You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદની સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની જામીનઅરજી ફગાવી - પ્રેસ રિવ્યૂ
અમદાવાદની સેશન્સ કોર્ટે શનિવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક આરબી શ્રીકુમારની જામીનઅરજી ખારિજ કરી દીધી હતી.
તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારે જામીન મેળવવા માટે અરજી કરી હતી, જે બાદ સરકારે બંનેની જામીનઅરજી વિરુદ્ધ સોગંદનામું દાખલ કર્યું. કોર્ટે પાછલા અઠવાડિયે જ બંને પક્ષોની દલીલ સાંભળી અને પોતાનો નિર્ણય અનામત રાખ્યો.
કોર્ટના નિર્ણય બાદ હવ બંને જેલમાં જ રહેશે. ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે પાછલી 26 જૂનના રોજ તિસ્તા સેતલવાડની વર્ષ 2002નાં ગુજરાત રમખાણ મામલે ધરપકડ કરી હતી. સેતલવાડની એનજીઓ પર રમખાણ અંગે ભ્રામક જાણકારીઓ આપવાનો આરોપ છે.
એસઆઇટીએ તિસ્તા, શ્રીકુમાર અને સંજવ ભટ્ટ વિરુદ્ધ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોને બદનામ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
એસઆઈટીએ પોતાના એક રિપોર્ટ દ્વારા એવો દાવો કર્યો હતો કે તિસ્તા, શ્રીકુમાર ભૂતપૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહમદ પટેલ પાસેથી ગુજરાત સરકારને અસ્થિર કરવા અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને બદનામ કરવા માટે 30 લાખ રૂપિયા લીધા હતા.
અમદાવાદની સેશન્સ કોર્ટે પાછલી બે જુલાઈએ સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં હતાં. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.
કૉમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતને બીજી સફળતા
બર્મિંઘમમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે આજે ભારતને બેવડી ખુશખબર મળી છે.
સંકેત સરગર બાદ ગુરુરાજ પૂજારીએ વૅઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરુરાજને આ મેડલ 61 કિલોગ્રામની કૅટગરીમાં મળ્યો છે. તેમણે કુલ 269 કિલો વજન ઊંચક્યું હતું.
અગાઉ સંકેત સરગરે 55 કિગ્રા વેઈટલિફ્ટિંગ કૅટગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઇંગ્લૅન્ડના બર્મિઘમમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં બે મેડલ જીત્યા છે.
ગુરુરાજની વાત કરીએ તો કૉમનવેલ્થ ગેમ્સમાં આ તેમનો બીજો મેડલ છે. અગાઉ વર્ષ 2018માં તેમણે ઑસ્ટ્રેલિયાના ગૉલ્ડ કોસ્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
PM મોદીએ સંકેત સરગરને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર સંકેત સરગરને અભિનંદન પાઠવ્યાં છે.
55 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર સંકેતને શુભકામના પાઠવતાં વડા પ્રધાને કહ્યું કે, "સંકેત સરગર તરફથી અસાધારણ પ્રયાસ. કૉમનવેલ્થ ગેમ્સમાં તેમનું સિલ્વર મેડલ જીતવું એક સારી શરૂઆત છે. તેમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામના."
સંકેતના વિજય પર જેટલો ગર્વ દેશને છે, તેટલો જ રાજીપો તેમનાં માતાપિતાને થઈ રહ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં સંકેતના પિતા મહાદેવ સરગરે કહ્યું, "મારા દીકરાએ ભારતને પ્રથમ મેડલ આપ્યો છે તેનાથી હું ખૂબ ખુશ છું."
જોકે, સંકેતનું કહેવું છે કે તેઓ ખુશ કરતાં વધુ ખુદથી નારાજ છે, તેમને ગોલ્ડ મેડલ જીતવો હતો.
સંકેતે કહ્યું, "ચાર વર્ષથી હું ગોલ્ડ મેડલ માટે તૈયારી કરી રહ્યો હતો અને સુવર્ણ પદક એક કદમ દૂર હતું. મને આ મેડલ મળ્યો તેનો રાજીપો છે કારણ કે તે દેશને મળનાર પ્રથમ મેડલ છે."
ઇંગ્લૅન્ડના બર્મિંઘમમાં યોજાયેલ 52મી કૉમનવેલ્થ ગેમ્સમાં સંકેતના મેડલ સાથે ભારતે મેડલનું ખાતું ખોલાવી દીધું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, "કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના સંકેત મહાદેવ સરગરે 55 કિલોગ્રામ વજન વર્ગમાં કુલ 248 કિલોગ્રામ વજન ઊંચકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. સાથે જ આ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પ્રથમ મેડલ છે."
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મલેશિયાના અનિક બિન કસદને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
'મુંબઈમાંથી ગુજરાતીઓને કાઢી નાખશો તો અહીં પૈસા નહીં બચે' : રાજ્યપાલ કોશયારી
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ મુંબઈમાં એક નિવેદન આપ્યું છે, જેનાથી વિવાદ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ એક નિવેદન આપ્યું છે, જેમાં કોઈ ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ અંગે વાત કરી રહ્યા છે.
તેમનો ટ્વિટર પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે, "મહારાષ્ટ્રમાં ક્યારેક ક્યારેય હું અહીં લોકોને કહેતો હોઉં છું, કે ભાઈ મહારાષ્ટ્રમાં વિશેષ કરીને મુંબઈ, થાણે- અહીંથી ગુજરાતીઓને કાઢી નાખો, રાજસ્થાનીઓને કાઢી નાખો તો તમારે અહીં કોઈ પૈસા બચશે જ નહીં. આ જે આર્થિક રાજધાની કહેવાય છે એ કહેવાશે જ નહીં."
મુંબઈના અંધેરી વિસ્તારમાં એક ચોકના નામકરણ સમારોહ દરમિયાન રાજ્યપાલે આ નિવેદન આપ્યું હતું.
કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની માફી માગી
કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ શુક્રવારે સાંજે 'રાષ્ટ્રપત્ની' વિવાદ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની માફી માગી છે.
ચૌધરીએ તેમના પત્રમાં લખ્યું છે કે "હું તમને ખાતરી આપું છું કે મારી જીભ લપસી ગઈ હતી. હું તમારી માફી માગું છું અને અરજી કરું છું કે તમે તેનો સ્વીકારો."
ચૌધરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "હું રાષ્ટ્રપતિને અપમાનિત કરવાનું વિચારી પણ શકતો નથી. તે એક ભૂલ હતી. જો રાષ્ટ્રપતિને ખરાબ લાગ્યું હોય તો હું વ્યક્તિગત રીતે તેમને મળીને માફી માગીશ. જો તેઓ ઇચ્છે તો મને ફાંસી આપી શકે. હું સજા માટે તૈયાર છું, પરંતુ તેમને (સોનિયા ગાંધી) શા માટે સંડોવવામાં આવે છે."
આ પહેલાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ ગૃહમાં આ મુદ્દે સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા.
કૉમનવેલ્થ ગેમ્સઃ ભારતીય મહિલા હૉકી ટીમની સારી શરૂઆત
બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હૉકી ખેલાડીઓનો મુકાબલો ઘાનાની મહિલા ખેલાડીઓ સાથે થયો હતો.
આ મૅચમાં ભારતે ઘાનાને 5-0થી હરાવીને જીત સાથે શરૂઆત કરી છે.
સવિતા પુનિયાના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ભલે મૅચમાં તમામ સ્તરે પ્રભુત્વ જમાવ્યું હોય પરંતુ પ્રથમ બે ક્વાર્ટરમાં તેમનું પ્રદર્શન સારું નહોતું રહ્યું અને ઘાનાનાં ખેલાડીઓએ તેમના ડિફેન્સમાં ટક્કર આપી હતી.
ભારત માટે સૌથી નબળું પાસું મિડફિલેડ અને ફોરવર્ડ લાઇન વચ્ચેનું નબળું લિંક-અપ રહ્યું હતું.
મહિલા હોકી ટીમને અભિનંદન આપતા સંદીપસિંહે ટ્વિટ કર્યું, "ટીમ ઈન્ડિયાને અભિનંદન. ઘાના પર 5-0થી જીત. બર્મિંઘમમમાં પ્રથમ મૅચમાં 5-0થી શાનદાર જીત માટે મહિલા હોકી ટીમને અભિનંદન..."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો