સીરિયામાં 500 લોકોમાં રાસાયણિક હુમલાના લક્ષણ: UN

વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) કહ્યું છે કે સીરિયામાં પૂર્વ ગૂટામાં થયેલા એક હુમલામાં ઘાયલ થયેલાં દર્દીઓમાં રાસાયણિક હુમલાના લક્ષણો જોવા મળ્યાં છે.

સંગઠને સીરિયાના ડૂમા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અડચણ વિના પ્રવેશ આપવાની માગણી કરી છે.

સંગઠનના અધિકારીને આ વિસ્તારમાં હાજર પોતાના સહયોગીઓથી મળેલી આ વિગતોની પુષ્ટિ કરવા ઇચ્છે છે. આ વિગતોમાં પ્રમાણે 500થી વધુ લોકોમાં રાસાયણિક હુમલાના લક્ષણો મળ્યાં છે.

સીરિયાની સરકાર હુમલાઓમાં પોતાનો હાથ હોવાનો ઇન્કાર કરી રહી છે. અમેરિકાએ રાસાયણિક હુમલાના સમચારો બાદ સીરિયા પર જોરદાર હુમલો કરવાની ધમકી આપી છે.

તો બીજી તરફ રશિયાએ પણ અમેરિકાના નિવેદનને, સીરિયા પર હુમલો કરવાનું બહાનુ ગણાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે કે હુમલામાં 70થી વધુ લોકો માર્યા ગયા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે તેમના સહયોગી સંગઠનોએ તેમને 500 લોકોમાં રાસાયણિક હુમલા બાદ દેખાતાં લક્ષણો જોયાં હોવાનું જણાવ્યું છે.

આ લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં ચળ આવવી અને ચેતાતંત્રની કામગીરીમાં અવરોધ થવાનો સમાવેશ થાય છે.

સંગઠને નિવેદનમાં કહ્યું છે કે, બે આરોગ્ય કેંદ્રો પણ આ હુમલાનો ભોગ બન્યાં છે.

WHOના ડૉ. પીટર સલામાએ કહ્યું, "આપણે સૌને ભયાનક સમાચારો અને ફોટોગ્રાફ્સ પર ગુસ્સો આવવો જોઇએ. અમારી માગ છે કે આ વિસ્તારમાં વિના કોઈ રોક-ટોક અવરજવર કરવા દેવાની છૂટ આપવામાં આવે જેથી અમે લોકોના આરોગ્યની તપાસ કરી શકિએ."

સીરિયામાં વિપક્ષના કાર્યકર્તા, રાહતકર્મીઓ અને આરોગ્ય કર્મચારીઓનો આક્ષેપ છે કે પૂર્વ ગૂટા પર સરકારી સૈન્યે ઝેરી રસાયણ ભરેલા ગોળા છોડ્યા હતા.

એમ કહેવાય છે કે એ શંકાસ્પદ હુમલામાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા. જોકે, આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે, બોમ્બમારાથી બચવા માટે સેંકડો લોકોએ ભોંયરાંમાં શરણ લીધું હતું અને ત્યાં વધુ કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાનો ભય છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફ્રાંસના પ્રતિનિધિએ કહ્યું છે કે, જાણીજોઇને ઝેરી ગેસનો ઉપયોગ કર્યો છે, કારણ કે તે ભોંયરાં સુધી પણ પહોંચી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો