઍન્ટિ-બૉમ્બ સ્ક્વૉડને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
પોલીસ પ્રમાણે હઝારગંજમાં હઝારા શિયા સમુદાયના લોકો રહે છે.
સમાચાર એજન્સી એએફપી પ્રમાણે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા મોટાભાગના લોકો આ સમુદાયના જ છે.
પાકિસ્તાનમાં હઝારા શિયા લોકોને પહેલાં પણ નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો