ફૂટબૉલ મેચમાં ભારતે આર્જેન્ટિનાને હરાવી ઇતિહાસ સર્જ્યો

મેચનો ફોટો

ઇમેજ સ્રોત, TWITTER/DDNEWS

ભારતની અંડર-20 ફૂટબૉલ ટીમે સ્પેનમાં યોજાયેલા કૉટિફ કપ 2018ના એક મુકાબલામાં આર્જેન્ટિનાની અંડર-20 ટીમને 2-1થી પરાજય આપી ઇતિહાસ રચ્યો છે.

ભારતના આ ઐતિહાસિક વિજયના હીરો અનવર અલીએ મેચની 68મી મિનિટમાં ફ્રી કિકને ગોલમાં બદલી મેચમાં ભારતને લીડ અપાવી હતી.

મેચની શરૂઆતમાં જ ભારતીય ટીમે પોતાની તાકાતથી આર્જેન્ટિનાને પડકાર આપતા પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો.

ભારતીય ખેલાડી દીપક ટાંગરીએ પોતાના માથાનો ઉપયોગ કરી એટલે કે હેડર દ્વારા બૉલને ગોલપોસ્ટ સુધી પહોંચાડ્યો હતો.

આર્જેન્ટિના જેવી મજબૂત ટીમ સામે શરૂઆતમાં જ ગોલ કરવો એ પોતાનામાં જ એક મહત્ત્વની વાત છે કેમ કે આ ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે પ્રખ્યાત ક્લબોમાં રમી ચૂક્યા છે.

શું ત મે આ વાંચ્યું?

ભારતના ગોલ બાદ આર્જેન્ટિનાની ટીમે બીજા હાફ દરમિયાન મેચમાં બરાબરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓને સફળતા ન મળી.

ત્યારબાદ ભારત તરફથી અનવર અલીએ ફ્રી કિકને ગોલમાં બદલી સ્કોર 2-0 કર્યો.

મેચનો ફોટો

ઇમેજ સ્રોત, TWITTER/COTIF

પરંતુ ચાર મિનિટ બાદ જ આર્જેન્ટિનાએ પણ પોતાના ખાતામાં એક ગોલ ફટકાર્યો હતો.

ત્યારબાદ ભારતીય ખેલાડીઓની દીવાલ તોડવામાં વિરોધી ટીમ સફળ રહી નહોતી અને 2-1થી વિજય મેળવી ભારતે ઇતિહાસ રચી દીધો.

કૉટિફ કપ 2018માં આ પહેલાં ભારત મર્સિયાની અંડર 20 ટીમ અને મોરેશિયાની અંડર 20 ટીમ સાથેની શરૂઆતની મેચોમાં પરાજયનો સામનો કરી ચૂકી છે. પરંતુ વેનેઝુએલાની અંડર 20 ટીમ સાથે ડ્રૉ કરવામાં સફળતા હાંસલ કરી હતી.

આર્જેન્ટિનાની ટીમ સામે ભારતીય ટીમની આ જીત એટલા માટે પણ મહત્ત્વની છે કે અંડર 20 વર્લ્ડ કપ પહેલાં યોજાયેલી આ ટૂર્નામેન્ટ ક્વોલિફાઇંગ રાઉન્ડની જેવી છે.

આથી આર્જેન્ટિના સામેના વિજયથી ભારતીય ખેલાડીઓને ટેકનિક સમજવા માટે મદદ મળશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો