એકલતા જીવનમાં કેટલી ખતરનાક સાબિત થઈ શકે?

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તમે મિનિસ્ટ્રી ઑફ હેપ્પીનેસ વિશે તો સાંભળ્યું હશે. પણ શું તમે મિનિસ્ટ્રી ઑફ લોનલીનેસ વિશે સાંભળ્યું છે?

યુકેમાં આવું જ મંત્રાલય છે જે લોકોની એકલતા દૂર કરવા માટે કાર્યરત છે.

યુકેમાં આ મંત્રાલયની સ્થાપના સ્વર્ગસ્થ સંસદ સભ્ય જો કૉક્સે કરી હતી. જેમની યુરોપીય સંઘના જનમત પહેલાં હત્યા કરી દેવાઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ મંત્રાલયનો કારભાર હવે નવા મંત્રીના રૂપમાં ટ્રેસી ક્રાઉચ સંભાળશે.

ટ્રેસી ક્રાઉચે જણાવ્યું કે તેમને એ વાતનો ગર્વ છે કે તેમની પસંદગી એવી સમસ્યાના ઉકેલ માટે થઈ છે, જેની સામે યુકેના 90 લાખ લોકો લડી રહ્યા છે.

line

એકલતા કેટલી ખતરનાક સાબિત થઈ શકે?

જો કૉક્સ લોનલિનેસ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2017ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે એકલતા સ્વાસ્થ્ય માટે એટલી જ ખતરનાક છે જેટલી એક દિવસમાં 15 સિગરેટ પીવી હાનિકારક છે.

બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "જો કૉક્સે સમગ્ર દેશમાંથી એકલતા અનુભવતા લોકો અંગે જાણકારી મેળવી હતી અને તેમણે એકલતાથી પ્રભાવિત લોકોને મદદ કરવા દરેક સંભવ પ્રયાસ કર્યા હતા."

"જો કૉક્સનો વારસો હવે ટ્રેસી ક્રાઉચ સંભાળશે. તેઓ આયોગ, વેપારજગત અને ચેરિટી સંસ્થાઓ સાથે મળીને કામ કરશે અને સરકાર વતી વ્યૂહરચના તૈયાર કરશે."

બીબીસી બ્રેકફાસ્ટ સાથે વાત કરતા ટ્રેસી ક્રાઉચે જણાવ્યું કે લાખો પાઉન્ડનું રોકાણ ધરાવતા આ પ્રોજેક્ટના એકલતાને દૂર કરવાના અધૂરાં કાર્યોને પૂરાં કરવા પ્રયાસ કરવામાં આવશે.

line

શિયાળામાં એકલતા જીવલેણ

ટ્રેસી ક્રાઉચ

ઇમેજ સ્રોત, UK PARLIAMENT

ઇમેજ કૅપ્શન, ટ્રેસી ક્રાઉચ જણાવે છે કે તેમને મળેલી ભૂમિકા પર તેઓ ગર્વ અનુભવે છે

ડિસેમ્બર 2017માં NHS ઇંગ્લેન્ડના ચીફ નર્સીંગ ઑફિસર પ્રોફેસર જેન કમિંગે જણાવ્યું હતું કે શિયાળાની ઠંડીમાં એકલતા જીવલેણ સાબિત થઈ શકે છે.

તેઓ જણાવે છે કે કોઈનો સાથ મળવાથી વ્યક્તિના જીવનમાં ઘણી રાહત થાય છે.

75 કે તેના કરતા વધારે ઉંમર ધરાવતા આશરે અડધા લોકો એકલતામાં જીવન વિતાવે છે. જેમાંથી 20 લાખ જેટલા લોકો તો ઇંગ્લેન્ડમાં જ રહે છે.

તેમાંના અનેક લોકોનું કહેવું છે કે તેઓ દિવસો અને અઠવાડીયાઓ સુધી કોઈની સાથે વાતચીત કર્યા વગર વિતાવી શકે છે.

ટ્રેસી ક્રાઉચે કહ્યું, "આ એક મુદ્દો છે જેના પર જોએ ખૂબ ધ્યાન આપ્યું હતું તેના માટે અમે હંમેશા તેમને યાદ કરીશું."

"તેમણે યુકેમાં રહેતા એવા લાખો લોકોને મદદ કરી હતી કે જેઓ એકલતામાં જીવન વિતાવતા હતા."

જો કૉક્સના પતિ બ્રેન્ડને ટ્વીટ કર્યું હતું, "જોને ગુમાવવાનો સૌથી વધુ અફસોસ એ યાદ કરીને થાય છે કે તેઓ દુનિયાને બદલી શકવાની ક્ષમતા ધરાવતા હતા."

તેમણે એવું પણ કહ્યું કે તેઓ પોતાના બાળકોને કહેશે કે જો આજે ભલે તેમની સાથે નથી પરંતુ દૂર જઈને પણ તેઓ દુનિયાને શ્રેષ્ઠ જગ્યા બનાવી રહ્યા છે.

line

એકલતામાં શું કરવું?

જોઆન અને તેમની બિલાડી બર્ની

ઇમેજ સ્રોત, JOAN GUTTERIDGE

બીબીસીના વાચકોએ પણ દિવસને ઉત્તમ બનાવવા માટે કેટલાંક સૂચનો શેર કર્યાં હતાં.

જોઆન ગટ્ટરીજ જણાવે છે, "મારી ઉંમર 79 વર્ષની છે અને સાંજે હંમેશા મને એકલતાનો અનુભવ થાય છે. મેં મારી દીકરીને કહ્યું કે મને એક બિલાડી લાવી આપે."

"મેં એક કાળી બિલાડી પસંદ કરી. તેને મેં બર્ની નામ આપ્યું છે. હવે મારું જીવન હું તેના વગર વિચારી પણ નથી શકતી."

કમર કુરેશી નામના વાચક જણાવે છે, "હું એક પિતા છું અને મારા પત્ની હવે મારી સાથે નથી. એકલતા મને ત્યારે મારી નાખે છે જ્યારે મારા બાળકોનું પાલન પોષણ કરવા માટે હું વેપાર કરવા જાઉં છું."

"હવે મને જીમ જવાથી એકલતાથી મુક્તિ મળે છે. આ સિવાય મારાં બાળકો જ્યારે સ્કૂલે જાય છે ત્યારે હું એક સ્વયંસેવક તરીકે પણ થોડું કામ કરું છું."

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નેન્સી સૉન્ડર્સ જણાવે છે, "એકલતાનો અનુભવ થતા હું બે ચેરિટી સંસ્થાઓ સાથે જોડાઈ હતી."

"એક સંસ્થા ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા પરિવારો અને બાળકોને મદદ કરતી હતી. તો બીજી સંસ્થા પર્યાવરણના સંરક્ષણનું કામ કરતી હતી."

"વધુ એક કમ્યૂનિટી સાથે જોડાઈને મેં એક બિલાડી પાળી. મને મારી કમ્યૂનિટી સાથે ખૂબ સારો અનુભવ થાય છે અને એકલતાનો અનુભવ થતો નથી."

સરકારે જાહેરાત કરી છે કે 'ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ' એકલતાના સ્તરને માપવા માટે નવી રીત અપનાવવા પર વિચાર કરશે.

તે અનુસાર સમસ્યાના નિરાકરણ માટે ફંડની ફાળવણી કરવામાં આવશે.

જો કૉક્સના એકલતા આયોગમાં રશેલ રિવ્સ અને સીમા કેન્નેડી ચેરવુમેનનું પદ ધરાવે છે.

તેમણે 'એજ યૂકે' અને 'એક્શન ફૉર ચિલ્ડ્રન' જેવી સંસ્થાઓ સાથે કામ કરી લોકોની સમસ્યાના સમાધાન લાવવા માટે કામ કર્યું છે.

સંયુક્ત નિવેદનમાં તેમણે ટ્રેસી ક્રાઉચની નિયુક્તિના સરકારના પગલાંનુ સ્વાગત કર્યું છે.

તેઓ પણ માને છે કે આ મંત્રાલયને એક લીડરની જરૂર છે કે જેઓ રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવાની જવાબદારી ઉઠાવી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો