વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટની અવમાનના બદલ ચાર મહિનાની સજા - પ્રેસ રિવ્યૂ

વિજય માલ્યાને વર્ષ 2017માં કોર્ટની અવમાનના કરવાના કેસમાં ચાર મહિનાની સજા અને બે હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

સજા ફટકારતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું, "યોગ્ય સજા જરૂર આપવી જોઈએ."

આ સિવાય સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને વ્યાજ સહિત ચાર કરોડ ડૉલર જુર્માના તરીકે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. તેમણે આ ચૂકવણી ચાર અઠવાડિયાંમાં કરવી પડશે.

જો વિજય માલ્યા આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે.

વિજય માલ્યાએ વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને પોતાનાં બાળકોને ચાર કરોડ ડૉલર મોકલ્યા હતા. આ બદલ સુપ્રીમ કોર્ટે તેમને અવમાનના બદલ દોષી ઠેરવ્યા હતા.

ત્યાર બાદ કોર્ટે તેમને ઘણી વખત પ્રત્યક્ષ હાજર રહેવા સૂચના આપી હતી પરંતુ માલ્યા કોર્ટમાં હાજર ન રહેતાં અને પ્રત્યાર્પણ પણ ન થતાં ગયા વર્ષે કોર્ટે સજાની સુનાવણી આગળ વધારવાનો નિર્ણય લીધો હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં આ મામલે સુપ્રીમ કોર્ટે તેમને જાતે અથવા તો પોતાના વકીલ મારફતે હાજર રહેવા બે અઠવાડિયાંનો સમય આપ્યો હતો.

વિજય માલ્યાએ 2017ના નિર્ણયની સમીક્ષા માટે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે રદ કરી દીધી હતી.

અમરનાથ યાત્રા ફરી એક વખત શરૂ, ગુમ થયેલા 40 લોકોની શોધખોળ યથાવત્

જમ્મુ-કાશ્મીરમાં ગયા અઠવાડિયે ભારે વરસાદ બાદ થયેલી દુર્ઘટનાને કારણે રોકવામાં આવેલી અમરનાથયાત્રા આજથી પાછી શરૂ કરવામાં આવી છે. જોકે, યાત્રાને અત્યારે માત્ર એક જ રૂટથી શરૂ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ 'શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ'ને ટાંકીને જણાવ્યું, "વાદળ ફાટવાના કારણે આંશિક રીતે રોકવામાં આવેલી અમરનાથયાત્રા નુનવાન પહલગામ તરફથી સોમવારે પાછી શરૂ કરાશે."

જે તીર્થયાત્રીઓ બાલટાલ બેઝ કૅમ્પમાં યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હોય તેઓ હવે આગળ વધી શકે છે. બાલટાલ અને નુનવાન બંને તરફથી ચૉપર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

ડીડી ન્યૂઝે પણ ટ્વીટ કર્યું, "અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ ગઈ છે. તીર્થયાત્રી જમ્મુ બેઝ કૅમ્પથી મંદિર માટે જઈ શકે છે."

શ્રદ્ધાળુઓનું કહેવું છે, "અમે લોકો ઘરેથી પ્રણ લઈને આવ્યા હતા કે દર્શન કર્યાં વગર ઘરે પાછા નહીં જઈએ. "

અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે અંદાજે સાડા પાંચ વાગ્યે વાદળ ફાટવાથી અચાનક પાણી વધી જતાં 16 લોકોના મૃત્યુ થયાં છે અને હજી પણ 40 જેટલા લોકો ગુમ છે.

જાપાનમાં શિન્ઝો એબેની પાર્ટીની 'અપર હાઉસ'ની ચૂંટણીમાં જંગી જીત

જાપાનમાં ગયા અઠવાડિયે એક હુમલાખોરના હાથે માર્યા ગયેલા પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની પાર્ટીએ રવિવારે યોજાયેલી 'અપર પાર્ટીની ચૂંટણી'માં જંગી જીત મેળવી છે.

સત્તાધારી લિબરલ ડૅમોક્રેટિક પાર્ટી અને તેમના સહયોગીઓને ચૂંટણીમાં બે તૃતીયાંશથી વધુ બહુમતી મળી છે. જેથી પાર્ટી બંધારણીય સુધારાઓને આગળ વધારી શકે છે.

શિન્ઝો એબેની 8 જુલાઈએ ચૂંટણીપ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જોકે, સરકારે ચૂંટણીપ્રક્રિયા ન રોકવાનો નિર્ણય કર્યો અને રવિવારે મતદાન યોજવામાં આવ્યું.

શિન્ઝો એબે વિશ્વયુદ્ધ બાદના સંવિધાનમાં ફેરફાર કરવા માગતા હતા.

તેઓ સંવિધાનના એ ભાગને હઠાવવા માગતા હતા જે કહે છે કે 'જાપાન એક શાંતિવાદી રાષ્ટ્ર છે' પરંતુ તેઓ એ ફેરફાર કરવામાં સફળ રહ્યા ન હતા.

હવે શિન્ઝો એબેના મૃત્યુ બાદ તેમની પાર્ટી એટલી મજબૂત થઈ ગઈ છે કે તેઓ સંવિધાનમાં ફેરફાર કરી શકે છે.

શિન્ઝો એબેની હત્યાને લઈને જાપાનની પોલીસનું કહેવું છે કે તેમની સુરક્ષામાં ચૂક થઈ હતી. ત્યાર બાદથી ચૂંટણીપ્રચાર દરમિયાન અન્ય નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો