ભગતસિંહનો કેસ લાહોરની કોર્ટમાં ફરી ચલાવવા વકીલે અરજી કરી

ઇમેજ સ્રોત, PROVIDED BY CHAMANLAL
શહીદ-એ-આઝમ ભગતસિંહની જન્મજયંતીની ઉજવણીથી પ્રેરાઈને એક પાકિસ્તાની વકીલે ભગતસિંહના મૃત્યુદંડનો કેસ પાછો ચલાવવા અરજી કરી છે.
જે કેસમાં દોષિત થવા બદલ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી અપાઈ હતી, તે કેસ ફરી ચલાવવા પાકિસ્તાની વકીલ ઈમ્તિયાઝ રાશિદ કુરેશીએ લાહોર હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી છે.
તેમની દલીલ એ છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ક્યારેય તેમના બચાવની તક નહોતી અપાઈ.
કુરેશી કહે છે, "ભગતસિંહ આપણાં સંયુક્ત નાયક હતા તેમજ ભારત અને પાકિસ્તાન બન્નેના સપૂત હતા. મારા પ્રયત્નો બન્ને દેશો વચ્ચેનો પ્રેમ અને ભાઈચારો વધારશે."
લાહોરમાં ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનનું સંચાલન કરતા કુરેશીએ તેમની પીટિશનમાં રજૂઆત કરી છે કે ભગતસિંહ સ્વાતંત્ર્ય સેનાની હતા અને તે અખંડ ભારતની આઝાદી માટે લડ્યા હતા."

"ભગતસિંહને ન્યાયનહોતોમળ્યો"

ઇમેજ સ્રોત, PROVIDED BY CHAMANLAL
તેમની રજૂઆત છે કે, ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ન્યાય નહોતો આપવામાં આવ્યો, ત્યારની અદાલતો બ્રિટિશ સરકારના પ્રભાવ હેઠળ હતી.
કુરેશીનું કહેવું છે કે, કોર્ટના આદેશો દ્વારા તેમણે તે સમયની એફઆઈઆરની નકલ મેળવી છે, પરંતુ તેમાં ભગતસિંહ, સુખદેવ કે રાજગુરૂના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉર્દૂમાં લખાયેલી આ ફરિયાદ લાહોરનાં અનારકલી પોલીસ સ્ટેશનમાં 17મી ડિસેમ્બર, 1928ના રોજ સાંજે સાડા ચાર વાગ્યે નોંધવામાં આવી હતી, જેમાં 'અજાણ્યા બંદૂકધારી'ઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.
ભારતીય દંડ સહિતાની ધારાઓ 302, 1201 અને 109 હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં નામનો ઉલ્લેખ નહોતો, છતાં તેમને હત્યાના આરોપસર ફાંસીની સજા આપવામાં આવી હતી.

ભગતસિંહને ન્યાય અપાવવાની ઈચ્છા

ઇમેજ સ્રોત, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN
બ્રિટિશ શાસકોએ માર્ચ 23, 1931ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી આપી દેવાઈ હતી.
કુરેશીનું કહેવું છે કે, પાકિસ્તાનમાં આ કેસ લડાતો હોવાથી તેમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ તેમને આશા છે કે તે ભગતસિંહને ન્યાય અપાવશે.
ભગતસિંહની 110મી જન્મ જયંતીની ઉજવણી માટે આ પાકિસ્તાની વકીલ હાલ ભારતમાં છે. તેમણે કોર્ટનું ધ્યાન એ ન્યાયિક ખામી તરફ દોર્યું છે કે જેણે એક ક્રાંતિકારી પર મર્ડર ટ્રાયલ ચલાવવાનો ડહોળ કર્યો અને તેમને ખોટી રીતે મૃત્યુદંડ આપ્યો.
કુરેશીએ એવી પણ માગણી કરી છે કે બ્રિટિશ સરકારે તેમની આ ભૂલ અને ન્યાયિક હત્યા બદલ ભારતીય સંઘ રાજ્ય અને પાકિસ્તાનની લેખિતમાં માફી માગવી જોઈએ.
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)












