બીબીસીએ વિશ્વને કઈ રીતે આપ્યા હતા હિટલરની મૃત્યુના સમાચાર?

- લેેખક, માર્ટિન વેન્નાર્ડ
- પદ, બીબીસી ન્યૂઝ
એ 1945ની પહેલી મેનો દિવસ હતો અને કાર્લ લેહમેન લંડનથી પશ્ચિમમાં 65 કિલોમીટર દૂર આવેલા રીડિંગની બહાર તેમની ડેસ્ક પર કાર્યરત હતા.
સોવિયેત સંઘનાં લશ્કરી દળો બર્લિનની નજીક પહોંચી રહ્યાં હતાં અને જર્મની સાથેનું તેમનું યુદ્ધ આખરી તબક્કામાં હતું.
24 વર્ષના કાર્લ લેહમેન જર્મન સ્ટેટ રેડિયો સાંભળી રહ્યા હતા ત્યારે મહત્ત્વની જાહેરાત માટે તૈયાર રહેવા શ્રોતાઓને રેડિયો પરથી જણાવવામાં આવ્યું હતું.
એ ઘટનાને યાદ કરતાં કાર્લ લેહમેને કહ્યું હતું, "રેડિયો પર ગંભીર સંગીત સંભળાવવામાં આવ્યું હતું અને પછી તેમણે ગમગીન અવાજમાં જણાવ્યું હતું કે બોલ્સેવિઝમ સામેની લડતમાં એડોલ્ફ હિટલરનું મૃત્યુ થયું છે."
તેમને અને તેમના નાનાભાઈ જ્યોર્જને તેમનાં માતા-પિતાએ નવ વર્ષ પહેલાં જર્મનીથી બ્રિટન મોકલી આપ્યાં હતાં, જેથી યહૂદી લોકો પર નાઝી લોકો દ્વારા કરવામાં આવતા જુલમમાંથી તેમને બચાવી શકાય.

તમે આ વાંચ્યું કે નહીં?
કાર્લ લેહમેને કહ્યું હતું, "મને બહુ રાહત થઈ હતી, કારણ કે હિટલરે મારી જિંદગી બરબાદ કરી નાખી હતી."
કાર્લ લેહમેન બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ સ્થાપવામાં આવેલી બીબીસી મોનિટરિંગ સર્વિસમાં કામ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સેવાનો મુખ્ય હેતુ જર્મન રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચાર-સામગ્રીનું ભાષાંતર કરવાનો અને એ વિશે બ્રિટિશ સરકાર, તેનાં સાથી રાષ્ટ્રો તથા અન્ય દેશોને માહિતગાર કરવાનો હતો.

'બધા લોકો રાજી થયા'

ઇમેજ સ્રોત, KARL LEHMANN
કાર્લ લેહમેને કહ્યું હતું, "એ જાહેરાત બ્રિટનમાં સૌથી પહેલાં અમે સાંભળી હતી. બિલ્ડિંગમાંના તમામ લોકો એકદમ રાજી થઈ ગયા હતા.
"એ વાત કેટલી મહત્ત્વપૂર્ણ હતી તે અમને સમજાયું હતું. તેનો અર્થ એ હતો કે જર્મની સામેના યુદ્ધનો અંત આવશે."
એ પછીના છ દિવસ બાદ જર્મની સત્તાવાર રીતે શરણે થયું હતું.
હિટલરનું મૃત્યુ થયા બાબતે કોઈ શંકા ન હતી, પણ હિટલરે આત્મહત્યા કરી હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું.
કાર્લ લેહમેને કહ્યું હતું, "હિટલર યુદ્ધ લડતાં મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું, જે ખોટું હતું.
"હિટલરે આત્મહત્યા કરી હોવાનું જર્મનીએ કબૂલ્યું ન હતું, પણ હિટલરનું મૃત્યુ થયાનું જ રેડિયો પર જણાવતું રહ્યું હતું."
સમાચારવાચકે એવું પણ જણાવ્યું હતું કે હિટલરે તેમના અનુગામી તરીકે ગ્રાન્ડ એડમિરલ કાર્લ ડોનિત્ઝની નિમણૂંક કરી છે.

હિટલરનું પતન

ઇમેજ સ્રોત, HuLTON ARCHIVE/GETTY IMAGES
15-16 એપ્રિલઃ બર્લિન પરનું આખરી આક્રમણ. શહેરના પૂર્વ ભાગમાં સોવિયેટ દળોએ જર્મન દળો પર રાતભર જોરદાર આક્રમણ કર્યું.
21 એપ્રિલઃ રેડ આર્મી બર્લિનના સીમાડે પહોંચી. બહારનાં ઉપનગરોને કબજે કર્યાં.
27 એપ્રિલઃ જર્મન લશ્કરનું સફળતાપૂર્વક વિભાજન કરીને સોવિયેટ અને અમેરિકન દળો જર્મનીમાં એલ્બે નદી ખાતે મળ્યાં.
29 એપ્રિલઃ રેઈશ ચાન્સેલરી હેડક્વાર્ટર્સ નીચેના પોતાના ભોંયરામાં હિટલર અને ઈવા બ્રાઉને લગ્ન કર્યાં.
30 એપ્રિલઃ હિટલર અને તેમનાં નવા પત્નીએ આપઘાત કર્યો. તેમના મૃતદેહ બાળી નાખવામાં આવ્યા.
1 મેઃ જર્મન રેડિયોએ હિટલરના મૃત્યુની જાહેરાત કરી.
7 મેઃ જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી અને યુરોપમાં છ વર્ષથી ચાલતા યુદ્ધનો અંત આવ્યો.
જર્મન મોનિટરિંગ ટીમમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અર્ન્સ્ટ ગોમ્બ્રિચે હિટલરના મૃત્યુ બાબતે જર્મનીએ કરેલી જાહેરાતનું ઝડપથી ભાષાંતર કર્યું હતું.
અર્ન્સ્ટ ગોમ્બ્રિચના એક ભૂતપૂર્વ સહકર્મચારીએ કહ્યું હતું, "તેમણે કાગળના એક ટૂકડા પર લખ્યું હતું. એ ભયંકર હતું, કારણ કે તેમાં ગોટાળાની શક્યતા હતા. વળી તેમને અક્ષર પણ બહુ ખરાબ હતા.
"તેમણે ઝડપ ખાતર એવું કર્યું હતું. અમે સામાન્ય રીતે એવી બાબત ટાઇપ કરતા હતા અથવા સારી રીતે લખતા હતા."
એ પછી અર્ન્સ્ટ ગોમ્બ્રિચે સરકારને તે વાત જણાવવા માટે લંડનમાં કેબિનેટ ઓફિસને ફોન કર્યો હતો.
બીબીસી ન્યૂઝરૂમ્સને પણ એ સમાચાર આપવામાં આવ્યા હતા, જે દેશ-દુનિયામાં પ્રસારિત કરવામાં આવ્યા હતા.
હવે 98 વર્ષના થયેલા કાર્લ લેહમેને જણાવ્યું હતું કે હિટલરના મૃત્યુના સમાચાર સાંભળીને આખો દેશ ખુશ થયો હતો એ તેમને બરાબર યાદ છે.
કાર્લ લેહમેન માટે એ સમાચારનો અર્થ એવો હતો કે તેઓ તેમના માતા-પિતાને ફરી મળી શકશે.
તેમના પિતા વોલ્ટર કોલોનમાં મહિલાઓનાં શણગારની સામગ્રીનો જથ્થાબંધ વેપાર કરતા હતા.
વોલ્ટર અને તેમનાં પત્ની એડિથ જર્મનીથી ભાગીને અમેરિકા પહોંચ્યાં એ પહેલાં નાઝીઓએ તેમને એ બિઝનેસ વેચી મારવાની ફરજ પાડી હતી.

જર્મન મોનિટર સેવાને શું લાભ થયો?

હિટલરનું મૃત્યુ થયું ત્યારે કેવરશામ પાર્કસ્થિત બીબીસીના મોનિટરિંગ વિભાગમાં 1,000 લોકો કામ કરતા હતા.
ડોરિસ પેન્ની એ કર્મચારીઓ પૈકીનાં એક હતાં, જેઓ તેમનાં પહેલાં પત્ની બન્યાં હતાં.
40 લોકોની જર્મન ટીમમાં ઘણા લોકો યહૂદી, સમાજવાદી તથા કામદાર સંગઠનોના સભ્યો હતા અને નાઝીઓના જુલમમાંથી બચવા ભાગી છૂટ્યા હતા.
કાર્લ લેહમેને કહ્યું હતું, "એ લોકો હિટલરના મૃત્યુથી ખુશ થયા હતા, કારણ કે હિટલરે તેમને દેશ છોડવાની ફરજ પાડી હતી."
નાઝી તાનાશાહ હિટલરના મૃત્યુથી જર્મન મોનિટર સેવાને એક ઓછો દેખીતો ફાયદો થયો હતો.
કાર્લ લેહમેને કહ્યું હતું, "હિટલર જે કહેતા હતા તેનું ભાષાંતર કરવું બહુ મુશ્કેલ હતું.
"હિટલર ભયંકર લેખક હતા. જર્મન ભાષામાં લખેલાં તેમનાં ભાષણો વાંચો તો પ્રભાવવિહોણા લાગે, પણ હિટલર ભાષણ આપતા ત્યારે અલગ જ પ્રભાવ જોવા મળતો હતો.
"હિટલરને તેમની વકૃત્વકળામાં બહુ ભરોસો હતો, પણ તેમનું મૃત્યુ થવાનો અર્થ એ હતો કે અમને તેમના ભાષણના ભાષાંતરમાંથી છૂટકારો મળશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













