શું પદ્માવત રોકાણકારોને કરાવશે વ્યવસાયિક નુકસાન?

પદ્માવત ફિલ્મને ભલે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી હોય પણ ગુજરાત સહિત અનેક જગ્યાએ આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.
કરણી સેના દ્વારા પદ્માવતનો થઈ રહેલો વિરોધ રોકાણકારો માટે વ્યાવસાયિક નુકસાન સાબિત થઈ શકે છે.
ગુરુવારે જ્યારે કરણી સેનાએ પદ્માવત ફિલ્મના પ્રદર્શનના મુદ્દે ભારત-બંધનું એલાન આપ્યું છે.
ત્યારે ભારતીય મૂડીબજારમાં લિસ્ટ થયેલી મલ્ટિપ્લૅક્સ સ્ક્રીન્સની માલિકી અને સિનેમા વિતરણ ક્ષેત્રે કાર્યરત કંપનીઓના શેરના ભાવ, બજાર ખુલતાં જ ગણતરીની મિનિટોમાં ગગડયા હતા.
બોમ્બે સ્ટૉક એક્સચેન્જ પર આજે આ કંપનીઓના ભાવ તેમના આગલા દિવસે બંધ થયેલા ભાવ કરતા પણ નીચે ખુલ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
બીજી બાજુ, અમદાવાદમાં ફિલ્મ પદ્માવતનો હિંસક વિરોધ કરનારા 10 આરોપીઓને જામીન મળ્યા છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.એમ. જાડેજાના કહેવા પ્રમાણે, આ મુદ્દે 10 શખ્સોની આઈપીસીની કલમ 308 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેમને જામીન મળી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે છ આરોપીઓની ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાના પ્રયાસ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ છ શખ્સોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

મૂડીબજાર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
શેરના ભાવ નીચે મુજબ ખુલ્યા અને બંધ રહ્યા.
પીવીઆર લિમિટેડ
- બુધવારે બજાર બંધ થયે શેરના ભાવ - 1,486.65 રૂપિયા પ્રતિ શેર
- ગુરુવારે 9:30મિનિટે બજાર ખુલતા શેરનો ભાવ - 1,468.35 રૂપિયા પ્રતિ શેર
- ગુરુવારે 3:30મિનિટે બજાર બંધ થયે શેરના ભાવ - 1,460.00 રૂપિયા પ્રતિ શેર
આઇનોક્સ લીઝર લિમિટેડ
- બુધવારે બજાર બંધ થયે શેરના ભાવ - 274.10 રૂપિયા પ્રતિ શેર
- ગુરુવારે 9:30મિનિટે બજાર ખુલતા શેરનો ભાવ - 272.85 રૂપિયા પ્રતિ શેર
- ગુરુવારે 3:30મિનિટે બજાર બંધ થયે શેરના ભાવ - 268.60 રૂપિયા પ્રતિ શેર
યુએફઓ મુવીઝ ઇન્ડિયા લિમિટેડ
- બુધવારે બજાર બંધ થયે શેરના ભાવ - 489.69 રૂપિયા પ્રતિ શેર
- ગુરુવારે 9:30મિનિટે બજાર ખુલતા શેરનો ભાવ - 482.60 રૂપિયા પ્રતિ શેર
- ગુરુવારે 3:30મિનિટે બજાર બંધ થયે શેરના ભાવ - 475.20 રૂપિયા પ્રતિ શેર
અંદાજે 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી પદ્માવત બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ફિલ્મ છે.
શું આ ફિલ્મ તેની કિંમત વસૂલી શકશે?

ટ્રેડ એનાલિસ્ટ શું માને છે?

ઇમેજ સ્રોત, YOUTUBE/T-SERIES
ભારતીય સિનેમાના ટ્રેડ એનાલિસ્ટ અને બોક્સ ઓફિસના આંકડા પર નજર રાખે તેવા કૉમલ નહાટા કહે છે, "હું ચોક્કસપણે કહી શકું છું કે આ ફિલ્મ સારી કમાણી કરશે."
નાહટાએ જણાવ્યું હતું કે લોકો ફિલ્મ જેશે તેઓ પોતે જ અનુભવશે કે તેમાં વાંધાજનક કંઈ નથી. આ પછી વિરોધીઓના મોં બંધ થઈ જશે.
કોમલ નાહાટાના જણાવ્યા અનુસાર, "આ ફિલ્મ વિશ્વના અન્ય રાષ્ટ્રોમાં રિલીઝ થતા જો ફિલ્મ ભારતમાં કેટલીક જગ્યાએ રિલીઝ ન થઈ શકે તો તેની આવકમાં કોઈ મોટો ફેર પડશે નહીં."
નાહટાએ ઉમેર્યું કે આ ઉપરાંત આજકાલ ફિલ્મો પાસે કમાણીના બીજા ઘણા માર્ગો જેવા કે - સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને બ્રાન્ડ પ્લેસમેન્ટ દ્વારા પદ્માવત પણ નુકસાની ભરપાઈ કરી લેશે.

માર્કેટ એનાલિસ્ટ શું માને છે?

ઇમેજ સ્રોત, AFP
તો બીજી તરફ મૂડીબજારના નિષ્ણાંતો ઍન્ટર્ટેઇનમેન્ટ સેક્ટરના શેર ગુરુવારે નબળા ખુલવા પાછળ 'પદ્માવત સેન્ટિમેન્ટ'ને જવાબદર ઠેરવે છે.
મલેશિયન ઇક્વિટી કંપની કિમ એન્ગ સિક્યુરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચીફ એક્ઝેક્યુટીવ ઓફિસર જીગર શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ અસરને મૂળભૂત રીતે અને સેન્ટિમેન્ટલી 'પદ્માવત ઇમ્પૅક્ટ' કહી શકો."
શાહ કહે છે, મૂડી-બજારમાં રોકાણ કરનારાઓ ફંડામેન્ટલ્સ (સૈદ્ધાંતિક) અને ટેક્નિકલ ડેટા પર આધારિત હોય છે.
ઉપરાંત બજાર પર અસર કરતા પરિબળો મૂળભૂત રીતે બજારલક્ષી પર્યાવરણને અસર કરતી સંવેદનાઓ (સેન્સિટિવિટી) પર ટકેલું હોવાથી આજે ઍન્ટર્ટેઇનમેન્ટ સેક્ટરના શેરના ભાવ નીચે ખુલ્યા છે.

ફંડામેન્ટલ ડેટા

ઇમેજ સ્રોત, FACEBOOK/MOVIESATPVR
પીવીઆર અને આઇનોક્સના જુલાઈ 2017 અને ઓક્ટોબર 2017ના ઇન્વેસ્ટર પ્રૅઝન્ટેશન પર એક નજર નાખીએ તો એ સ્પષ્ટ થશે.
આઇનોક્સ લીઝર લિમિટેડ પાસે ભારતમાં કુલ 19 રાજ્યોમાં 58 શહેરોમાં 120 પ્રોપર્ટીઝમાં 481 સ્ક્રીન્સ છે.
જ્યારે પીવીઆર લિમિટેડ પાસે કુલ 18 રાજ્યોમાં 50 શહેરોમાં 126 પ્રોપર્ટીઝમાં 579 સ્ક્રીન્સ છે.
ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આઇનોક્સ પાસે કુલ 126 સ્ક્રીન્સ છે, અર્થાત કંપની પાસે 26% સ્ક્રીન્સ અસરગ્રસ્ત રાજ્યોમાં છે.
પીવીઆર પાસે આ ત્રણ રાજ્યોમાં 75 સ્ક્રીન્સ છે જે કંપની પાસેની કુલ સ્ક્રીન્સના 13% છે.
તમને આ પણ વાંચવું ગમશે
શાહ ઉમેરે છે, "ચોથું ક્વાર્ટર (જાન્યુઆરી થી માર્ચ મહિનામાં કંપનીની એકાઉન્ટિંગ ગણતરી માટે લેવાતા ત્રિમાસિક આંકડાઓનો સમયગાળો) મોટા ભાગે ઍન્ટર્ટેઇનમેન્ટ સેક્ટર માટે નબળું હોય છે."
શાહ કહે છે, એમાં આ ત્રણ રાજ્યોમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિને કારણે આ કંપનીઓના ચોથા કવાર્ટરના પરિણામો પર વિપરીત અસર દેખાવાની પુરેપુરી સંભાવના છે.
શાહ કહે છે, "ચોથા ક્વાર્ટરમાં આમ જોવામાં આવે તો આટલું લાંબું વિકેન્ડ હવે નહીં આવે એટલે જે પણ કમાણી આ મલ્ટિપ્લૅક્સ આ લૉન્ગ વિકેન્ડમાં કમાવવાના હતા તેમને નુકસાન થયું છે."
આ એક સેન્ટિમેન્ટને કારણે આજે ઍન્ટર્ટેઇનમેન્ટ સેક્ટરની ખાસ કરી ને સ્પેશિયાલિટી રિટેઇલ અને બ્રોડકાસ્ટિંગ-કેબલ ટીવી સેક્ટરની કંપનીઓના શેરના ભાવ બજાર ખુલતાની સાથે જ નીચે ખુલ્યા હતા.
બીબીસીએ ત્રણે કંપનીઓના અધિકારીઓ સાથે આ સંદર્ભે વાત કરવા પ્રયત્નો કર્યા હતા પરંતુ કંપનીના અધિકૃત અધિકારીઓએ આ સંદર્ભે બીબીસી દ્વારા કરાયેલા ફોન કોલ્સનો જવાબ સુદ્ધાં નહોતો આપ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












