આણંદ : ડોલરિયા પ્રદેશમાં પહોંચ્યા બાઇકર્સ

અમૂલ ડેરીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આણંદ અને અમૂલ એકબીજાના સમાનાર્થી બન્યા છે

વર્ષ 1995માં ખેડા જિલ્લાનું વિભાજન કરી આણંદ જિલ્લાની રચના કરવામાં આવી હતી. આમ તો આ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો છે, પરંતુ આ વિસ્તાર 'ચરોતર' તરીકે વધુ ઓળખાય છે.

ભારતના લોખંડી પુરુષ અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ પણ આ જ જિલ્લામાં આવેલી છે.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસીની મહિલા બાઇકર્સની ટીમ આણંદ આવી પહોંચી છે.

line

અમૂલ બન્યું આંતરરાષ્ટ્રીય ઓળખ

અમૂલ ડેરીની જૂની તસવીર

ઇમેજ સ્રોત, amuldairy.com

ઇમેજ કૅપ્શન, વર્ષ 1946માં અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી

આણંદનો ઉલ્લેખ થતા જ સ્મૃતિપટ પર અમૂલ ડેરીની છબી સામે આવે છે. આણંદની અમૂલ ડેરીમાં જ ભારતની શ્વેતક્રાંતિના બીજ રોપાયાં હતાં.

1940ના દાયકામાં આણંદ અને આસપાસના વિસ્તારનો સમાવેશ ખેડા જિલ્લામાં થતો હતો.

તે સમયે ત્યાંના ખેડૂતો પાસે ગાય-ભેંસ હોવા છતાં દૂધ અને દૂધની બનાવટોનું વળતર પૂરતા પ્રમાણમાં નહોતું મળતું.

કોન્ટ્રાક્ટર્સ અને વચેટિયાઓનાં કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા વર્ષ 1946માં 'ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ' નામની સહકારી સંસ્થા સ્થાપવામાં આવી હતી, જેણે બાદમાં અમૂલ ડેરીનું સ્વરૂપ લીધું.

અમૂલ ડેરી અને આણંદ સાથે આજીવન સંલગ્ન રહેલા ડૉ. વર્ગીસ કુરિયનને શ્વેતક્રાંતિના પ્રણેતા ગણવામાં આવે છે.

શ્વેતક્રાંતિમાં જેટલો ફાળો ડૉ. કુરિયનનો છે તેટલો જ ફાળો આ વિસ્તારની પશુપાલક મહિલાઓનો પણ છે.

આ પશુપાલક મહિલાઓના સંઘર્ષ અને સહકારની નોંધ આજે પણ લેવામાં આવે છે, કારણ કે સમયસર અને નિયમિત રીતે દૂધ પહોંચાડવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે.

1948ના અંત સુધીમાં રોજ 432 ખેડૂતો રોજનું 5000 લિટર દૂધ આ ડેરીને પહોંચાડતા હતા.

આજે આ ડેરીમાં અંદાજે સાત લાખ પશુપાલકો પાસેથી રોજનું 25 લાખ લિટર દૂધ એકત્ર કરવામાં છે.

line

સામાજિક જીવન

અમૂલની પ્રચાર સામગ્રીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આણંદ જિલ્લામાં કુલ આઠ તાલુકા અને 347 ગામ આવેલા છે

આ જિલ્લામાં કુલ આઠ તાલુકા અને 347 ગામ આવેલા છે. જિલ્લાની કુલ વસતિ 20,92,745 લોકોની છે.

જેમાંથી મહિલાઓની સંખ્યા 10,05,521 અને પુરુષોની સંખ્યા 10,87,224 છે.

જિલ્લાની કુલ વસતિના 14,57,758 લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે.

જિલ્લામાં 1000 પુરુષોની સરખામણીએ 925 સ્ત્રીઓ છે અને સાક્ષરતા દર 84.37 ટકા છે.

આ જિલ્લાના સંખ્યાબંધ લોકો દાયકાઓથી વિદેશમાં સ્થાયી થયા છે.

તેથી આ વિસ્તારને 'ડૉલરિયો દેશ' એવી ઉપમા પણ મળી છે. જિલ્લામાં પાટીદાર સમુદાયનું વિશેષ પ્રભુત્વ છે.

વિશાળ એનઆરઆઈ સમુદાયની અસર આ વિસ્તારમાં ઉપલબ્ધ સુવિધાઓ અને રહેણીકરણી પર પણ જોવા મળે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ પંથ BAPS(બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન) પણ આ જિલ્લાના બોચાસણ ગામમાં મૂળિયા ધરાવે છે.

line

આર્થિક પરિપ્રેક્ષ્ય

ફેક્ટરીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એન્જિનિયરિંગ ક્ષેત્રે જોડાયેલી કેટલીક પ્રસિદ્ધ કંપનીના એકમો આણંદમાં આવેલા છે

આ વિસ્તાર તમાકુની ખેતી માટે જાણીતો છે.

ઉપરાંત અહીં એન્જિનિયરિંગ, દૂધ ઉત્પાદનનો ઉદ્યોગ, ખંભાતનો અકીક ઉદ્યોગ અને કૃષિ સંલગ્ન ઉત્પાદનનો ઉદ્યોગ વિકસેલા છે.

એન્જિનિયરિંગ ક્ષેત્રે જોડાયેલી કેટલીક પ્રસિદ્ધ કંપનીના એકમો આણંદ અને આણંદ નજીકના વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં આવેલા છે.

તમને આ પણ વાંચવું ગમશે

જિલ્લામાં 950 નોંધાયેલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે. જિલ્લા મથક આણંદ સિવાય અહીં વલ્લભ વિદ્યાનગર, ખંભાત, બોરસદ, પેટલાદ, ઉમરેઠ જેવા નાનાં શહેરો છે.

અલાયદા શૈક્ષણિક વાતાવરણ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે વલ્લભ વિદ્યાનગર ગુજરાત તેમજ દેશમાં સારી એવી નામના ધરાવે છે. અહીં દસ હજારથી પણ વિદ્યાર્થો અભ્યાસ કરે છે.

line

રાજકીય પરિસ્થિતિ

સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2012ની વિધાનસભા ચૂંટણીમાં આણંદ જિલ્લાની સાત બેઠકોમાંથી પાંચ બેઠકોમાં કોંગ્રેસને વિજય મળ્યો હતો

આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકો આવેલી છે. જેમાં આણંદ, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રાનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ છે કે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ સાત બેઠકમાંથી આણંદ અને ખંભાત બેઠક જ અંકે કરી શક્યું હતું.

ઉમરેઠ બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષને વિજય મળ્યો હતો. આંકલાવ, બોરસદ, પેટલાદ અને સોજીત્રા બેઠક પર કોંગ્રેસને વિજય મળ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો