મલાલાએ રખાઇનની હિંસા અંગેના તથ્યો જાણવાં જોઇએ: ગ્લોબલ ટાઇમ્સ

ઇમેજ સ્રોત, TWITTER
નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત પાકિસ્તાનની મલાલા યૂસુફઝઈએ મ્યાનમારના રખાઈન વિસ્તારમાં રોહિંગ્યા મુસલમાનો સામે થઈ રહેલી હિંસા અંગે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું.
જેમાં મલાલાએ જણાવ્યું હતું કે જ્યારે પણ તે મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોની પીડાની ખબર જોવે છે ત્યારે તે અંદરથી દુ:ખી થઈ જાય છે.
ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે મલાલાના નિવેદની ટીકા કરી છે.

ઇમેજ સ્રોત, TWITTER
મલાલાએ નિવેદનમાં જણાવ્યું હતું, ''હિંસા રોકાવી જોઈએ. મેં મ્યાનમારના સુરક્ષાદળો દ્વારા માર્યા ગયેલા એક નાના બાળકની તસવીર જોઈ. આ બાળકોએ કોઈ પર હુમલો કર્યો નહોતો, પરંતુ તેમને બેઘર કરી દેવામાં આવ્યાં છે. જો તેમનું ઘર મ્યાનમારમાં નથી તો તેઓ પેઢીઓથી ક્યાં રહેતાં હતાં?''
મલાલાએ વધુમાં લખ્યું, ''રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમાર નાગરિકતા આપે. બીજા દેશોને પણ જેમાં મારા દેશ પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. તેઓએ બાંગ્લાદેશની જેમ વિસ્થાપિત રોહિંગ્યા મુસ્લિમોને જરૂરી વસ્તુઓ પૂરી પાડવી જોઈએ.''
મલાલાએ લખ્યું છે,''હું છેલ્લા ઘણાં વર્ષોથી સતત આ ત્રાસદાયી અને શરમજનક વ્યવહારની નિંદા કરતી આવી છું. હું હજુ પણ નોબલ સન્માનથી સન્માનિત આંગ સાન સૂ ચી દ્વારા કોઈ નક્કર પગલું લેવાની રાહ જોઈ રહી છું. તેના માટે આખી દુનિયાની સાથે રોહિંગ્યા પણ રાહ જોઈ રહ્યાં છે.''

ઇમેજ સ્રોત, Getty Images
મલાલાએ આ નિવેદન ટ્વિટર પર રજુ કર્યું હતું. આ ટ્વિટની પ્રતિક્રિયામાં તેણીને ઘણાં લોકોએ ધેરી પણ હતી. ઘણાં લોકોએ જણાવ્યું કે મલાલા વાસ્તવિકતા જાણ્યાં વગર આ મામલા પર નિવેદન આપી રહી છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે તે પાકિસ્તાન સરકારને શા માટે કહેતી નથી કે રોહિંગ્યા માટે દરવાજો ખોલે.
હવે આ મામલે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ મલાલાએ ઘેરી છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે, ''મલાલાએ તેની જેમ જ નોબલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીની ટીકા કરતાં પહેલાં રખાઇન વિસ્તારમાં હિંસા સાથે જોડાયેલાં તથ્યોને જાણવા જોઈએ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું, ''આ મુશ્કેલી મુસ્લિમ ઉગ્રવાદીઓએ પેદા કરી છે. તેઓએ મ્યાનમારમાં સરકારી દળો પર હુમલો શરૂ કર્યો હતો. તેથી આગળ જઈને મ્યાન્મારના સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરવી પડી હતી. અલ્પસંખ્યક રોહિંગ્યા મુસ્લિમ અને બહુસંખ્યક બોદ્ધ વસતી વચ્ચે જાતિય અને ધાર્મિક સંઘર્ષની જમીન લાંબા સમયથી તૈયાર થઈ રહી છે.''

ઇમેજ સ્રોત, TWITTER
મલાલાના આ નિવેદન પર ભારતમાં પણ લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી. વરિષ્ઠ પત્રકાર તવલીન સિંહે મલાલા પર નિશાનો સાધતા લખ્યું, ''અન્ય નોબલ વિજેતાઓની જેમ મલાલાએ પણ પાકિસ્તાની આર્મી જે બલૂચિસ્તાનમાં કરી રહી છે તેની નિંદા કરતા ક્યારેય સાંભળ્યું નથી.''












