કોઈ દેશના વડાંપ્રધાન માટે મા બનવું કેટલું મુશ્કેલ?

બેનઝીર ભુટ્ટો તેમનાં બાળકો સાથે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બાળકો સાથે બેનઝીર ભુટ્ટો
    • લેેખક, વંદના
    • પદ, બીબીસી સંવાદદાતા

લગભગ 30 વર્ષ પહેલાં બેનઝીર ભુટ્ટો માતા બન્યાં ત્યારે તેઓ પાકિસ્તાનનાં વડાંપ્રધાન હતાં. તેમણે પુત્રી બખ્તાવરને 25 જાન્યુઆરી, 1990ના રોજ જન્મ આપ્યો હતો.

હવે ન્યૂઝીલૅન્ડનાં 37 વર્ષના વડાંપ્રધાન જેસિંડા ઓર્ડર્ન માતા બનવાના છે. તેઓ વિશ્વના બીજા નેતા હશે કે જે વડાં પ્રધાન છે અને માતા બનશે.

પરંતુ 1990માં બેનઝીર માટે માતા બનવું જરા પણ સહેલું ન હતું. તેમને એવી ટીકાઓ સહન કરવી પડી હતી કે વડા પ્રધાનને મેટરનિટી લીવ લેવાનો હક નથી હોતો.

એ સમયનાં અખબારો અને ન્યૂઝ એજન્સીઓમાં નેશનલ એસેમ્બલીના નેતાનું આ નિવેદન છપાયું હતું, "ભુટ્ટોએ વડાં પ્રધાનના પદ પર રહીને બીજા બાળક વિશે વિચારવું જોઈતું ન હતું."

તેમણે કહ્યું હતું, "મોટા નેતાઓ પાસે લોકો કુરબાનીની આશા રાખે છે. પરંતુ આપણાં વડાંપ્રધાનને બધું જ જોઈએ છીએ - માતૃત્વ, ઘરનું સુખ, ગ્લેમર, જવાબદારીઓ. આવા લોકોને લાલચુ કહેવામાં આવે છે."

line

'પ્રૅગનન્સિ ઍન્ડ પૉલિટિક્સ'

ન્યૂઝિલૅન્ડના વડાં પ્રધાન જેસિંડા ઓર્ડર્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝિલૅન્ડના વડાંપ્રધાન જેસિંડા ઓર્ડર્ન

1988માં વડાંપ્રધાન બનતા પહેલાં બેનઝીર જ્યારે ગર્ભવતી હતાં તો તેમની પ્રૅગનન્સિ રાજકીય હથિયાર બની ગઈ.

બીબીસી માટે લખેલા એક લેખ 'પ્રૅગનન્સિ ઍન્ડ પૉલિટિક્સ'માં તેમણે લખ્યું, "1977 બાદ ઝિયા ઉલ હકે પ્રથમવાર પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ કરાવવાની જાહેરાત કરી હતી કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે હું ગર્ભવતી છું."

"તેમને લાગ્યું હતું કે એક ગર્ભવતી મહિલા ચૂંટણી અભિયાન ચલાવી શકશે નહીં."

"પરંતુ હું આવું કરી શકતી હતી, મેં એવું કર્યું પણ ખરું, હું જીતી અને આ ધારણાને મે ખોટી સાબિત કરી."

1988ની ચૂંટણીઓના કેટલાક મહિના પહેલાં બિલાવલનો પ્રીમેચ્યોર જન્મ થયો અને બેનઝીર વડાંપ્રધાન બન્યાં.

line

'શાસન માટે અનફિટ'

પુત્ર બિલાવલ સાથે બેનઝીર ભુટ્ટો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પુત્ર બિલાવલ સાથે બેનઝીર ભુટ્ટો

બેશક 30 વર્ષ બાદ પરિસ્થિતિમાં ઘણી હદે સુધારો થયો છે. પરંતુ હજી અંતર તો છે જ.

પુરુષ રાજનેતાઓને હંમેશાં તેમની રાજનીતિ માટે પારખવામાં આવે છે જ્યારે મહિલા રાજનેતાઓને તેમના કામ સિવાય હંમેશાં લગ્ન, બાળકો જેવા મુદ્દાઓ પર પણ પારખવામાં આવે છે.

પછી તે પદ પર રહીને મા બનવાની વાત હોય કે ઇચ્છાથી મા બનવાનો અધિકાર હોય.

"જાણી જોઈને માતા ન બનેલી અને શાસન કરવા માટે અનફિટ" - આ એ શબ્દ હતા જે ઑસ્ટ્રેલિયાના એક મોટા નેતાએ 2007માં જૂલિયા ગિલાર્ડ માટે કહ્યા હતા. જૂલિયા બાદમાં દેશના વડાંપ્રધાન બન્યાં હતાં.

ઇશારો એવો હતો કે જૂલિયા ગિલાર્ડને બાળકો ન હતાં અને એટલા માટે તેઓ શાસન કરવા માટે લાયક ન હતાં.

line

'નૅપિ બદલશે તો કામ ક્યારે કરશે'

ઇટાલીમાં ધી પીપલ ઑફ ફ્રિડમ પાર્ટીનાં નેતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇટાલીમાં ધી પીપલ ઑફ ફ્રિડમ પાર્ટીનાં નેતા

ગયા વર્ષે બ્રિટનમાં ચૂંટણી કવર કરતી વખતે મને પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

સંસદની ચૂંટણી પહેલાં એક ગર્ભવતી મહિલા ઉમેદવાર વિશે એક સ્થાનીક નેતાએ કહ્યું હતું, "એ તો નૅપિ બદલવામાં વ્યસ્ત હશે, લોકોનો અવાજ શું બનશે? જે મહિલા ગર્ભવતી છે તે કુશળ સાંસદ કેવી રીતે બની શકશે?"

