એ બહાદુર માતા જેણે વાઘ સાથે બાથ ભીડી, સંતાનને એના જડબામાંથી બચાવ્યું

અર્ચના
ઇમેજ કૅપ્શન, અર્ચના
    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

આ એક એવી માતાની કહાણી છે જેણે પોતાના સતાનને બચાવવા પોતાના જીવને જોખમમાં મૂક્યો અને 15 મહિનાના બાળકને વાઘના જડબામાંથી બચાવી લીધું.

જોકે, વાઘ સાથેની આ ઝપાઝપી દરમિયાન માતા-પુત્ર બંનેને ગંભીર ઈજાઓ પહોંચી. બંનેને વધુ સારવાર માટે જબલપુરની મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

અર્ચના તેમના પુત્ર સાથે મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વને અડીને આવેલા રોહનિયા ગામમાં ઘરની નજીકના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. દરમિયાન, એક મોટો વાઘ ઝાડીઓમાંથી બહાર આવ્યો અને બાળકને જડબામાં પકડી લીધું. ઘટના સપ્ટેમ્બર 2022માં બની હતી.

અર્ચના અવાચક હતાં પરંતુ તરત જ તેમણે પોતાની જાતને સંભાળી લીધી. પુત્રને વાઘથી બચાવવા માટે સંઘર્ષ કર્યો અને વાઘે તેમના પર હુમલો કર્યો.

આ દરમિયાન અવાજ સાંભળીને ગામલોકો લાકડીઓ સાથે ત્યાં પહોંચી ગયા. અર્ચનાએ હેમખેમ પોતાના પુત્રને વાઘના જડબામાંથી છોડાવી લીધો. એ બાદ વાઘે લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ગ્રામજનોએ તેને ભગાડી દીધો.

1,500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બાંધવગઢ ટાઈગર રિઝર્વની આસપાસનાં ગામોમાં રહેતા ગ્રામજનો આ ઘટના પછીથી ગભરાયેલા છે.

તે ગામડાંમાં સમયાંતરે વાઘ ક્યારેક દિવસે તો ક્યારેક રાત્રે ઘૂસી જાય છે.

ઉમરિયાના સિવિલ સર્જન ડૉ. મિસ્થી રુહેલાએ બીબીસીને જણાવ્યું કે બાળકના શરીર પરના ઘા બહુ ગંભીર નથી, પરંતુ માતાને ગંભીર ઈજાઓ થઈ છે.

line

ગંભીર રીતે ઘાયલ મહિલા

અર્ચનાનું બાળક
ઇમેજ કૅપ્શન, અર્ચનાનું બાળક

ડૉ. મિસ્થી રુહેલા કહે છે, "સામાન્ય રીતે, અમે જંગલી જાનવરોના હુમલાનો ભોગ બનેલા લોકોને 'એન્ટિ-રેબીઝ ઇન્જેક્ષન' આપીએ છીએ. અમે બંનેને એ ઇન્જેક્ષન આપ્યું છે. પરંતુ મહિલાની પીઠ પર ઘણા ઊંડા અને ગંભીર હતા. ચેપ ફેફસાં સુધી પહોંચી ગયો હતો."

આ મેડિકલ સેન્ટરના સર્જન ડૉ. સૈફે જણાવ્યું કે સ્થિતિની ગંભીરતાને જોતાં બંનેને અહીંથી 165 કિલોમીટર દૂર જબલપુર મોકલવામાં આવ્યાં છે.

જબલપુરની મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં મીડિયાને પ્રવેશવાની મંજૂરી નથી. જોકે, અર્ચનાને હૉસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યાં છે, જ્યાં કોઈને જવાની પરવાનગી નથી.

અર્ચનાના પરિવારના સભ્યો આઈસીયુની બહાર બેઠા છે. બધાને ભરોસો છે કે અર્ચના સાજાં થઈ જશે.

પત્રકારો સાથે વાત કરતાં માનપુર સબ ડિવિઝનલ ઓફિસર આર. થિરુકુરલે જણાવ્યું હતું કે હાલમાં વન વિભાગ સમક્ષ સૌથી મોટો પડકાર ટાઈગર રિઝર્વમાંથી ભટકી ગયેલા વાઘને પરત લાવવાનો છે.

તેઓ કહે છે, "અમે આ માટે ઘણાં પગલાં લીધાં છે. હાથીઓ તહેનાત કરવામાં આવ્યા છે. વન વિભાગનો આખો સ્ટાફ છે જે ઢોલ વગાડતો આગળ ચાલી રહ્યો છે. "

"પોલીસદળ પણ છે જે જરૂર પડ્યે ગોળીબાર કરી શકે છે. અમારી પાસે વાઘને બેભાન કરવા માટેની 'ડાર્ટ ગન' છે. જો વાઘ જોવા મળે તો તેને બેભાન કરીને વિચરણવિસ્તારમાં છોડી શકાય. આ કામ માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે."

લાઇન

બાંધવગઢ ટાઈગર રિઝર્વ

લાઇન
  • સાતપુરાની પહાડીઓમાં ફેલાયેલો આ ટાઈગર રિઝર્વ વિસ્તાર ઉમરિયા અને કટની જિલ્લામાં આવેલો છે.
  • મધ્ય પ્રદેશ વન વિભાગની વેબસાઈટ અનુસાર, 1,536 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ટાઈગર રિઝર્વમાં વાઘ સિવાય 34 પ્રજાતિનાં સસ્તન પ્રાણીઓ અને 260 પ્રજાતિનાં પક્ષીઓ પણ રહે છે.
  • પ્રાણીઓ ક્યારેક આસપાસનાં ગામોમાં ઘૂસી જાય છે અને લોકો અને પાકને નુકસાન પહોંચાડે છે.
લાઇન

પ્રશાસન સચેત

બાંધવગઢ ટાઈગર રિઝર્વ પાસેની એક ગામનો રસ્તો
ઇમેજ કૅપ્શન, બાંધવગઢ ટાઈગર રિઝર્વ પાસેના એક ગામનો રસ્તો

ઉમરિયા કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે પણ વન વિભાગના કર્મચારીઓ સાથે અલગ બેઠક યોજી અને સૂચના આપી કે વાઘ ટાઈગર રિઝર્વમાંથી બહાર ન આવે તે માટે વ્યવસ્થા કરવી જરૂરી છે. તેમણે આ મુદ્દે ગ્રામજનો સાથે પણ વાત પણ કરી છે.

બાંધવગઢ 'ટાઈગર રિઝર્વ'ની આસપાસનાં ગામો રહેતા લોકોની મુશ્કેલીઓ માત્ર વાઘને કારણે જ નથી. આ વિસ્તારમાં 46 જંગલી હાથીઓનું ટોળું પણ ફરે છે, જે વર્ષ 2018માં અહીં પહોંચ્યું હતું.

હવે બાંધવગઢ ટાઈગર રિઝર્વ હાથીઓનું પણ ઘર છે, જેના કારણે આસપાસના ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

'વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા'ના રિપોર્ટ અનુસાર, આ રિઝર્વમાં પહેલાં હાથીઓની હાજરી નહોતી. હવે ગ્રામજનો ફરિયાદ કરે છે કે હાથીઓનું ટોળું તેમનાં ઘરોમાં ઘૂસી જાય છે અને તેમના પાકને નુકસાન પહોંચાડે છે.

આ જ કારણે જાનવરો અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે ત્યારે સામાજિક સંસ્થાઓ અને વન વિભાગના કર્મચારીઓએ જંગલમાં રહેતા ગ્રામજનોને સાવચેત કરવા માટે 'રેપિડ ઍક્શન પ્લાન' પણ તૈયાર કર્યો છે.

આ કામ માટે 10 ગામોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી એક માનપુર પણ છે.

જોકે, આ બધું કરવા છતાં, આ જંગલની આસપાસનાં ગામડાંમાં રહેતા લોકો ચિંતિત છે કે તેઓને ખબર નથી કે ક્યારે શું થઈ જાય?

ગ્રામજનોનું કહેવું છે કે બાંધવગઢ ટાઈગર રિઝર્વની આસપાસનાં ગામડાંમાં લોકો દરરોજ રાત્રે ચોકીપહેરો ભરે છે જેથી જ્યારે પ્રાણીઓ હુમલો કરે ત્યારે તેઓ ગામને સાવચેત કરી શકે અને તેનો સામનો કરી શકે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન