Top news : શરીરના રંગ વિશે ટોણા બાદ મહિલાએ ભોજનમાં ઝેર ભેળવ્યું : પાંચના મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં 28 વર્ષીય ગૃહિણી પ્રજ્ઞા સર્વાસેએ ભોજનમાં જંતુનાશક ઝેરી દવા ભેળવી દીધી હતી. જેના કારણે ચાર બાળકો સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા.
તેમના શરીરના રંગ વિશે પરિવારજનો સતત ટોણા મારતા હોવાથી બદલો લેવા માટે તેમણે આવું કર્યું હોવાનું નોંધાયું છે.
પ્રજ્ઞાના સંબંધી સુભાષ માનેના ઘરે કોઈ પ્રસંગ હોવાથી પરિવારજનો ભેગા થયા હતા.
મહેમાનો માટે તૈયાર કરાયેલા ભોજનમાં તેમણે ઝેરી દવા ભેળવી દીધી હતી.
આ ભોજન ખાધા બાદ 120થી વધુ લોકોની તબિયત લથડી હોવાનું જાણવા મળે છે.
બે વર્ષ પહેલાં જ પરણેલાં પ્રજ્ઞાને કુટુંબીજનો વિશે, તેમને જમવાનું બનાવતા ન આવડતું હોવાના અને તેમના શરીરના રંગ વિશે ટોણા મારતા હતા.
એ લોકો સાથે બદલો લેવા માટે તેમણે ભોજનમાં ઝેર ભેળવ્યું હોવાનું પોલીસ જણાવે છે.

મહેબૂબા સરકાર જમ્મુ અને લદાખ સાથે ભેદભાવ કરે છે : અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે ભાજપ અને પીડીપી સરકારનું ગઠબંધન તૂટ્યાંના ચાર દિવસ બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કશ્મીરની મહેબૂબા સરકાર સામે આક્ષેપો કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જન સંઘના શ્યામાપ્રસાદ મુખરજીના નિર્વાણદીને આયોજિત કાર્યક્રમમાં તેમણે આક્ષેપ કર્યો છે કે મહેબૂબા સરકાર જમ્મુ અને લદાખ વચ્ચે ભેદભાવ કરે છે.
એવો પણ આક્ષેપ કર્યો છે કે, મહેબૂબા અને ઓમર અબ્દુલ્લાહે રાજ્યના લોકોના ભોગે મોટાપાયે ધન-સંપત્તિ એકઠી કરી છે.
તેઓ કહે છે કે, ભજપ જ્યારે પીડીપી સાથે ગઠબંધનની સરકારમાં હતો, ત્યારે કેન્દ્ર સરકારે 80 હજાર કરોડનું પેકેજ આપ્યું હતું.
જેવો વિકાસ થવો જોઈતો હતો એ તો ન થયો પણ શાંતિનું વાતાવરણ જાળવવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યાં. તાજેતરમાં જ શુજાત બુખારીની હત્યા થઈ.
તેમણે કૉગ્રેસ પર પણ આક્ષેપો કર્યા હતા અને કૉંગ્રેસી નેતાઓ ગુલામ નબી આઝાદ અને સૈફુદ્દીન સોઝની ઉગ્રવાદીઓ સાથએ તુલના કરી હતી.

હાપુડ હિંસા : પોલીસ કહે છે આ ઘટનાને ગાય સાથે સંબંધ નથી

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે 'હાપુડ હિંસાને ગાય કે કોઈ પણ પશુ સાથે સંબંધ નથી' પોલીસના આ તારણના વરોધમાં શનિવારથી સોશિયલ મીડિયા પર નિંદા કરાઈ રહી છે.
અહેવાલ પ્રમાણે બીજા વીડિયોમાં લોકો સમીઉદ્દીનને ગૌ-હત્યા કરી હોવાનું કબૂલ કરવા દબાણ કરી રહ્યા છે. "અમે તેમની હત્યા નહોતા કરતા" તેઓ આ વીડિયોમાં બોલી રહ્યા છે.
પોલીસ કહે છે કે આ ઘટનાને ગાય કે કોઈ પશુ સાથે સંબંધ નથી અને પોલીસ ફરિયાદમાં આ કિસ્સાને 'ક્રોધાવેશ'ની ઘટના ગણાવવામાં આવી છે.
નવા વીડિયો અંગે હાપુડના એસ.પી. સંકલ્પ શર્મા જણાવે છે કે, અમે આ વીડિયોની કરી રહ્યા છીએ.
વીડિયો પ્રમાણિત હોવાનું જણાશે એટલે અમે આ વીડિયોને અમારી તપાસના ભાગરૂપે સમાવી લઈશું.
સમીઉદ્દીનના ભાઈની ફરીયાદ આધારે જ એફઆઈઆર નોંધી છે. અહેવાલ પ્રમાણે સમીઉદ્દીનના પરિવારજનો જેવી એફઆઈઆર નોંધાવવા ઇચ્છતા હતા, એવી ન નોંધાઈ હોવાનો આક્ષેપ કરે છે.

બિહાર બોર્ડની 42 હજાર ઉત્તરવહીઓ પસ્તીમાંથી મળી

ઇમેજ સ્રોત, Getty Images
'ફાઇનાન્સિયલ એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે શનિવારે બિહાર સ્કૂલ એજ્યુકેશન બોર્ડની ધો.10ની પરીક્ષાઓની 42 હજાર ઉત્તરવહીઓ પસ્તીમાંથી મળી હતી.
બિહાર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ મામલે બેની ધરપકડ પણ કરી હતી.
ગયા અઠવાડિયાથી ગુમ થયેલી ઉત્તરવહીઓ અંગે પોલીસ તપાસ ચાલી રહી હતી.
આ દરમિયાન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે બાતમીના આધારે ગોપાલગંજ જિલ્લામાં પસ્તીની દુકાને દરોડો પાડ્યો હતો. જેમાં ઉત્તરવહી મળી આવતા પસ્તી-ભંગારના વેપારી અને તેમના સાગરીતની ધરપકડ કરી હતી.
વેપારી પપ્પુ ગુપ્તાએ પોલીસને જણાવ્યુ હતુ કે સરકારી શાળાના પટાવાળા છોટુ સિંઘ આ ઉત્તરવહી 8,500 રૂપિયા માટે વેચી ગયો હતો. આ ઉત્તરવહી ગોપાલગંજની એસ.એસ.બાલિકા ઇન્ટર સ્કૂલમાં થઈ ગૂમ થઈ હતી.
આ ઘટના મામલે હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે.

પાકિસ્તાની તાલિબાને નવા વડાનું નામ જાહેર કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી રોયટર્સની વેબસાઇટ પ્રમાણે ગત અઠવાડિયે યુએસ ખાતે તાલિબાન નેતા મુલ્લાહ ફઝલુલ્લાહની હત્યા થયા બાદ શનિવારે પાકિસ્તાની તાલિબાને પોતાના નવા નેતાની પસંદગી કરી હતી.
પાકિસ્તાની તાલિબાને નવા નેતા તરીકે મુફ્તિ નૂર વાલિ મહસુદના નામની જાહેરાત કરી હતી.
તહેરીક-એ-તાલિબાનના પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ગૌરવની વાત છે કે અગાઉના તમામ નેતાઓ શહીદ થયા છે.
આ વખતે પહેલી વાર તાલિબાને જાહેરમાં ફઝલુલ્લાહના મૃત્યુનો સ્વીકાર કર્યો છે.
તેમણે અફઘાન તાલિબાનથી અલગ થઈને તહેરીક-એ-તાલિબાનની રચના કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












