કૈટલોનિયાની ચૂંટણીમાં અલગતાવાદીઓને મળી બહુમતી

ઇમેજ સ્રોત, Reuters
કૈટલોનિયામાં યોજાયેલી મધ્ય સત્ર ચૂંટણીમાં અલગતાવાદીઓએ બહુમતી મેળવી છે. લગભગ તમામ મતોની ગણતરી બાદ અલગતાવાદીઓ સ્પષ્ટ બહુમતી ભણી આગળ વધી રહ્યા છે.
આ ઘટના સ્પેનના વડાપ્રધાન મૈરિયાનો રખોય માટે મોટો ઝટકો છે.
કૈટલોનિયાના અલગતાવાદી નેતા કાર્લ્સ પુજિમોન્ટે બેલ્જિયમથી વાત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામ બાબતે હવે કોઈ સવાલ ઉઠાવી શકશે નહીં.
કૈટલન રિપબ્લિકે ચૂંટણી જીતી લીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ચૂંટણીના પરિણામ બાદ સ્પેનની કેન્દ્રીય સરકાર અને કૈટલન અલગતાવાદી પક્ષો વચ્ચેની ખેંચતાણમાં વધારો થઈ શકે છે.

નિરાકરણ નહીં થાય?

ઇમેજ સ્રોત, AFP
કૈટલોનિયાની ચૂંટણીમાં સ્પેનથી અલગ થવાને સમર્થન આપતા પક્ષો અને સ્પેનની સાથે રહેવાનો આગ્રહ રાખતા પક્ષો વચ્ચે જંગ ખેલાયો હતો.
જોકે, સ્પેનની સાથે રહેવાનો આગ્રહ રાખતી સિટિઝન્સ પાર્ટીએ સંસદમાં સૌથી વધુ બેઠકો મેળવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેથી નિયમાનુસાર સરકાર રચવાની તક તેને પહેલાં મળી શકે છે.
બીબીસીના સંવાદદાતાના જણાવ્યા અનુસાર, ચૂંટણી પછી પણ કૈટલોનિયાની કટોકટીના નિરાકરણના સંકેત જણાતા નથી.
કૈટલોનિયામાં આઝાદી માટે યોજવામાં આવેલા જનમત સર્વેક્ષણને ગેરકાયદે ગણાવીને સ્પેને અલગતાવાદી પક્ષોની સરકારને ઓક્ટોબરમાં બરતરફ કરી હતી.
ગુરુવારે યોજાયેલા મતદાનમાં લોકો મોટા પ્રમાણમાં સામેલ થયા હતા અને મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી હતી.

શું છે કૈટલોનિયાનો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેન એક મહાસંઘ નહીં, પણ ઘણા અંશે વિકેન્દ્રિત દેશ છે. સ્પેનમાં કુલ 17 સ્વાયત ક્ષેત્રો છે અને એ બધાના અલગ-અલગ રાષ્ટ્રધ્વજ છે.
એ 17માં એક છે કૈટલોનિયા. આ સ્વાયત ક્ષેત્ર સ્પેનના ઉત્તર-પૂર્વ છેડા પર લગભગ ત્રિકોણાકાર સ્વરૂપમા છે.
કૈટલોનિયાની ગણતરી સ્પેનના સૌથી વધુ સમૃદ્ધ અને ઔદ્યોગિકરણ પામેલા ક્ષેત્રોમાં થાય છે.
સ્પેનના અર્થતંત્રનો લગભગ 22 ટકા હિસ્સો કૈટલોનિયાનો છે. તે સ્પેનની કુલ ચાર કરોડની વસતીનો માત્ર 16 ટકા હિસ્સો જ છે.
કૈટલોનિયાનો સ્પેનની જીડીપીમાં 19 ટકા અને નિકાસમાં 25 ટકા હિસ્સો છે.
સ્પેનથી અલગ થવાની વાતો કૈટલોનિયામાં લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ ઓક્ટોબરમાં હાથ ધરવામાં આવેલા જનમત સર્વેક્ષણને પગલે અલગતાની માગે જોર પકડ્યું છે.
ઓક્ટોબરના જનમત સર્વેક્ષણ પછી કૈટલોનિયાની સંસદે આઝાદીની એકતરફી જાહેરાત કરી દીધી હતી.
કૈટલોનિયામાં ઘણા લોકો માટે એ ઉત્સવની ઘડી હતી, પણ સ્પેન પોતાની જમીનના આ મહત્વના હિસ્સાને આસાનીથી છોડવાનું નથી.
તેથી સ્પેનની સંસદે એક દરખાસ્ત પસાર કરીને કૈટલોનિયાની સરકારને બરખાસ્ત કરી નાખી હતી અને સ્પેન પર સીધું શાસન સ્થાપિત કર્યું હતું.

અલગ થવાની માગણીનું મૂળ

ઇમેજ સ્રોત, Getty Images
કૈટલોનિયા ઇતિહાસ, સંસ્કૃતિ અને ભાષા સ્પેનથી અલગ છે. પોતે સ્પેનથી અલગ હોવાની કૈટલોનિયાની માન્યતાનાં મૂળ એ બાબતોમાં છે.
કૈટલોનિયામાં સ્પેનિશ ભાષાની સમાંતરે કૈટલોન ભાષા અસ્મિતાનો મુદ્દો છે.
કૈટલન ભાષા જેટલી સ્પેનિશની નજીક છે એટલી જ દક્ષિણ ફ્રાંસની ઓક્કિટન જેવી ક્ષેત્રીય બોલીઓની નજીક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












