ભારતની આર્થિક વૃદ્ધિના અનુમાનમાં IMFએ ઘટાડો કર્યો, ખરેખર સ્થિતિ કેટલી ખરાબ છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, શુભમ કિશોર
- પદ, બીબીસી સંવાદદાતા

- ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ)એ વર્ષ 2022-23 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.4 ટકાથી ઘટાડીને 6.8 ટકા કર્યું છે. આઈએમએફ દ્વારા બીજી વખત તેના અંદાજમાં ઘટાડો કરાયો છે
- રિઝર્વ બૅંકે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 7.2 ટકાના દરે અને 2023-24માં 6.1 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન કર્યું છે
- સ્થિતિ બગડવાની માહિતી આઈએમએફ ધીમે ધીમે આપે છે. તેનું કારણ એ છે કે જો તેઓ કહી દે કે મંદી આવી ગઈ છે તો વિશ્વના નાણાકીય બજાર પર તેની ખરાબ અસર પડે
- ભારતમાં આંકડા ત્રિમાસિક આવે છે, તેમાં કૃષિ સિવાયના અસંગઠિત ક્ષેત્રના આંકડાઓ સામેલ નથી હોતા અને તેમાં ઘટાડો થઈ રહ્યો છે. તેને જોડી દેવામાં આવે તો આપણો વિકાસ દર શૂન્ય અથવા નેગેટિવ થઈ જાય

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ)એ વર્ષ 2022-23 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.4 ટકાથી ઘટાડીને 6.8 ટકા કર્યું છે. આઈએમએફ દ્વારા બીજી વખત તેના અંદાજમાં ઘટાડો કરાયો છે.
આઈએમએફના મતે ભારત સહિત વિશ્વનો વિકાસ દર આવતા વર્ષે નીચો રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધ, વિશ્વભરમાં કથળતી આર્થિક સ્થિતિ, છેલ્લા દાયકામાં સૌથી વધુ ફુગાવાનો દર અને કોરોના મહામારી આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.
ભારતની તંગ નાણાકીય નીતિ અને વૈશ્વિક કારણોને લીધે ભારતનો આર્થિક વિકાસ દર નીચો રહી શકે છે. જોકે, આઈએમએફનો અંદાજ દર આરબીઆઈના અંદાજ કરતા વધારે છે. રિઝર્વ બૅંકે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 7.2 ટકાના દરે અને 2023-24માં 6.1 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન કર્યું છે.
આઈએમએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએસ, યૂરોપીય સંઘ અને ચીનની અર્થવ્યવસ્થા બગડી રહી છે અને "સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે." જોકે તેણે ભારતના પ્રદર્શનને સારું ગણાવ્યું છે.

આઈએમએફનો તાજેતરનો અંદાજ
જેએનયુના પ્રોફેસર અરુણ કુમારનું માનવું છે કે આઈએમએફના આંકડા સચોટ નથી હોતા.
તેઓ કહે છે, "સ્થિતિ બગડવાની માહિતી આઈએમએફ ધીમે ધીમે આપે છે. તેનું કારણ એ છે કે જો તેઓ કહી દે કે મંદી આવી ગઈ છે તો વિશ્વના નાણાકીય બજાર પર તેની ખરાબ અસર પડે."
તેઓ કહે છે, "અમેરિકામાં મુશ્કેલી વધી રહી છે, યૂરોઝોનમાં પણ ઘણા લોકો માને છે કે તેઓ મંદીની ચપેટમાં છે. જેમ કે પોલ ક્રુગમૅને 2008માં કહ્યું હતું કે, આઈએમએફ કર્વની પાછળ છે, એટલે કે, ઘટાડો વધુ છે અને તેઓ ઓછો ગણાવી રહ્યા છે."

પ્રોફેસર અરુણ કુમારનું સરકારને સૂચન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- ઍક્સાઇઝ ડ્યૂટી, વેટ ઘટાડવો
- માઇક્રો યુનિટને સપોર્ટ કરવો
- ગામડાઓમાં રોજગાર યોજનાઓ સુધારવી
- ઘણા લોકોને 100 દિવસનું કામ નથી મળતું, તેમને પૂરતું કામ મળવું જોઈએ
- આ લોકોને કામ માટે વધુ પૈસા મળવા જોઈએ
- શહેરી વિસ્તારોમાં પણ રોજગાર યોજના લાવવી જોઈએ.

ભારતની સ્થિતિ

ઇમેજ સ્રોત, Reuters
જોકે, આઈએમએફ દ્વારા એમ પણ કહેવાયું છે કે ભારતનું પ્રદર્શન સારું છે. આઈએમએફના ચીફ ઇકૉનૉમિસ્ટ પીઅર-ઑલિવર ગોરિન્ચાસે મંગળવારે જણાવ્યું હતું કે, "ભારતે 2022માં સારું પ્રદર્શન કર્યું છે અને 2023માં પણ સારી ગતિએ વિકાસ કરતો રહેશે."
પ્રોફેસર અરુણ કુમાર આ વાત સાથે સહમત નથી.
તેમનું માનવું છે કે ભારતમાં એકત્ર કરાયેલા આંકડાઓમાં ખામીઓ છે, કારણ કે આઈએમએફ પોતાની રીતે ડેટા એકત્રિત કરતું નથી અને સરકારો દ્વારા આપવામાં આવેલા ડેટા પર આધારિત રહે છે, તો તેમનો અભિપ્રાય પણ તે જ ડેટા પર આધારિત છે.
પ્રોફેસર કુમાર કહે છે, "ભારતમાં આંકડા ત્રિમાસિક આવે છે, તેમાં કૃષિ સિવાયના અસંગઠિત ક્ષેત્રના આંકડાઓ સામેલ નથી હોતા અને તેમાં ઘટાડો થઈ રહ્યો છે. તેને જોડી દેવામાં આવે તો આપણો વિકાસ દર શૂન્ય અથવા નૅગેટિવ થઈ જાય."
એકંદરે, તેઓ માને છે કે પરિસ્થિતિ આઈએમએફ જે કહી રહ્યું છે તેના કરતા વધુ ખરાબ છે.
વરિષ્ઠ બિઝનેસ પત્રકાર પૂજા મહેરા પણ માને છે કે આઈએમએફના અંદાજથી બહુ ખુશ થવા જેવું નથી. તેઓ કહે છે, "ભારતમાં મંદી નહીં આવે, એનાથી આપણે બહુ ખુશ ન થવું જોઈએ. આપણો ઉદ્દેશ્ય મંદીને ટાળવાનો નથી, આપણો ઉદ્દેશ્ય ઝડપી વિકાસ કરવાનો છે જેથી કરીને ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવી શકાય."

મોંઘવારી વધશે?

ઇમેજ સ્રોત, REUTERS/RUPAK DE CHOWDHURI
રિઝર્વ બૅંક દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા માટે લીધેલા પગલાને આઈએમએફ દ્વારા યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. પરંતુ શું તેનાથી બહુ ફરક પડશે?
પ્રોફેસર કુમાર કહે છે, "હાલની સ્થિતિને જોતા, વિશ્વની ઘણી સેન્ટ્રલ બૅંકો ફુગાવો ઘટશે તેવી આશાએ વ્યાજદરમાં વધારો કરી રહી છે. પરંતુ ફુગાવાની સ્થિતિ યુક્રેન યુદ્ધ અને ચીનની કોવિડ નીતિને કારણે જે પુરવઠાની અછત સર્જાઈ છે તેના કારણે સર્જાઈ છે, તો પુરવઠાની અછત તો સમાપ્ત થવાની નથી."
તેમનું માનવું છે કે વ્યાજદર વધારવાથી વધુ ફાયદો થશે નહીં. પ્રોફેસર કુમારનું માનવું છે કે ભારતમાં નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે. તેથી અહીં સમસ્યામાં વધારો થયો છે. તેના કારણે બેરોજગારી વધી છે અને લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે.
વિશ્વમાં ક્રૂડ ઑઇલ ઉત્પાદક દેશોની સંસ્થા ઓપેક પ્લસ દ્વારા ક્રૂડ ઑઇલ ઉત્પાદન ઘટાડવાના નિર્ણયને કારણે આગામી દિવસોમાં મોંઘવારી હજુ વધી શકે છે.
પ્રોફેસર મેહરા કહે છે, "આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતો વધશે, આ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ભારત મોટાભાગે બહારથી આવતા ઑઇલ પર નિર્ભર છે. હવે ધીમે ધીમે અર્થવ્યવસ્થા રિકવરી તરફ જઈ રહી હતી, પરંતુ હવે તે ઝડપથી રિકવરી તરફ જઈ રહી છે તો એની અસર જોવા મળશે. રૂપિયો ગગડી રહ્યો છે અને જો તે વધુ ગગડશે તો ફરક પડશે.
પરંતુ તેમનું કહેવું છે કે આપણે હજુ એવી પરિસ્થિતિમાં નથી પહોંચ્યા કે આપણે બહુ ગભરાવું પડે.
આ ઉપરાંત જ્યારે ઘઉંની લણણીનો સમય હતો ત્યારે ગરમીનું જોર વધ્યું હતું અને હવે ચોખાનો સારો પાક થવાની ધારણા હતી તો છેલ્લા એક મહિનાથી વરસાદે સ્થિતિ ખરાબ કરી દીધી છે.
જો પ્રોફેસર કુમારનું માનીએ તો આની સીધી અસર જાહેર વિતરણ વ્યવસ્થા પર પડશે કારણ કે ઘઉં અને ચોખાનો સ્ટૉક ખાલી થઈ રહ્યો છે.
તેઓ કહે છે, "અત્યારે રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે, ચૂંટણી પછી સરકાર મફતમાં અનાજ આપવાનું બંધ કરી શકે છે."

સરકારે કયા પગલાં લેવાં પડશે?

ઇમેજ સ્રોત, TWITTER/@FINMININDIA
પ્રોફેસર કુમાર કહે છે કે વ્યાજદર વધારવાથી બહુ ફાયદો થશે નહીં, ઊલટાનું અર્થતંત્ર નબળું પડશે, રોકાણ ઘટશે અને મંદી વધુ તીવ્ર બનશે.
તેમનું માનવું છે કે સૌપ્રથમ અસંગઠિત ક્ષેત્રની યોગ્ય આકારણી કરવાની જરૂર છે અને માત્ર નાણાકીય નીતિથી કોઈ ફરક નહીં પડે, રાજકોષીય નીતિ પર ધ્યાન આપવું પડશે.
તેઓ કહે છે, "જો ગરીબોના હાથમાં પૈસા આવશે તો પરિસ્થિતિ સુધરશે."
પ્રોફેસર મેહરાના જણાવ્યા અનુસાર, "આરબીઆઈએ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણુ મોડું પગલું ભર્યું."
"તેઓ એ હકીકતની પાછળ છુપાવાનો પ્રયાસ કરે છે કે પરિસ્થિતિ અન્ય દેશોની તુલનામાં સારી છે અને આ પરિસ્થિતિ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઊભી થઈ છે. પરંતુ આવી પરિસ્થિતિઓ 2019થી જ બની રહી હતી."
તેએ એમ પણ માને છે કે લોકોને સબસિડી અને ટૅક્સમાં રાહત આપવી તે સરકારના હાથમાં છે, પરંતુ પેટ્રોલ અને અન્ય ટૅક્સ પર સરકારની નિર્ભરતા એટલી બધી છે કે તેઓ તેમાં કદાચ ઘટાડો કરી શકશે નહીં.
તેઓ કહે છે, "સરકાર જે રીતે અત્યાર સુધી કરતી આવી છે તે જોતાં મને નથી લાગતું કે આપણે બહુ બદલાવની અપેક્ષા રાખવી જોઈએ."

સરકારની યોજના શું છે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આઈએમએફનો રિપોર્ટ સામે આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે વિકાસ એ નરેન્દ્ર મોદી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક હશે અને કોવિડ-19 મહામારીમાંથી બહાર આવી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
તેમણે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "હું જાણું છું કે વિશ્વભરમાં વિકાસનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે. અમને આશા છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર સાત ટકાની આસપાસ રહેશે. એનાથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે, મને આગામી એક દાયકામાં સારા પ્રદર્શનનો વિશ્વાસ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













