પોતાના ભાઈ શાહરુખને નૂરજહા પાક.માં ચૂંટણીપ્રચાર માટે નહીં બોલાવે

નૂરજહાં અને શાહરૂખ ખાન

ઇમેજ સ્રોત, Noor Jehan

ઇમેજ કૅપ્શન, નૂરજહાં અને શાહરુખ ખાન
    • લેેખક, ઇશારુલ્લા
    • પદ, બીબીસી સંવાદદાતા, પેશાવર

તમે જેવા જ કિસ્સા ખ્વાની બજાર તરફથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના પેશાવરમાં પગ મૂકો, એવા જ તમે સાંકડી શેરીઓમાં પહોંચો છો.

અહીં શેરીની બંને બાજુ લાકડાનાં બનેલાં જૂનાં ઘરો આવેલાં છે.

આ જ સાંકડી શેરીમાં એક નારંગી રંગનું ઘર છે જેમાં નૂરજહા તેમનાં બાળકો સાથે રહે છે.

નૂરજહા બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનનાં પિતરાઈ બહેન છે.

પાકિસ્તાનમાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી ચૂંટણીમાં નૂરજહાએ ઉમેદવારી નોંધાવી છે.

તેઓ ખૈબર પખ્તૂનખ્વાહના અસેમ્બલી સીટ પીકે77 પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

તેમનું ઉમેદવારી ફૉર્મ સ્વીકારી લેવાયું છે, જેથી તેઓ હવે ચૂંટણીપ્રચારની તૈયારી કરી રહ્યાં છે.

નૂરજહાએ બીબીસીને જણાવ્યું કે તેમને પૂરી આશા છે કે તેઓ ચૂંટણી જરૂર જીતશે.

નૂરજહાં

ઇમેજ સ્રોત, Zahid Imdadullah

ઇમેજ કૅપ્શન, નૂરજહા ચૂંટણી લડી મહિલાઓના પ્રશ્નો પર કામ કરવા માગે છે

તેમણે કહ્યું કે તેમને એ વાતની જાણ છે કે તેમના પિતરાઈ ભાઈ શાહરુખ ખાન પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય છે. જોકે, તેમને પાકિસ્તાન આવીને ચૂંટણી અભિયાનનો ભાગ બનવાનું કહેશે નહીં.

તેમણે કહ્યું, "હું શાહરુખ ખાનને આવું કરવા ક્યારેય નહીં કહું, કારણ કે હું હંમેશાં ઇચ્છું છું કે આ વિસ્તારમાં શાંતિ રહે."

"તેમને આમંત્રણ આપવાથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હું મારા વિસ્તારના લોકોની મદદથી ખુદ જ ચૂંટણી પ્રચાર કરીશ."

નૂરજહા કહે છે કે તેઓ દેશની સંસદમાં એ મહિલાઓનો આવાજ પહોંચાડશે જે ઘરેલૂ હિંસાનો શિકાર બની હોય. આ મામલે કાયદો બનાવવાના સંદર્ભમાં કામ કરશે.

તેમનું કહેવું છે કે તેઓ મહિલાઓને પિતાની સંપત્તિમાં હક ના આપનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવાનું સમર્થન કરે છે.

શાહરુખ ખાન અને નૂરજહાં

ઇમેજ સ્રોત, Noor Jehan

ઇમેજ કૅપ્શન, નૂરજહા પાકિસ્તાનના પેશાવર શહેરમાં રહે છે

નૂરજહાએ એવો પણ ઉલ્લેખ કર્યો કે તેમણે એવા ઘણા લોકોનો સહયોગ મળ્યો છે જેઓ મહિલા પર અત્યાચાર કરતા લોકોને કડક સજા થવાનું સમર્થન કરતા હોય.

નૂરજહાએ કહ્યું, "હું જે સમાજમાંથી આવું છું ત્યાં ચૂંટણીમાં પુરુષ સામે મહિલાને ઊભવાની તક ખૂબ જ ઓછી મળે છે. આ ભેદભાવને કારણે જ હું આ ચૂંટણી લડી રહી છું."

"જો હું આ ચૂંટણી નહીં લડું તો કોણ લડશે? કોઈએ તો આગળ આવવું પડશે."

શાહરુખ ખાન અને નૂરજહાં

ઇમેજ સ્રોત, Noor Jehan

ઇમેજ કૅપ્શન, નૂરજહા અને શાહરુખ ખાન બંને પિતરાઈ ભાઈ-બહેન છે

શાહરુખ ખાનને તેઓ મળ્યા છે કે નહીં એ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "જ્યારે હું વર્ષ 1997 અને 2011માં ભારત ગઈ હતી ત્યારે તેમને મળી હતી."

નૂરજહાએ એવું પણ કહ્યું કે આ મુલાકાત દરમિયાન શાહરુખે પણ પેશાવર આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

નૂરજહાએ કહ્યું કે ભાગલા પહેલાં વર્ષ 1946માં તેમના પિતા અને શાહરુખના પિતા પેશાવરમાં રહેતા હતા.

વિભાજન બાદ શાહરુખના પિતાએ ભારત જવાનો નિર્ણય કર્યો હતો.

શાહરુખના પિતા મીર તાજ મોહમ્મદ દિલ્હી આવી ગયા હતા અને કાકા ગુલામ મોહમ્મદ પાકિસ્તાન જ રહી ગયા હતા.

ગુલામ મોહમ્મદને બે દીકરા (મંસૂર ખાન અને મકસૂદ ખાન) અને એક દીકરી (નૂરજહા) છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો