યુક્રેન- રશિયા યુદ્ધ : 'ક્રાઇમિયાના બ્રિજ પર વિસ્ફોટનો બદલો છે યુક્રેન પર કરેલો મિસાઇલ હુમલો'- પુતિન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ન્યૂઝ
- પદ, નવી દિલ્હી

- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેન પર મિસાઇલ હુમલા એ શનિવારના ક્રાઇમિયાના બ્રિજ પર કરેલા હુમલાનો પ્રતિશોધ છે
- પુતિને ક્રાઇમિયાના મહત્ત્વપૂર્ણ બ્રિજ પર હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે.
- યુક્રેન સેનાપ્રમુખે જણાવ્યું કે રશિયાએ કિએવ પર 83 મિસાઇલો છોડી
- હુમલામાં આઠ લોકોનાં મૃત્યુ થયાં અને 24થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
- કિએવના મેયરે જણાવ્યું કે રશિયાએ કિએવની મહત્ત્વપૂર્ણ ઇમારતોને ક્ષતિ પહોંચાડી
- રશિયન રાષ્ટ્રપતિ પુતિને હુમલાની પુષ્ટિ કરી, કહ્યું, 'આતંકવાદી ગતિવિધિઓનો જવાબ'

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેન પર મિસાઇલ હુમલા એ શનિવારના ક્રાઇમિયાના બ્રિજ પર કરેલા હુમલાનો પ્રતિશોધ છે અને તેઓ વધુ ભીષણ હુમલાનો આદેશ આપવા જઈ રહ્યા છે.
પુતિને ક્રાઇમિયાના મહત્ત્વપૂર્ણ બ્રિજ પર હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે.
ત્યારે રશિયન સિક્યૉરિટી કાઉન્સિલના ડેપ્યુટી હેડ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, "આ માત્ર પ્રથમ એપિસો છે. બાકીના એપિસોડ હજી આવશે."
યુક્રેનની રાજધાની કિએવમાં સોમવારે સવારથી મિસાઇલ હુમલા થઈ રહ્યા છે.
ત્યારે કિએવ સિવાય દ્નીપ્રો, ઝેપોરિઝિયા, ખારકિએવ, તેરનોપિલ, લવિવ, સૂમી સહિત અનેક વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે.
આ શહેર રશિયાના નિશાના પર હતા અને ગત મહિને પણ અહીંયા ઘણી તબાહી થઈ છે.
એક અધિકારીએ જણાવ્યું કે સોમવારના થયેલા આ હુમલામાં લગભગ 14 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હુમલાના કારણે કેટલાંય શહેરોમાં વીજળી સપ્લાય બંધ છે. યુરોપિયન યુનિયન અને અમેરિકાએ આ હુમલાની ટીકા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં કિએવની ઘણી ઇમારતોમાંથી ધુમાડા નીકળતા જોવા મળે છે. ઇમારતો સિવાય ઘણી ગાડીઓ પણ આગમાં સપડાયેલી જોવા મળી રહી છે.
યુક્રેનના સેનાપ્રમુખ જનરલ વલેરી જાલુજ્નયીએ ટ્વીટ કરીને જણાવ્યું છેક રશિયાએ સવારથી અત્યાર સુધીમાં 83 મિસાઇલો છોડી છે. જેમાંથી 41ને ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ક્રિય કરી દીધી છે.
જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી.
સવારથી થઈ રહેલા આ હુમલાની જવાબદારી રશિયાએ સ્વીકારી છે. એક વીડિયો સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાની લાંબા અંતરની મિસાઇલોએ યુક્રેનના ઊર્જા, સૈન્ય અને સંચાર સુવિધાઓને નિશાન બનાવી છે.
તેમણે આગળ કહ્યું કે, "રશિયન વિસ્તારોમાં કોઈ પણ આતંકવાદી ગતિવિધિઓનો આકરો જવાબ આપવામાં આવશે."

ક્રાઇમિયા-રશિયાને જોડતો પુલ તોડવાનો બદલો?

ઇમેજ સ્રોત, SATELLITE IMAGE ©2022 MAXAR TECHNOLOGIES.
પુતિને જે "આતંકવાદી ગતિવિધિઓ"ની વાત કરી એ 8 ઑક્ટોબરે ક્રાઇમિયા અને રશિયાને જોડતા પુલ પર થયેલા હુમલાની વાત સાથે જોડવામાં આવી રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ઘટનાને "આતંકી હુમલો" ઘોષિત કરી હતી અને યુક્રેન પર આ પુલ તોડવાનો આરોપ લગાવ્યો હતો.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે આ હુમલો કરીને યુક્રેન રશિયાના નાગરિકો માટેની માળખાગત સુવિધાઓના એક મહત્ત્વપૂર્ણ ભાગને નષ્ટ કરવા માગે છે.
આ પુલ રશિયન સેના માટે મહત્ત્વપૂર્ણ હતો કારણ કે આ પુલ મારફતે જ યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા દ્વારા સૈન્યસરંજામો મોકલવામાં આવતા હતા.

મિસાઇલ હુમલા વચ્ચે જી-7 ગ્રૂપને સંબોધશે ઝેલેન્સ્કી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ વિશ્વની સાત સૌથી વિકસિત અને ઉન્નત અર્થવ્યવસ્થાઓના સમૂહ જી-7 દ્વારા બોલાવવામાં આવેલી આપાતકાલીન બેઠકમાં સંબોધન કરશે.
તેમણે આ વિશે ટ્વિટર પર લખ્યું છે, "આ વિશે મેં જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાત કરી છે અને તેમણે મને જી-7ની આપાતકાલીન બેઠક બોલાવવા પર સહમતી દર્શાવી છે."
ઝેલેન્સ્કીએ કહ્યું કે બેઠકમાં મારું સંબોધન નક્કી છે, જેમાં હું "રશિયન આતંકવાદી હુમલા" વિશે વાત કરીશ.
આ પહેલાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા હુમલો કરીને દેશમાં ઊર્જાની તમામ પાયાની સવલતોને નિશાન બનાવવા માગે છે.
ઝેલેન્સ્કીએ એક ટેલિગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ અરાજકતા ફેલાવા માગે છે અને ઊર્જાપ્રણાલીને ધ્વસ્ત કરવા માગે છે. તેમનો બીજો નિશાનો સામાન્ય લોકો છે. તેઓ એવી તમામ જગ્યાએ હુમલા કરી રહ્યા છે, જ્યાં લોકો વધારે હોય.

રશિયાએ યુક્રેનનો પ્રખ્યાત પુલ તોડી પાડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન મિસાઇલ હુમલામાં કિએવમાં બનેલા એક પદયાત્રીઓ માટેના પુલને ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત કર્યો છે. લોકો ક્લિટ્સ્કો પુલનો ઉપયોગ સાઇકલ ચલાવવા પણ કરતા હતા. આ પુલ 2019માં બનાવવામાં આવ્યો હતો.
નીપર નદીના કિનારે બનેલો આ પુલ પર્યટકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર હતો. તેમાં કાચની પૅનલ લાગેલી છે અને નીચે એક વ્યસ્ત રસ્તો છે.
ક્લિટ્સ્કો પુલની લંબાઈ 212 મિટર અને ઊંચાઈ 32 મિટર છે. આ પુલ સામાન્ય રીતે કલાકારો અને સંગીતકારોથી ભરપૂર હોય છે.
પુલ પર લાગેલા એક સીસીટીવી કૅમેરાના ફૂટેજ પરથી ખબર પડે છે કે હુમલો ક્યારે કરવામાં આવ્યો પણ એ ખ્યાલ આવ્યો નથી કે મિસાઇલ હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે નહીં.
આ સિવાય રશિયાના મિસાઇલ હુમલામાં જર્મનીના વાણિજ્ય દૂતાવાસને પણ નુક્સાન પહોંચ્યું છે.
સમાચાર એજન્સી રૉયટર્સે જર્મનીના વિદેશમંત્રાલયને ટાંકીને આ માહિતી આપી હતી.

રશિયા અમને ખતમ કરી દેવા માગે છે : ઝેલેન્સ્કી

ઇમેજ સ્રોત, Volodymyr Zelensky/Telegram
હુમલાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક ટેલિગ્રામ પોસ્ટમાં કહ્યું કે રશિયા તેમને ખતમ કરી દેવા માગે છે.
તેમણે લખ્યું, "રશિયા આપણને તબાહ કરી દેવા માગે છે. તેઓ આપણને ધરતી પરથી ખતમ કરી દેવા માગે છે. સમગ્ર યુક્રેનમાં એલાર્મ વાગી રહ્યાં છે."
ઝેલેન્સ્કીએ કિએવ સિવાય અન્ય જગ્યાઓએ થઈ રહેલા હુમલાને લઈને કહ્યું, "દુર્ભાગ્યથી ત્યાં લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે." તેમણે લોકોને બંકરમાં રહેવા પણ અપીલ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
યુક્રેનના સંરક્ષણમંત્રી ઓલેક્સી રેઝનીકોવે કહ્યું કે દુશ્મનોની મિસાઇલથી યુક્રેનની હિંમત તૂટશે નહીં, ભલે ને તેઓ રાજધાની પર હુમલો કેમ ન કરે.
તેમણે ટ્વીટ કર્યું, "તેઓ જે વસ્તુ ધ્વસ્ત કરી રહ્યા છે એ છે રશિયાનું ભવિષ્ય. જે બદલી શકાશે નહીં. તેઓ વૈશ્વિક સ્તરે તિરસ્કૃત આતંકવાદી દેશ બની રહ્યા છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