જર્મનીની એન્જેલા મર્કલ હોય કે ભારતના માયાવતી, મહિલા નેતાઓને લગ્ન ન કરવા કે બાળકો પેદા ન કરવાના કારણોસર ટોણા સાંભળવા પડે છે.

2005માં ચૂંટણી પ્રચાર દરમિયાન એન્જેલા મર્કલ વિશે કહેવામાં આવ્યું હતું, "મર્કેલનો જે બાયોડેટા છે તે દેશની મોટાભાગની મહિલાઓનું પ્રતિનિધિત્વ નથી કરતો."

ઇશારો એ તરફ હતો કે તેઓ મા નથી એટલે દેશ અને પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓને સમજી શકતાં નથી.

જ્યારે માયાવતી મુખ્યમંત્રી બન્યાં તો મેનકા ગાંધીને જેલમાં બંધ વરુણ ગાંધીને મળવાની મંજૂરી આપી ન હતી. ગુસ્સે થયેલાં મેનકા ગાંધીએ કહ્યું હતું, "એક મા જ મારી ભાવના સમજી શકે છે."

line

સંસદમાં સ્તનપાન

ઑસ્ટ્રેલિયાની સંસદમાં પોતાના બાળકને સ્તનપાન કરવતાં સાંસદ લેરિસા વાટર્સ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાની સંસદમાં પોતાના બાળકને સ્તનપાન કરવતાં સાંસદ લેરિસા વાટર્સ

રાજનીતિની સાથે સાથે ઘર અને બાળકો સંભાળવાની જવાબદારી જ્યારે મહિલા રાજનેતાઓની હોય ત્યારે સામાજિક અને પારિવારિક સમર્થનની જરૂરિયાત પડતી હોય છે.

બ્રિટનમાં 2012માં ડૉક્ટર રોઝી કેપબેલ અને પ્રોફેસર સારાના એક રિસર્ચના પ્રમાણે સામાન્ય નાગરિકોની સરખામણીમાં મહિલા સાંસદને બાળકો ન થવાની શક્યતા બે ગણી હોય છે.

સાથે એ પણ છે કે જ્યારે બ્રિટનમાં મહિલા સાંસદ પહેલીવાર સંસદમાં આવે છે તો સરેરાશ તેના મોટા બાળકની ઉંમર 16 વર્ષની હોય છે.

જ્યારે પુરુષ સાંસદના પ્રથમ બાળકની સરેરાશ ઉંમર 12 વર્ષ હોય છે.

એનો મતલબ એ થયો કે યુવા મહિલા સાંસદોને ઉપરના પદો પર પહોંચવામાં વધારે સમય લાગે છે.

જોકે, હવે ઘણા દેશોમાં મહિલા સાંસદો માટે નવી જોગવાઈ લાગુ કરવામાં આવી છે.

જેથી તે બાળકોની સંભાળની સાથે સાથે સંસદનું કામકાજ પણ સરળતાથી કરી શકે.

2016માં ઑસ્ટ્રેલિયાના સંસદ ભવનની ચેમ્બરમાં મહિલા સાંસદોને પોતાના બાળકોને સ્તનપાન કરાવવાની મંજૂરી આપવામાં આવી.

2017માં આવું કરનારાં લેરિસા વાટર્સ ઑસ્ટ્રેલિયાના પહેલાં સાંસદ બન્યાં.

line

રાજનીતિની કસોટી

બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રિમો માયાવતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રિમો માયાવતી

ભારત આ પ્રકારની ચર્ચાથી ઘણું દૂર છે. અહીં તો ચર્ચાનો મુદ્દો જ એ છે કે સંસદમાં મહિલાઓની સંખ્યા આજ પણ ઓછી કેમ છે?

ઘણા ટીકાકારો એ સવાલ પણ ઉઠાવતા રહ્યા કે એ માત્ર સંજોગ છે કે મોટાભાગની મહિલાઓ સત્તામાં આવી તો તે સમયે તેમના લગ્ન થયાં ન હતા અથવા એકલી હતી. ઇન્દિરા ગાંધી, મમતા બેનર્જી, જયલલિતા, માયાવતી, શીલા દીક્ષિત, ઉમા ભારતી, વસુંધરા રાજે.

શું ક્યારેય એવું થશે કે જ્યારે કોઈ મહિલાની રાજકીય મહત્વકાંક્ષાને અથવા સફળતાને એ વાત પર નહીં પારખવામાં આવે કે તેમના લગ્ન થયેલાં છે, મા બની ચૂકી છે અથવા મા બનવાની છે કે બનવા નથી ઇચ્છતી.

અત્યારે તો દુનિયાની નજર ન્યૂઝીલૅન્ડના વડાં પ્રધાન પર છે. સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં સામાન્ય બાબત પર પણ નજર રહેતી હોય તેવામાં ઓર્ડર્ન મા બનનારાં પહેલાં વડાં પ્રધાન હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો