વાઇરલ થયેલી આ તસવીરમાં કોણ છે અને સત્ય શું?

હાલમાં એક તસવીર જોવા મળી રહી છે, જેના આધારે સેંકડો કાર્ટૂન્સ અને મેમેઝ વહેતાં થયાં છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુરશી પર બેઠાં છે, જ્યારે તેમની સામે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ઊભા છે, સાથે જ દુનિયાના મોટાં નેતાઓ પણ જોવા મળી રહ્યાં છે.

આ તસવીર કેનેડામાં આયોજિત જી-7 સંમેલનની છે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત નિવેદનમાં સામેલ થવાની ના પાડી દીધી હતી.

આ તસવીર જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પોસ્ટ કરી છે.

દુનિયાભરના લોકો આ તસવીર અંગે વાતો કરી રહ્યાં છે. લોકો પોતાની રીતે અંદાજ લગાવી રહ્યાં છે કે આખરે આ તસવીરમાં શું થઈ રહ્યું છે?

વાંચો આ તસવીરમાં કોણ-કોણ સામેલ છે અને જી-7 સંમેલનમાં શું થયું?

1. ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગી દેશોને ચોંકાવતા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાતમાં નવી જકાતની જાહેરાત કરી હતી.

આ જકાતની અસર હેઠળના દેશોમાં યૂરોપીય સંઘ સિવાય મેક્સિકો અને કેનેડા પણ સામેલ છે.

ટ્રમ્પની આ જાહેરાતે સમગ્ર સંમેલનનો માહોલ બદલી નાખ્યો.

અન્ય દેશોએ આ પગલા અંગે પ્રતિક્રિયા આપવાની વાત કહી અને સંમેલન દરમિયાન ઘણી વખતે ટ્રમ્પને તરછોડવામાં પણ આવ્યા.

ત્યારબાદ ટ્રમ્પ એવું કહી સંમેલનથી ચાલ્યા ગયા કે અમેરિકા બીજા દેશો માટે પિગ્ગી બૅંક જેવું છે જેને બધા લૂટવા માગે છે.

તેમણે યજમાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વિરુદ્ધ ટ્વીટ પણ કર્યું જેમાં તેમને અપ્રામાણિક અને નબળા નેતા જણાવ્યા.

2. જ્હોન બોલ્ટન, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

જ્હોન બોલ્ટનને ડોનાલ્ડ ટ્રમ્પના સર્વોચ્ચ સુરક્ષા સલાહકારનું પદ સંભાળ્યાને હજુ માત્ર ત્રણ જ મહિના થયા છે, પરંતુ આ દરમિયાન તેઓ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવી જકાતની જાહેરાત દરમિયાન જે કારણ જણાવ્યું, તેમાં એક મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા પણ છે.

આની પાછળ જ્હોન બોલ્ટનનું દિમાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

3. કાજુયુકી યામાજકી, જાપાનમાં વિદેશ મામલાના વરિષ્ઠ ઉપમંત્રી

કાજુયુકીએ જુલાઈ 2017માં આ જવાબદારી સંભાળી હતી. હાલમાં જ તેમના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પણ ગયું હતું.

ત્યારબાદ દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં મળેલી મુક્ત વેપાર સમજૂતી માટે જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા બેઠકમાં પણ તેમણે ભાગ લીધો હતો.

4. શિંજો અબે, જાપાનના વડા પ્રધાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ અન્ય દેશોની તરફથી આવેલી પ્રતિક્રિયાઓથી જાપાન ચિંતિત છે.

શિંજો અબે સતત ટ્રમ્પ સાથે સંબંધ સુધારવાના પ્રયત્નો કરી રહ્યાં છે. જ્યારથી ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી જાપાનના વડા પ્રધાન તેમને લગભગ 10 વાર મળી ચૂક્યા છે.

5. યોસુતોશી નિશિમુરા, જાપાનના ઉપ પ્રમુખ કેબિનેટ સચિવ

તેઓ જાપાનના સત્તાધારી દળના સાંસદ છે અને એકવાર આતંરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે.

6. એન્જેલા મર્કેલ, જર્મનીનાં ચાન્સેલર

તસવીર જોઈને માલૂમ પડે છે કે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સંમેલન દરમિયાન થયેલા વિવાદને થાળે પાડવાના સૌથી વધુ પ્રયત્નો કરી રહ્યાં છે. તેમણે આ અંગે થોડા ઉપાયો પણ સૂચવ્યા હતા.

જ્યારે મર્કેલને તેમનાં ટ્રમ્પ સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બે નેતાઓ હંમેશા એક વાત પર સહમત થાય એવું જરૂરી નથી, તેઓ પરસ્પર વાત તો કરી જ શકે છે.

તેમણે કહ્યું, "હું એટલું જ કહેવા માગું છું કે મે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ખૂબ જ વિસ્તૃત અને સીધા સંવાદવાળો સંબંધ ટકાવી રાખ્યો છે."

7. ઈમેન્યુઅલ મેક્રોન, ફાંસના રાષ્ટ્રપતિ

જી-7 સંમેલનની શરૂઆત પહેલાં ઈમેન્યુઅલ મેક્રોન અને ટ્રમ્પ વચ્ચે ટ્વીટ યુદ્ધ ચાલ્યું હતું, ત્યારબાદ સવાલ ઊભા થયા હતા કે બંને નેતાઓ વચ્ચે સંબંધ ખરાબ તો નથી થઈ ગયા ને?

જોકે, રાષ્ટ્રપતિ મેક્રોનની ટીમે કહ્યું કે ટ્રમ્પ સાથે તેમના સંબંધો સ્પષ્ટ છે.

8. ટેરિસા મે, બ્રિટનના વડા પ્રધાન

ગયા અઠવાડિયે ટ્રમ્પ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ટેરિસા મેએ કહ્યું હતું કે તેઓ અમેરિકા તરફથી લાગુ કરાયેલી જકાતથી ખૂબ જ નિરાશ છે.

જોકે, સંમેલન દરમિયાન ટેરિસાએ બધા દેશોને સહયોગ કરવા પર ભાર આપ્યો અને સંભવિત ટ્રેડ વૉર તરફ ના જવાની ભલામણ પણ કરી.

9. લૈરી કુડલોવ, અમેરિકા રાષ્ટ્રીય આર્થિક પરિષદના નિદેશક

લૈરી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉચ્ચ આર્થિક સલાહકાર છે અને તેમણે નવી જકાતના પગલાનો બચાવ કરતા કહ્યું કે વેપારમાં પેદા થયેલી ચિંતાઓ માટે તેમના 'બૉસ' વિરુદ્ધ સવાલ ઊભા ન કરી શકાય.

સંમેલન બાદ લૈરીએ સીએનએનને જણાવ્યં કે ટ્રમ્પ અને તેમની ટીમ સંમેલનમાં સારી ભાવના સાથે આવ્યા હતા, પરંતુ કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ તેમનો દગો આપ્યો.

અન્ય તસવીરો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને એક બીજા એન્ગલથી તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે ટ્રમ્પની ચારે તરફ હાજર જી-7 રાષ્ટ્રોના નેતાઓ ખૂબ ચિંતિત છે.

કેનેડાના વડા પ્રધાન ટ્રુડોના સત્તાવાર ફોટોગ્રાફર એડમ સ્કૉટીએ જે તસવીર લીધી છે, તેમાં હળવો માહોલ દેખાય રહ્યો છે.

આ તસવીરમાં એન્ગેલા મર્કેલ હસી રહી છે સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને જસ્ટિન ટ્રુડોના ચહેરાઓ પર પર સ્મિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો