You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind vs Aus : સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીનો કમાલ, ઑસ્ટ્રેલિયા પાસેથી સિરીઝ છીનવી
- લેેખક, વિધાંશુકમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી માટે
- ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મૅચની ટી-20 સિરીઝની અંતિમ મૅચ હૈદરાબાદમાં રમાઈ
- ભારતે 6 વિકેટથી મૅચ જીતીને સિરીઝ 2-1થી જીતી લીધી
- ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને સાત વિકેટ પર 186 રન બનાવ્યા
- ભારતે અંતિમ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો
- વિરાટ કોહલીએ 48 બૉલમાં 63 રન કર્યા, સૂર્યકુમાર યાદવે 36 બૉલમાં 69 રન કર્યા
ભારતે ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવીને ત્રણ મૅચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.
2013 બાદ પહેલી વાર ભારતે ઑસ્ટ્રેલિયાને ટી-20 સિરીઝમાં હરાવ્યું અને આગામી મહિને ઑસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.
ભારતના આ યાદગાર જીતના હીરો પર એક નજર નાખીએ.
સૂર્યકુમારનો 360 ડિગ્રી ઍટેક
ઑસ્ટ્રેલિયાએ આપેલો 187 રનનો લક્ષ્યાંક આમ તો આસાન નહોતો, પણ સૂર્યકુમાર યાદવે જીતનો મજૂબત પાયો નાખ્યો હતો.
ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા સૂર્યકુમારે મેદાનની ચારે બાજુ શૉટ ફટકાર્યા. કૉમેન્ટેટર્સે પણ તેમની રેન્જની પ્રશંસા કરી હતી - સ્ટ્રેટ હિટ, પુલ, સ્વીપ, ઇનસાઇડ આઉટ લૉફ્ટ, હૅલિકોપ્ટર શૉટ - ભાગ્યેજ એવો કોઈ શૉટ હશે જે તેમણે 69 રનની ઇનિંગમાં ફટકાર્યો ન હોય.
ભારતના ભૂતપૂર્વ કોચ અને હાલમાં મૅચની કૉમેન્ટરી કરી રહેલા રવિ શાસ્ત્રીએ કહ્યું, "ઑસ્ટ્રેલિયા એક મજબૂત વિપક્ષી ટીમ છે, ભારત પણ દબાણમાં હતું, એવામાં મેદાનની ચારે બાજુ અને દબાણ વિના આ રીતે રમવું એ સૂર્યકુમારનું મહત્ત્વ દર્શાવે છે."
નબળી ઓપનિંગ બાદ કોહલી-સૂર્યકુમારની ભાગીદારી
ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી અને બંને ઓપનર વધુ કંઈ કરી શક્યા નહોતા. ભારતીય ટીમ 30 રન પર 2 વિકેટ ગુમાવીને દબાણમાં આવી ગઈ હતી.
પરંતુ કોહલીએ ઝમ્પા સામે આક્રમક બેટિંગ કરીને ટીમને દબાણમાંથી બહાર લાવી દીધી અને અંતિમ ઓવરો સુધી રમવાનું ચાલુ રાખ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 100 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નિભાવી હતી.
જ્યારે સૂર્યકુમાર ક્રિઝ પર હતા ત્યારે કોહલી તેમને વધુ સ્ટ્રાઇક આપી રહ્યા હતા અને બીજા છેડેથી તેમની બેટિંગનો આનંદ માણી રહ્યા હતા, પરંતુ જ્યારે સૂર્યકુમાર આઉટ થયા ત્યારે તેમણે સતત બાઉન્ડરી ફટકારીને મૅચને કાબૂમાં કરી લીધી.
સુનીલ ગાવસ્કર પણ કોહલીનાં વખાણ કરતા થાકતા નહોતા. તેમણે કૉમેન્ટરીમાં કહ્યું, "લૉન્ગ ઑફ પર કમિન્સ સામે સિક્સર અને પછી છેલ્લી ઓવરમાં સૅમ્સની બૉલિંગમાં સિક્સર યોગ્ય સમયે ફટકારેલા શાનદાર શોટ હતા."
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ સૂર્યકુમાર યાદવના 69 રન કરતાં વિરાટ કોહલીની અડધી સદીથી વધુ ખુશ થયા હશે. કારણ સ્પષ્ટ છે - આવતા મહિને ટી-20 વર્લ્ડકપમાં કોહલીનું ફૉર્મ ભારતીય બેટિંગનો આત્મવિશ્વાસ વધારશે.
રવિ શાસ્ત્રીએ પણ એમ કહ્યું કે વર્લ્ડકપમાં વિરાટ કોહલીનું આ ફૉર્મ ભારત માટે મોટું બોનસ હશે.
અક્ષર પટેલ- મૅન ઑફ ધ સિરીઝ
પટેલે સિરીઝમાં ફરી એક વાર શાનદાર બૉલિંગ કરી અને ત્રણ વિકેટ ખેરવી. તેમણે પહેલા ફિન્ચને કૅચઆઉટ કરાવ્યા અને પછી ખતરનાક વેડને ડગઆઉટ કરીને પેવેલિયન મોકલ્યા હતા.
આ સિવાય તેમણે મૅક્સવેલને પણ સીધા થ્રોથી રનઆઉટ કર્યા અને ઑસ્ટ્રેલિયાની બેટિંગની કમર તોડી નાખી. ત્રણ મૅચની સિરીઝમાં તેમણે 10 ઓવરમાં 63 રન આપીને સર્વાધિક આઠ વિકેટ લીધી અને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યા.
અક્ષર પટેલની શાનદાર બૉલિંગે રવીન્દ્ર જાડેજાની બૉલિંગની કમી મહેસૂસ ન થવા દીધી.
યુજવેન્દ્ર ચહલ
ચહલે મિડલ ઓવરોમાં અક્ષર પટેલ સાથે શાનદાર ભાગીદારી કરી અને 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા.
આ સિવાય તેમણે સ્ટીવ સ્મિથને રૉન્ગ-વન ડિલિવરીથી કીપર કાર્તિકના હાથે સ્ટમ્પઆઉટ કરાવ્યા. ચહલે એટલી સારી બૉલિંગ કરી કે તેમની ચાર ઓવરના સ્પેલમાં માત્ર એક જ બાઉન્ડરી વાગી હતી, જે ટી-20 મૅચમાં અકલ્પનીય જેવું હતું.
છેલ્લી ઓવર ગ્રીનની જગ્યાએ સૅમ્સને આપી
ઑસ્ટ્રેલિયાએ આ મૅચમાં એક ભૂલ પણ કરી નાખી. છેલ્લી ઓવરમાં ભારતને 11 રનની જરૂર હતી. ઑસ્ટ્રેલિયા પાસે ઓવર માટે બે વિકલ્પ હતા- ડેનિયલ સૅમ્સ અને કૅમરોન ગ્રીન.
સૅમ્સે 3 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી પરંતુ ગ્રીનનો આંકડો તેમનાથી સારો હતો- 3 ઓવરમાં માત્ર 14 રન.
પરંતુ કૅપ્ટન ફિન્ચે અનુભવી સૅમ્સને બૉલિંગ આપી, જેઓ રનને અટકાવી ન શક્યા. ગ્રીનની વધુ ઊંચાઈ અને બૉલિંગમાં ઉત્તમ લૅન્થને લીધે કદાચ ભારતીય બૅટ્સમૅનોને રન લેવા મુશ્કેલ થયા હોત.
સૅમ્સના પહેલા બૉલમાં કોહલીએ ચોગ્ગો ફટકારીને મૅચને ભારતમાં પક્ષમાં કરી દીધી હતી. અને અંતે હાર્દિકના ચોગ્ગાથી નવ વર્ષ બાદ ભારત ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીત્યું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો