You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસની બીજી યાદીમાં વધુ સાત ઉમેદવારો જાહેર, ચાર ધારાસભ્યોને ટિકિટ
લોકસભાની 2019ની ચૂંટણી માટે કૉંગ્રેસ દ્વારા ગુજરાતની બેઠકો માટે અન્ય સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
કૉંગ્રેસે કરેલી જાહેરાત મુજબ રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયા સામે લલિત કથગરાને ટિકિટ આપવામાં આવી છે તો પોરબંદરમાં રમેશ ધડૂક સામે લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.
પાટણ બેઠક પર જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અને કૉંગ્રેસે જૂનાગઢમાં પૂંજા વંશને ટિકિટ આપી છે.
વલસાડમાં કેસી પાટિલ સામે જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આપી છે તો પંચમહાલમાં ભાજપના રતનસિંહ રાઠોડ સામે વી. કે. ખાંટને ટિકિટ આપવામાં આવી છે.
કૉંગ્રેસે બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સામે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કૉંગ્રેસ અગાઉ 6 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.
કૉંગ્રેસે ચાર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.
કૉંગ્રેસમાં જોડાનાર ઊર્મિલા માંતોડકરનું આ છે કાશ્મીર કનેક્શન
ફિલ્મ અભિનેત્રી ઊર્મિલા માંતોડકર કૉંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયાં છે. ત્યારે એમનું કાશ્મીર સાથેનું જોડાણ ત્રણ વર્ષ જૂનું છે. ઊર્મિલાએ મોહસીન અખ્તર મીર સાથે 3 માર્ચ 2016માં લગ્ન કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાશ્મીરના મોહસીન અખ્તર મીર પ્રોફેશનલ અને મૉડલ છે અને તેઓ ઊર્મિલા માંતોડકર કરતાં 9 વર્ષ નાના છે.
લગ્ન પછી ઊર્મિલાએ ડીએનએને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે અમે ફક્ત પરિવારજનો અને મિત્રોને જ બોલાવી સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યાં હતાં કેમ કે અમારા પરિવારજનો સાદગીપૂર્ણ રીતે લગ્નની પંરપરામાં માને છે. તેથી અમે ખાનગી રીતે લગ્ન કર્યાં હતાં.
ઊર્મિલાએ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, મુંબઈ કૉંગ્રેસના નેતા મિલિંદ દેવડા અને પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમની હાજરીમાં કૉંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી હતી.
આ પહેલાં તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી.
પાર્ટીમાં જોડાવાને લઈને ઊર્મિલાએ કહ્યું હતું કે તેઓ પાર્ટીની વિચારધારાને કારણે કૉંગ્રેસમાં જાડાયાં છે.
તેમણે કહ્યું, "સક્રિય રાજનીતિમાં આ મારું પ્રથમ પગલું છે. હું ગ્લેમરને કારણે નહીં પરંતુ વિચારધારાને કારણે કૉંગ્રેસમાં જોડાઈ છું. આજે અભિવ્યક્તિની આઝાદી પર સવાલો થઈ રહ્યા છે અને બેરોજગારી પણ વધી રહી છે."
ઊર્મિલાના પતિ મોહસીન વેપારી પરિવારમાંથી આવે છે. 21 વર્ષની વયે એમણે ઘર છોડી દીધું હતું અને મુંબઈ આવીને મૉડલિંગમાં કારકિર્દી શરૂ કરી હતી.
2017માં મિસ્ટર ઇન્ડિયા ટુર્નામૅન્ટમાં તેઓ ત્રીજા ક્રમે હતા. એમણે ફૅશન ડિઝાઇનર તરૂણ કુમાર, મનીષ મલ્હોત્રા, વિક્રમ ફડણીસ અને રન્ના ગીલ સાથે કામ કર્યું છે.
આ ઉપરાંત તેમણે ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું. લક બાય ચાન્સ, મુંબઈ મસ્ત કલંદર જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. મોહસીનને એક ભાઈ અને ત્રણ બહેનો છે.
મધુસુદન મિસ્ત્રીની મહારાષ્ટ્રના નિરીક્ષક તરીકે નિમણૂક
કૉંગ્રેસે જનરલ સેક્રેટરી અને ગુજરાતના ટ્રેડ યુનિયન નેતા ગણાતા મધુસુદન મિસ્ત્રીની મહારાષ્ટ્રમાં પાર્ટીના ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે.
ઉલ્લેખનીય છે કે મધુસુદન મિસ્ત્રી 2004થી 2009 સુધી સાસંદ હતા. 2014ની ચૂંટણીમાં કૉંગ્રેસે વડોદરા બેઠક પરથી એમને નરેન્દ્ર મોદીની સામે ટક્કર આપવા ઉમેદવારી આપી હતી. જોકે, એ ચૂંટણીમાં મોદી સામે એમનો 5,70,128 મતથી પરાજય થયો હતો.
સીપીઆઈએ શિક્ષણ માટે જીડીપીના છ ટકા અને શહેરી રોજગારીનું વચન આપ્યુ
લોકસભાની 2019ની ચૂંટણી માટે કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાએ પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. સીપીઆઈએ નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના શાસનને ડિઝાસ્ટર ગણાવી પોતાના ઢંઢેરામાં સેક્યુલર લોકશાહીની વાત કરી છે.
ઢંઢેરામાં એમણે જીડીપીના 6 ટકા શિક્ષણ માટે ખર્ચવાની અને શહેરી રોજગારની ગૅરન્ટીની વાત કરી છે.
સીપીઆઈ-માર્ક્સવાદીના જનરલ સેક્રેટરી સીતારામ યેચૂરીએ મીડિયા સમક્ષ મૅનિફેસ્ટો રજૂ કર્યો હતો.
ચૂંટણી ઢંઢેરામાં કામદારોને લઘુત્તમ 18,000 વેતનની પણ જાહેરાત કરવામાં આવી છે.
સીપીઆઈ ભાજપ અને સાથી પક્ષોને હરાવવાની અને સેક્યુલર પક્ષોને જીતાડવાની મૅનિફેસ્ટોમાં અપીલ કરી હતી.
બ્રેક્સિટના એક પણ વિકલ્પ પર બહુમતી ન મળી
બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટિવ(ટોરા)ના સાંસદોને વાયદો કર્યો છે કે જો તેઓ યુરોપિય યુનિયનથી અલગ થવામાં બ્રેક્સિટ ડીલનું સમર્થન કરશે તો તેઓ પોતાનું પદ છોડી દેશે.
હાઉસ ઑફ કૉમન્સમાં વડાં પ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાન પર આઠ સંભવિત વિકલ્પો વિરુદ્ધ મતદાન થયું હતું. કોઈ પણ વિકલ્પને પૂર્ણ બહુમતી મળી નહોતી.
થેરેસા મેએ ટોરી સાંસદોને કહ્યું, "હું મારા પદને પૂર્વનિર્ધારિત સમય પહેલાં છોડવા તૈયાર છું જેથી એ કરી શકાય છે આપણા દેશ અને પક્ષ માટે યોગ્ય છે."
મેએ એવું પણ કહ્યું હતું કે તેઓ ડીલ કરવા માગે છે અને બ્રેક્સિટને વાસ્તવિક બનાવવા માગે છે.
ઉલ્લેખનીય છે કે થેરેસા મેએ પદ છોડવા અંગે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નહોતો.
પાકિસ્તાનથી લવાતું 500 કરોડ રૂપિયાનું હેરોઇન પોરબંદરના દરિયામાંથી જપ્ત
'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાતના પોરબંદર પાસે દરિયામાંથી એટીએસ (ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ), ભારતીય તટરક્ષક દળ અને મરિન કમાન્ડોઝના જોઇન્ટ ઑપરેશન દ્વારા દરિયાઈ માર્ગે ઘુસાડાતા 100 કિલો હેરોઈનને જપ્ત કરાયું છે.
આ સાથે જ 9 ઈરાની લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા તેમનો પર્દાફાશ થતા ઘૂસણખોરોએ બોટને આગ ચાંપી દીધી હતી જેથી કરીને હેરોઇન અને અન્ય પુરાવાઓ નષ્ટ થઈ જાય.
એટીએસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને એવી ગુપ્ત માહિતી મળી હતી કે ઈરાનની બોટ અરબ સમુદ્ર મારફતે ગુજરાતમાં હેરોઈન ઘુસાડવાની ફિરાકમાં છે.
અહેવાલમાં અધિકારીઓના હવાલાથી એવું પણ નોંધ્યું કે આ હેરોઇન પાકિસ્તાનથી લાવવામાં આવ્યું છે અને પોરબંદર ખાતે ઉતારવાનું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
ભાજપના રાષ્ટ્રિય જનરલ સેક્રેટરી પર નિર્મલા સીતારમણની સહી કરી 2 કરોડ રૂપિયાની ઠગીનો આરોપ
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભાજપના રાષ્ટ્રિય જનરલ સેક્રેટરી મુરલીધર રાવ સહિત આઠ લોકો વિરુદ્ધ તત્કાલીન વાણિજ્ય મંત્રઈ નિર્મલા સિતારમણની ખોટી રીતે સહી કરીને 2.17 કરોડ રૂપિયા વસૂલી લેવાની ફરિયાદ નોંધાઈ છે.
મુરલીધર રાવે ખોટી રીતે ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાનું લેટરપૅડ બનાવી તેમાં નિર્મલા સિતારમણની સહી કરીને એક યુગલને ફાર્મેક્ઝિલ ખાતમાં પોસ્ટિંગ કરાવવાનું કાર્ય કર્યું હતું.
આ ઘટના ઑક્ટોબર 2016ની છે અને તે માટે તેમણે 2.17 કરોડ રૂપિયા પણ વસૂલ કર્યા હતા.
ત્યારબાદ આ યુગલે હૈદરાબાદના સરૂરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મુરલીધર રાવે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
2007માં મળી ગઈ હોત ઍન્ટિ સેટેલાઇટ મિસાઇલ
ઇસરોના પૂર્વ પ્રમુખ જી. માધવને બુધવારના રોજ કહ્યું કે ભારતને એક દાયકા પહેલાં જ ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલ મળી ગઈ હતો પરંતુ રાજકીય ઇચ્છાશક્તિને કારણે આવું ના થયું.
માધવને કહ્યું કે જ્યારે ચીને વર્ષ 2007માં એક હવામાન સેટેલાઇટને નષ્ટ કરીને આ ક્ષમતા કેળવી હતી ત્યારે ભારત પાસે પણ આ તકનીક હતી.
માધનવે કહ્યું, "હવે મોદીજીએ આ પગલું ઉઠાવ્યું અને તેમણે રાજકીય ઇચ્છાશક્તિનું પ્રદર્શન કર્યું છે. હવે આપણે સમગ્ર દુનિયાને બતાવી દીધું છે."
માધવન વર્ષ 2003થી 2009 સુધી ઇસરોના પ્રમુખ હતા. તેઓ ઑક્ટોબર 2008માં ભાજપમાં જાડાયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો