શી જિનપિંગને આપવામાં આવ્યો માઓત્સે તુંગ જેવો દરજ્જો

ચીનના સત્તાધારી કમ્યૂનિસ્ટ પક્ષે રાષ્ટ્રપતિ શી જિનપિંગની વિચારધારાને બંધારણમાં સમાવવાનો નિર્ણય કર્યો છે.

બંધારણમાં શી જિનપિંગને પહેલા કમ્યૂનિસ્ટ નેતા અને પક્ષના સ્થાપક માઓત્સે તુંગની બરોબરીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

2012માં ચીનના રાષ્ટ્રપતિ બન્યા બાદ સત્તા પરની શી જિનપિંગની પકડ વધારેને વધારે મજબૂત થઈ રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

બંધારણમાં 'શી જિનપિંગ થોટ' સમાવવાની તરફેણમાં કમ્યૂનિસ્ટ પાર્ટીએ સર્વસહમતીથી મતદાન કર્યું હતું.

કમ્યૂનિસ્ટ પક્ષના અધિવેશનના અંતે આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

બીજિંગમાં બંધબારણે યોજાયેલા આ અધિવેશનમાં 2,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ ચીનનું સૌથી વધુ મહત્વનું અધિવેશન ગણાય છે.

ચીનમાં આગામી પાંચ વર્ષ માટે સત્તાનાં સુત્રો કોના હાથમાં રહેશે તેનો ફેંસલો અધિવેશનમાં કરવામાં આવે છે.

શું છે 'શી જિનપિંગ થોટ'?

18 ઓક્ટોબરે શરૂ થયેલા કમ્યૂનિસ્ટ પક્ષના અધિવેશનમાં શી જિનપિંગે ત્રણ કલાક લાંબુ ભાષણ આપ્યું હતું.

'નવા યુગમાં ચીનની લાક્ષણિકતા સાથેના સમાજવાદ'નું વિચારદર્શન શી જિનપિંગે તેમના ભાષણમાં સૌપ્રથમવાર રજૂ કર્યું હતું.

કમ્યુનિસ્ટ પક્ષના ટોચના અધિકારીઓ અને મીડિયા શી જિનપિંગના આ પ્રવચનનો સતત ઉલ્લેખ કરતા રહ્યા છે.

આ વિચારદર્શનને 'શી જિનપિંગ થોટ' તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.

શી જિનપિંગે પક્ષને પ્રભાવિત કર્યો હોવાનો સંકેત ત્યારથી જ મળી ગયો હતો.

બીબીસી ચીનનાં તંત્રી કૈરી ગ્રેસના જણાવ્યા અનુસાર, કમ્યૂનિસ્ટ પક્ષના બંધારણમાં 'શી જિનપિંગ થોટ'ના સમાવેશનો ખાસ અર્થ છે.

તેનો અર્થ એ છે કે હવે શક્તિશાળી બની ગયેલા શી જિનપિંગને તેમના પ્રતિસ્પર્ધીઓ કમ્યુનિસ્ટ પક્ષના નિયમોનો હવાલો આપ્યા વિના પડકારી નહીં શકે.

અગાઉ પણ કમ્યૂનિસ્ટ પક્ષના નેતાઓના આગવા વિચારો હતા.

માત્ર માઓત્સે તુંગ અને દેંગ જિયાઓપિંગનું નામ જ પક્ષના બંધારણમાં તેમના વિચારોને કારણે સમાવવામાં આવ્યું હતું.

કમ્યૂનિસ્ટ પક્ષના નવ કરોડ સભ્યો ઉપરાંત સ્કૂલના સ્ટુડન્ટ્સ, કોલેજ સ્ટુડન્ટ્સ અને સરકારી કર્મચારીઓ પણ 'શી જિનપિંગ થોટ્સ'ને વાંચી શકશે.

ચીનમાં 'શી જિનપિંગ થોટ્સ'ની સાથે જ નવા સ્વરૂપે ચીની સમાજવાદી યુગ શરૂ થઈ ગયો છે.

કમ્યૂનિસ્ટ પક્ષે આ યુગને આધુનિક ચીનનું ત્રીજું પ્રકરણ ગણાવ્યું છે.

એ પૈકીનું પહેલું પ્રકરણ માઓત્સે તુંગનું હતું.

માઓત્સે તુંગે ચીનને ગૃહયુદ્ધમાંથી બહાર કાઢવા માટે લોકોને એક કર્યા હતા.

બીજું પ્રકરણ દેંગ જિયાઓપિંગે આલેખ્યું હતું.

દેંગ જિયાઓપિંગના શાસનકાળમાં ચીનની એકતા મજબૂત થઈ હતી.

દેંગ જિયાઓપિંગે ચીનને શિસ્તબદ્ધ અને વિદેશમાં મજબૂત બનાવ્યું હતું.

હવે ત્રીજું પ્રકરણ શી જિનપિંગના કાર્યકાળમાં શરૂ થયું છે.

શી જિનપિંગનું નામ પક્ષના બંધારણમાં સામેલ કરવામાં આવ્યું છે.

કમ્યૂનિસ્ટ પક્ષના નિયમનું બરાબર પાલન થતું રહેશે ત્યાં સુધી શી જિનપિંગને કોઈ પડકારી શકશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો