ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ તંદુરસ્ત છેઃ વાઈટ હાઉસના ડૉક્ટર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કોગ્નિટિવ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેઓ એકદમ તંદુરસ્ત તથા સ્વસ્થ છે, એવું વાઈટ હાઉસમાંના તેમના ડૉક્ટરે જણાવ્યું છે.
ડૉ. રોની જેકસને મંગળવારે કહ્યું હતું, "તેમની કોગ્નિટિવ ક્ષમતા કે જ્ઞાનતંતુઓની સક્રીયતા બાબતે કોઈ સમસ્યા નથી."
71 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ પર ગયા સપ્તાહે ત્રણ કલાકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ બન્યા પછીનું એ તેમનું પહેલું મેડિકલ ચેક-અપ હતું.
ડોનાલ્ડ ટ્રમ્પના માનસિક આરોગ્ય વિશે એક પુસ્તકમાં શંકા વ્યક્ત કરવામાં આવી તેના પગલે અનુમાન શરૂ થયા બાદ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
તમને આ વાંચવું પણ ગમશે:
મંગળવારે વાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. જેકસને કહ્યું હતું, "પ્રેસિડેન્ટ એકદમ તંદુરસ્ત છે અને પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન પણ તંદુરસ્ત જ રહેશે, એવું તમામ ડેટા દર્શાવે છે."
તેમણે ઉમેર્યું હતું, "તમાકુ અને દારૂથી આજીવન દૂર રહેવાથી હૃદય અને શરીરને લાંબા ગાળે જે લાભ થાય છે એ લાભ પ્રેસિડેન્ટને નોંધપાત્ર પ્રમાણમાં મળી રહ્યો છે."

"ડોનાલ્ડ ટ્રમ્પનાં જીન્સ મજબૂત"

ઇમેજ સ્રોત, Getty Images
જે વ્યક્તિ ફ્રાઈડ ચિકન ખાતી હોય, ડાયેટ કોક પીતી હોય, પણ કસરત ન કરતી હોય તે તંદુરસ્ત કઈ રીતે રહી શકે એવો સવાલ એક પત્રકારે પૂછ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સવાલના જવાબમાં ડૉ. જેકસને કહ્યું હતું, "તેનો આધાર જિનેટિક્સ પર છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં જીન્સ મજબૂત છે."
જોકે, ડૉ. જેકસને ઉમેર્યું હતું, ઓછી ચરબીવાળા ખોરાક અને વધારે કસરતથી ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થઈ શકે છે.
મેડિકલ ટેસ્ટના ભાગરૂપે મેરીલેન્ડના બેથેસ્ડાસ્થિત વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં લશ્કરી ડૉક્ટરોએ ડોનાલ્ડ ટ્રમ્પની તબીયત શુક્રવારે ચકાસી હતી.
એ તબીબોમાં ડૉ. જેકસનનો સમાવેશ થાય છે. તેઓ અમેરિકન પ્રેસિડેન્ટના સત્તાવાર ફિઝિશિયન છે.
તેઓ અમેરિકન નૌકાદળમાં રીઅર એડમિરલ હતા અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામાના ફિઝિશિયન તરીકે પણ સેવા આપી હતી.

"તત્કાળ શાબાશી ઈચ્છતું બાળક"

ઇમેજ સ્રોત, Getty Images
'ફાયર એન્ડ ફ્યૂરીઃ ઈનસાઈડ ધ ટ્રમ્પ વાઇટ હાઉસ'ના લેખક માઈકલ વુલ્ફના જણાવ્યા અનુસાર, વાઇટ હાઉસમાંના પ્રેસિડેન્ટના તમામ મદદનીશો તેમને 'તત્કાળ શાબાશી ઇચ્છતા બાળક' ગણે છે.
માઈકલ વુલ્ફના આ પુસ્તકને ડોનાલ્ડ ટ્રમ્પે 'જુઠ્ઠાણાંથી ભરપૂર' ગણાવ્યું હતું, જ્યારે વિદેશ પ્રધાન રેક્સ ટિલરસને પ્રેસિડેન્ટના માનસિક આરોગ્ય વિશેની આ કમેન્ટને ભૂલભરી ગણાવીને ફગાવી દીધી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના અંગત ડૉક્ટર તરીકે હેરોલ્ડ બોર્નસ્ટેઈન લાંબા સમયથી કાર્યરત છે.
ડૉ. હેરોલ્ડ બોર્નસ્ટેઈને 2015ના ડિસેમ્બરમાં ચૂંટણી પહેલાં જાહેર કર્યું હતું કે "ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવનારા સૌથી વધુ તંદુરસ્ત વ્યક્તિ છે."

શું છે એમઓસીએ ટેસ્ટ?

ઇમેજ સ્રોત, MOCA
સંભવિત કોગ્નિટિવ સમસ્યાની ચકાસણી માટે અમેરિકાનો વેટરન્સ અફેર્સ વિભાગ મોન્ટ્રિઅલ કોગ્નિટિવ એસેસમેન્ટ (એમઓસીએ) ન્યુરોસાયકોલોજિકલ ટેસ્ટનો ઉપયોગ કરે છે.
એમઓસીએ ટેસ્ટમાં વ્યક્તિની એકાગ્રતા, સ્મૃતિ, ભાષા, વૈચારિક ક્ષમતા અને પરિસ્થિતિ પ્રત્યેની અભિમુખતા સહિતની બાબતોનું આકલન કરવામાં આવે છે.
તમે પણ ખુદનો એમઓસીએ ન્યુરોસાયકોલોજિકલ ટેસ્ટ કરી શકો છો. એ માટે નીચે આપેલી લિંકનો ઉપયોગ કરી શકો છો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












