સીરિયાના કથિત કેમિકલ એટેકમાં સૈંકડો લોકો મૃત્યુ પામ્યાં? ખરેખર થયું શું?

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લેવરોવે જણાવ્યું છે કે સીરિયાના દૌમા શહેરમાં રસાયણિક શસ્ત્રો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

દૌમા પર અગાઉ બળવાખોરોનો અંકુશ હતો.

સર્ગેઈ લેવરોવના જણાવ્યા મુજબ, રશિયાના નિષ્ણાતો અને રાહત કાર્યકરોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બળવાખોરોએ શરણાગતિના કરાર હેઠળ શહેર છોડવાનું શરૂ કરી દીધું છે.

તબીબી સુત્રોએ જણાવ્યું હતું કે શનિવારના કથિત હુમલામાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા હતા. ચોક્કસ કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે.

કથિત હુમલાનો 'સાથે મળીને આકરો પ્રતિભાવ' આપવાની ધમકી અમેરિકા તથા ફ્રાન્સે આપી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ આ આક્ષેપો બાબતે સોમવારે મોડેથી ચર્ચા કરવાની છે.

સીરિયાના લશ્કરી એરપોર્ટ પરના ઘાતક હુમલાના કલાકો પછી રશિયાનું ઉપરોક્ત નિવેદન આવી પડ્યું છે.

તમને વાંચ્યું કે નહીં?

આ હુમલા માટે મોસ્કો અને સીરિયાની સરકારે ઇઝરાયલને દોષી ઠરાવ્યું હતું.

હોમ્સ શહેર નજીકના તિયાસ એરબેઝ પર મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. નિરિક્ષકોએ જણાવ્યું હતું કે હુમલામાં 14 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

સીરિયન લક્ષ્યાંકો પર અગાઉ હુમલો કરી ચૂકેલા ઇઝરાયલે કોઈ ટિપ્પણી કરી નથી.

સીરિયાએ શરૂઆતમાં વોશિંગ્ટનને દોષી ઠરાવ્યું હતું, પણ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો.

આ આક્રમણને સંભવિત રસાયણિક હુમલા સાથે કોઈ સંબંધ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.

કોણે આપ્યો કેવો પ્રતિભાવ?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રાજધાની દમાસ્કસ નજીકના ઇસ્ટર્ન ઘૌટા વિસ્તારમાંના દૌમા પરના હુમલા માટે "આકરી કિંમત ચૂકવવી પડશે."

તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એક સંયુક્ત નિવેદન રવિવારે બહાર પાડ્યું હતું અને "સંયુક્ત રીતે આકરો પ્રતિભાવ આપવાની" પ્રતિજ્ઞા કરી હતી.

બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાનો પ્રતિભાવ આપવા સંબંધે બ્રિટન તેના સાથી રાષ્ટ્રો જોડે કાર્યરત છે.

દરમ્યાન, રસાયણિક શસ્ત્રો પર પ્રતિબંધની હિમાયત કરતા સંગઠન(ઓપીસીડબલ્યુ)ના વડા અહમેત ઉઝુમ્કુએ કથિત હુમલા બાબતે "ગંભીર ચિંતા" વ્યક્ત કરી હતી.

ઓપીસીડબલ્યુ રસાયણિક શસ્ત્રોના સંભવિત ઉપયોગ વિશેની માહિતી એકત્ર કરી રહ્યું છે.

રશિયા શું કહે છે?

સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે નાગરિકો પર રસાયણિક શસ્ત્રોના કથિત ઉપયોગ બદલ દમાસ્કસને દોષી ઠરાવવાની "ઉશ્કેરણી"ની તૈયારી ચાલતી હોવાની ચેતવણી રશિયન લશ્કરે ઘણીવાર આપી હતી.

સર્ગેઈ લાવરોવે કહ્યું હતું, "અમારા લશ્કરી નિષ્ણાતોએ સીરિયાના રેડ ક્રેસન્ટના પ્રતિનિધિઓ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી."

"નાગરિકો પર ક્લોરિન કે રસાયણિક દ્રવ્ય વડે હુમલો કરવામાં આવ્યાનો કોઈ પુરાવો તેમને મળ્યો નથી."

કોઈ પુરાવા વિના દોષારોપણ કરવાને બદલે આવી ઘટનાની "પ્રમાણિક તપાસ"ની તરફેણ મોસ્કો કરતું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દૌમામાં શું ચાલી રહ્યું છે?

તબીબી સુત્રોએ જણાવ્યું હતું કે દૌમામાં શનિવારે સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

વાઇટ હેલ્મેટ્સ તરીકે ઓળખાતા રાહત સંગઠનના કાર્યરોએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો.

એક ઘરમાં અનેક પુરુષો, સ્ત્રીઓ તથા બાળકો મૃત અવસ્થામાં પડ્યા હોવાનું અને એ પૈકીના ઘણાનાં મોંમાં ફીણ હોવાનું એ વીડિયોમાં જોવા મળ્યું હતું.

અલબત, ખરેખર શું થયું હતું અને કેટલાં લોકો મૃત્યુ પામ્યાં છે તેની ચકાસણી સ્વતંત્ર રીતે કરવાનું શક્ય નથી.

દૌમા પર અત્યાર સુધી જૈશ અલ-ઈસ્લામના બળવાખોરોને અંકુશ હતો. એ બળવાખોરો સાથે સીરિયા અને રશિયાએ કરાર કર્યો હતો.

મોસ્કોએ જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહી હાલ પુરતી રોકી દેવામાં આવી છે.

બળવાખોરો સાથેના કરાર હેઠળ 8,000 લડવૈયાઓ અને તેમના 40,000 પરિવારજનોને આશરે 100 બસમાં લડાઈગ્રસ્ત ગામમાંથી બહાર લઈ જવામાં આવશે.

બળવાખોરોએ બંદી બનાવેલા લોકોને મુક્ત કરવામાં આવશે.

સરકાર તરફી દળોએ ઇસ્ટર્ન ઘૌટા પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લીધો છે.

વિશ્લેષકો જણાવે છે કે 2016માં અલેપ્પો છીનવી લેવાયું પછીનો આ રાષ્ટ્રપ્રમુખ અસદના સૈન્યની સૌથી મોટી સફળતા છે.

એ પછી સરકારે સપ્તાહો સુધી આક્રમણ ચાલુ રાખ્યું હતું, જેમાં 1,600થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

એરફિલ્ડ પરનો હુમલો

સીરિયાની સરકારી ન્યૂઝ એજન્સી સાનાએ લશ્કરી સુત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલનાં એફ-15 જેટ પ્લેન મારફત લેબનીઝ એરસ્પેસમાં મિસાઈલમારો કરવામાં આવ્યો હતો.

લશ્કરી એરપોર્ટ પરના ઈઝરાયલના મિસાઈલ આક્રમણને હવાઈ દળે નિષ્ફળ બનાવ્યું હતું.

આ ઘટનામાં લોકો મૃત્યુ પામ્યા હોવાનું સાનાએ જણાવ્યું હતું, પણ કોઈ આંકડો આપ્યો ન હતો.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આઠ પૈકીનાં પાંચ મિસાઇલને તોડી પાડવામાં આવ્યાં હતાં અને ત્રણ મિસાઇલ એરોડ્રોમના પશ્ચિમી હિસ્સા સુધી પહોંચ્યાં હતાં.

બ્રિટનસ્થિત મોનિટરિંગ ગ્રુપ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે એરબેઝ પર માર્યા ગયેલા લોકોમાં વિવિધ દેશોના લડવૈયાઓનો સમાવેશ થાય છે.

પોતે હુમલો કર્યો હોવાનું સીરિયા ભાગ્યે જ સ્વીકારે છે, પણ 2012 પછી સીરિયામાં સંખ્યાબંધ ટાર્ગેટ્સ પર હુમલો કર્યો હોવાનું સીરિયાએ સ્વીકાર્યું હતું.

ઇઝરાયલે આ વર્ષે ફેબ્રુઆરીમાં સીરિયામાં એર બેઝને નિશાન બનાવીને જોરદાર હવાઈ આક્રમણ કર્યું હતું.

એ પછી ઈરાનનાં ડ્રોન ઇઝરાયલ પર ત્રાટક્યાં હતાં, જેને ઇઝરાયલે તોડી પાડ્યાં હતાં.

ઇઝરાયલે જણાવ્યું હતું કે એ તેના કટ્ટર દુશ્મન ઈરાનને સીરિયામાં થાણાં સ્થાપવા કે ત્યાંથી લશ્કરી કામકાજ કરવા દેશે નહીં.

ઈરાન દ્વારા સીરિયામાં લશ્કરી થાણાં સ્થાપવાની બાબતને ઇઝરાયલ મોટું જોખમ ગણે છે.

ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે ઈરાન તથા તેના રેવલૂશનરી ગાર્ડ્ઝ ઇઝરાયલી લશ્કરી એરબેઝ પર લાંબા સમયથી સક્રીય છે.

તેઓ લેબનીઝ શિયા ઉદ્દામવાદી જૂથ હેઝબોલ્લા સહિતનાને શસ્ત્રો પહોંચાડવા માટે આ એરબેઝનો ઉપયોગ કરે છે.

આ એરબેઝ પરથી જ ડ્રોન લૉન્ચ કરવામાં આવ્યાં હોવાનું પણ ઇઝરાયલે જણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો