ગ્રાઉન્ડ રિપોર્ટઃ જાફના, જ્યાં આજે પણ હજારો લોકો ગુમ છે

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, જાફના, શ્રીલંકા
LTTE (લિબરેશન ટાઇગર્સ તમિલ ઈલમ) ના ગઢ જાફનામાં એક સમયે ગોળીઓ અને બોમ્બ ધડાકા સિવાય બીજું કંઈ જ સાંભળવા મળતું ન હતું.
વર્ષ 2009માં LTTE અને શ્રીલંકાની સેના વચ્ચે ગૃહયુદ્ધની સમાપ્તિ થઈ હતી. તેનાથી અહીં શાંતિ આવી, પણ લોકોનો ગુમ થઈ જવાનો સિલસિલો પણ બંધ થયો.
રસ્તાઓ પર ગોળીઓથી વિંધાયેલી લાશો મળવાનું બંધ થયું. લોકોના ઘરની પાસે કે તેમના ઘરની ઉપર બોમ્બ ફૂટવાનું બંધ થયું.
આજે જાફનામાં સારા રસ્તાઓ છે. હોટેલ અને શોપિંગ કૉમ્પ્લેક્સ પણ નવા છે પણ લોકોના જીવનમાં એક અજબ પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે.
વિદેશી પર્યટકો સિવાય અહીં રસ્તાઓ પર બંદૂક સાથે શ્રીલંકાના સૈનિકો પણ જોવા મળે છે.
પરંતુ LTTE અને શ્રીલંકા વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા યુદ્ધમાં લગભગ એક લાખ લોકો મૃત્યુને ભેટ્યા બાદ આજે જાફના ક્યાં છે?

ગુમ થયેલા લોકો

જે જમીન પર સિમેન્ટ અને મીઠાંની ફેક્ટરીઓ હતી, જ્યાંના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછલીનો વેપાર ખૂબ ચાલી રહ્યો હતો, ત્યાં વેપાર ઠપ કેમ છે?
જાફનાની નજીક લગભગ 60 કિલોમીટરના અંતરે કિલિનોચી છે. એક સમયે LTTEના લોકો તેને પોતાની રાજધાની તરીકે ઓળખતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંના રસ્તા પર, એક ભવ્ય હિંદુ મંદિરની સામે એક તંબુ લગાવીને સિમી હડસન 207 દિવસોથી પ્રદર્શન કરી રહ્યાં હતાં.
તેમણે જણાવ્યું કે ગૃહયુદ્ધ પૂર્ણ થયું ત્યારથી તેમનો દીકરો ગુમ છે. તે LTTEના સમુદ્રી ટાઇગર્સનો સભ્ય હતો.

પરિજનોની રાહ જોતા લોકો

ઇમેજ સ્રોત, Alamy
સિમી કહે છે, "યુદ્ધ પૂર્ણ થા બાદ મારા દીકરાની ઑમથાઈ ચોક પર ધરપકડ થઈ હતી. તેની લડાઈ બાદ કેમ ધરપકડ કરાઈ હતી ? તેને કોર્ટમાં રજૂ કરી સજા આપવાની જરૂર હતી. પણ એમ થયું ખરૂં?"
તંબુની દિવાલો પર ગુમ થયેલા લોકોની તસવીરો હતી. તસવીરોના માધ્યમથી બાળકો, વૃદ્ધો, યુવાનો બધા અમારી તરફ જોઈ રહ્યા હતા.
લોકોએ રેડ ક્રૉસથી લઇને શ્રીલંકા સરકાર સુધી રજૂઆતો કરી હતી. પરંતુ તેઓ હજુ પણ પોતાના પરિજનોની રાહ જોઈ રહ્યા છે.
હડસનને વિશ્વાસ છે કે તેમનો દીકરો જીવિત છે અને તેને કોઈ ગુપ્ત સરકારી કેમ્પમાં ગોંધી રખાયો છે.

જમીન પર કબજો

ઇમેજ સ્રોત, Getty Images
અહીંથી થોડા અંતરે એક મોટા સૈનિક કેમ્પની નજીક કેપૈપિલો ગામના ઘણા પરિવાર સેના પાસે માગ કરી રહ્યા છે કે તેઓ યુદ્ધ દરમિયાન કબજે લેવાયેલી તેમની જમીન પરત કરી દે.
થોડા વર્ષો પહેલા સુધી લશ્કરી છાવણીની સામે આ પ્રકારનું પ્રદર્શન કરવાનું વિચારી પણ શકાતું ન હતું.
જાફના વિશ્વવિદ્યાલયમાં માનસચિકિત્સાના પ્રોફેસર અને પુસ્તક 'બ્રોકેન પલ્માયરા'ના સહલેખક દયા સોમસુંદરમ કહે છે કે લોકોના મન પર જે ઘા પડ્યા છે, તે જલદી નહીં રુઝાય.
'બ્રોકેન પલ્માયરા'માં તેમણે લોકો સમક્ષ આવેલા ઘણા પડકારનો ઉલ્લેખ કર્યો છે.

પરિજનોના મોત પર શોક પણ ન કરી શક્યા

દયા સોમસુંદરમ્ કહે છે કે, "લોકોને સિસ્ટમ, સરકાર પર ભરોસો નથી."
"જૂની સરકારે તો લોકોને પોતાના સ્વજનોના મોત પર શોક પણ વ્યક્ત કરવા દીધો ન હતો."
સરકારના પ્રવક્તા અને સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર રજીતા સેનરત્ને કહે છે કે, "સરકાર કોઈ ગુપ્ત છાવણી નથી ચલાવી રહી. બધા લોકોને ત્યાંથી હટાવી લેવાયા છે."

વધુ અધિકારોની માગ

શ્રીલંકામાં સંઘ રાજ્યો તો છે પણ અહીં સત્તા કેન્દ્ર સરકારની જ ચાલે છે.
સ્થાનિક વહીવટી બાબતો માટે અહીં પ્રોવિન્શિયલ કાઉન્સિલ છે, પરંતુ પોલીસની નિમણૂક અને જમીન માલિકીની નોંધણી જેવા અધિકારો કેન્દ્ર સરકાર પાસે છે.
કાઉન્સિલ રાજકીય સુધારાની વાત કરે છે અને તેની માગ છે કે તેને વધુ અધિકારો આપવામાં આવે.
ડૉક્ટર કે. સર્વેશ્વરન ઉત્તરી પ્રોવિન્શિયલ કાઉન્સિલના સભ્ય છે. તેઓ કહે છે કે, "જો કેન્દ્ર સરકાર ઇચ્છે તો તેઓ પ્રોવિન્શિયલ કાઉન્સિલને સત્તા વિહોણી કરી શકે છે. પછી ભલે તે ગવર્નર હોય કે મુખ્ય સચિવ."

જાફનાનું મીઠું

ઇમેજ સ્રોત, Getty Images
આ બધા જ મુદ્દાઓને કારણે જાફના માટે ભૂતકાળ ભૂલીને આગળ વધવું સહેલું નથી.
જાફના ચેમ્બર ઑફ કૉમર્સના ઉપાધ્યક્ષ આર. જેયાસેગરન કહે છે, "ઉદ્યોગો બરબાદ થયા છે. દરિયા કિનારા પર ખાનગી અને ઉપજાઉ જમીન પર લશ્કરનો કબજો છે."
તેઓ કહે છે, "અમે મીઠાની આયાત પણ ભારતથી કરીએ છીએ. અમારે સ્વતંત્રતા નહીં, અમારી શક્તિઓ જોઇએ છે."

વાયદા ક્યારે પૂરા કરશે સરકાર

કે. ગુરૂપરન જાફના વિશ્વવિદ્યાલયમાં વરિષ્ઠ લેક્ચરર છે અને કાયદા વિભાગના વડા છે.
તેઓ જણાવે છે કે, "લોકો એ સવાલના અર્થ શોધી રહ્યા છે કે અમારા જીવિત રહેવાનો મતલબ શું છે? કેમ કે લોકો વિચારી રહ્યા છે કે અમે રાજનૈતિક તેમજ સામાજિક રીતે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ?"
કેન્દ્ર સરકારને એવું નથી લાગતું કે શ્રીલંકામાં તામિળ ઉગ્રવાદી ફરી એક વખત સક્રિય થાય.
બીજી તરફ જાફનામાં લોકો પૂછી રહ્યા છે કે સરકાર પ્રજાને કરેલા વાયદાઓ ક્યારે પૂરા કરવા માંગે છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












