ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો, શું હવે કોરિયાને નહીં મળે પેટ્રોલ?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણના જવાબમાં તેના પર લાગેલા ખૂબ જ આકરા પ્રતિબંધોને મંજૂરી આપી દીધી છે.
નવા પ્રતિબંધો પ્રમાણે ઉત્તર કોરિયાની પેટ્રોલિયમ આયાત 90 ટકા સુધી ઘટી જશે.
અમેરિકાના તૈયાર કરાયેલા પ્રસ્તાવોના પક્ષમાં ઉત્તર કોરિયાના મુખ્ય વેપારી સહયોગી દેશો ચીન અને રશિયાએ પણ મતદાન કર્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે:
ઉત્તર કોરિયા પર પહેલાંથી જ અમેરિકા, યુરોપીય સંઘ અને સંયુક્ત રાષ્ટ્રના અન્ય કેટલાક પ્રતિબંધ લાગુ છે.
અમેરિકા 2008થી જ ઉત્તર કોરિયા પર નાગરિકો અને કંપનીઓની સંપત્તિ જપ્ત કરવી, વસ્તુઓ અને સેવાઓની નિકાસ પર મનાઈ જેવા અનેક પ્રતિબંધો લાદતું આવ્યું છે.
પ્રતિબંધો બાદ અમેરિકાનાં નિકી હેલીએ કહ્યું, ''પહેલા લગાવાયેલા પ્રતિબંધોમાં ઉત્તર કોરિયા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં 55 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે અમે આ ઘટાડાને વધુ ઘટાડ્યો છે.''

ટ્રમ્પ ચેતવણી આપી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલી વખત નથી કે જ્યારે ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવાયા છે અથવા તેને ધમકી આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રમાં બોલતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગને 'રૉકેટમેન' કહેતા ખૂબ જ આકરી ભાષામાં ધમકી આપી હતી.
ઉત્તર કોરિયાને ધમકાવતા ટ્રમ્પે કહ્યું હતું, ''દુનિયાના કોઈ પણ દેશને આ ગુનેગારોના હાથમાં પરમાણુ હથિયાર કે મિસાઇલો જોવામાં રુચિ નથી. અમેરિકા પાસે અમાપ શક્તિ અને ધીરજ છે."
"પરંતુ જો અમેરિકાને પોતાને કે પોતાના સહયોગીઓને સુરક્ષિત કરવા માટે મજબૂર કરવામાં આવ્યા તો અમારી પાસે ઉત્તર કોરિયાને પૂર્ણ રીતે બર્બાદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં."
"રૉકેટમેન પોતાના શાસનને પૂર્ણ કરવા અને આત્મહત્યા કરવાના અભિયાન પર છે.''
પરંતુ ટ્રમ્પની આ ધમકીની અસર ઉત્તર કોરિયા પર થઈ નહોતી. નવેમ્બરમાં ઉત્તર કોરિયાએ હવાસોંગ-15 મિસાઇલ છોડી હતી.
આ ઉત્તર કોરિયાની સૌથી લાંબુ અંતર કાપનારી અંતરમહાદ્વીપિય બેલિસ્ટિક મિસાઇલ હતી.
2017માં ઉત્તર કોરિયાએ અનેક મિસાઇલ પરીક્ષણ કર્યાં હતાં. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો બાદ પણ તેઓ સતત પરીક્ષણ કરી રહ્યા છે.
12 ફેબ્રુઆરીએ ઉત્તર કોરિયાએ મધ્યમ અંતરની મિસાઇલ છોડી હતી. ત્યારબાદ 5 એપ્રિલે જાપાનના દરિયા તરફ વધુ એક મધ્યમ અંતરની મિસાઇલ છોડી હતી.
ચાર જુલાઈએ ઉત્તર કોરિયાએ અંતરમહાદ્વીપિય મિસાઇલના સફળ પરીક્ષણનો દાવો કરતા કહ્યું હતું કે મિસાઇલે 2802 કિલોમીટરની ઊંચાઈ હાંસલ કરી હતી.

ઇમેજ સ્રોત, AFP
29 ઓગસ્ટે ઉત્તર કોરિયાએ વધુ એક અંતરમહાદ્વીપિય બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી.
જેને પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ ઉત્તર કોરિયાની પહેલી મિસાઇલ માનવામાં આવી.
જાપાન ઉપરથી પસાર થયેલી આ મિસાઇલ 550 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી હતી.
15 સપ્ટેમ્બરના રોજ જાપાન ઉપરથી ઉત્તર કોરિયાએ એક વધુ મિસાઇલ છોડીને આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી હતી.
આ સંયુક્ત રાષ્ટ્રમાં પસાર થયેલો દસમો પ્રતિબંધ છે. તો શું હાલના પ્રતિબંધો ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને રોકી શકશે?
બીબીસી સંવાદદાતા પ્રમાણે રાજકીય નિષ્ણાતોને લાગે છે કે આ હાલના પ્રતિબંધો ઉત્તર કોરિયાની પરમાણુ કે મિસાઇલ પરીક્ષણ કરવાની ક્ષમતા પર આકરો પ્રહાર કરશે.
ચીનના સમર્થનથી પસાર થયેલો આ પ્રતિબંધ ઉત્તર કોરિયાને લઈને આંતરરાષ્ટ્રીય ચિંતાને પણ દર્શાવે છે. પરંતુ શું કિમ જોંગને આ ચિંતાઓથી કોઈ ફરક પડે છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












