You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓવૈસીએ કેમ કહ્યું, "જ્યારે કૉંગ્રેસ ખતમ થશે ત્યારે સમજો ભાજપ પણ ખતમ" - પ્રેસ રિવ્યૂ
લોકસભા સાંસદ અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કૉંગ્રેસ અને ભાજપના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે રાજસ્થાનના એક મોટા સમાચારને ટ્વિટર પર શૅર કરતાં કહ્યું છે કે ભાજપ અને કૉંગ્રેસની મિત્રતાની વાત કોઈનાથી છુપાયેલી નથી. ખરેખર ઓવૈસી પર ભાજપની બી ટીમ હોવાનો આરોપ લાગતો રહ્યો છે. ઓવૈસીની પાર્ટીએ જ્યારે બિહાર, પશ્ચિમ બંગાળ અને યુપીની ચૂંટણીમાં ઊતરવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમના પર આ આરોપ લાગ્યા હતા.
જોકે ઓવૈસીએ આ આરોપોને ફગાવતાં કહ્યું હતું કે એક રાજકીય પાર્ટી હોવાના કારણે તેમની પાર્ટી પણ ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. રાજસ્થાનના એક મોટા સમાચારને ઓવૈસી ટ્વીટ કરતાં ઓવૈસીએ લખ્યું છે - કૉંગ્રેસ અને ભાજપની મિત્રતા કોઈનાથી છુપાયેલી નથી, એક વાર ફરીથી આ મિત્રતામાં પોતાની ભૂમિકા ભજવવા માટે કૉંગ્રેસ ભાજપના 48 નેતાઓ પર દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે.
તેમણે આગળ લખ્યું છે - પરંતુ બી ટીમ અમે છીએ. જે દિવસ કૉંગ્રેસ ખતમ થશે સમજો કે ભાજપ પણ ખતમ.
હિમાચલના સોલનમાં રોપ-વેમાં પ્રવાસીઓ ફસાયા
હિમાચલ પ્રદેશના સોલનમાં કેટલાક પ્રવાસીઓ રોપ-વેની ટ્રોલીમાં ફસાયા છે.
પરવાણુના ટિમ્બર ટ્રેલમાં ફસાયેલા પૈકી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ કેબલ કારમાં હજુ પણ નવ લોકો છે.
કસૌલીના કલેક્ટર દાનવીર ઠાકુરે કહ્યું છે કે એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચવાની તૈયારીમાં છે.
હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ટિમ્બર ટ્રેલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે.
મુખ્ય મંત્રીએ કહ્યું છે કે તેઓ પોતે ઘટનાસ્થળે જઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગ્નિપથ ભરતી યોજના : ભારતીય સેનાએ જાહેર કર્યું નિમણૂક માટેનું નોટિફિકેશન
ભારતીય સેનાએ અગ્નિપથ ભરતી યોજના અંતર્ગત નિયુક્તિ માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આના માટે ઉમેદવારોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ટેકનિકલ (એવિએશન/એમ્યૂનિશન ઍક્ઝામિનર), અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમૅન જેવાં પદો પર નિયુક્તિ માટે ઑનલાઇન રજિસ્ટ્રેનની પ્રક્રિયા જુલાઈ, 2022થી શરૂ થશે.
સેના તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં સેવાની શરતો, યોગ્યતા, સેવામુક્તિ અને અગ્નિપથ યોજના સાથે જોડાયેલી અન્ય મહત્ત્વપૂર્ણ જાણકારી અપાઈ છે.
સેનાના નોટિફિકેશનમાં કહેવાયું છે કે એનરૉલમૅન્ટ સાથે જ તેમનો સેવાકાળ શરૂ થઈ જશે.
ચાર વર્ષના સેવાકાળ દરમિયાન તેમની રજાઓ, યુનિફોર્મ, વેતન અને ભથ્થાં સમયાંતરે ભારત સરકારના આદેશાનુસાર આપવામાં આવશે. તેમણે જમીન, સમુદ્ર કે હવાના માર્ગે ક્યાંય પણ તહેનાત કરવામાં આવી શકે છે.
અગ્નિવીરોની નિમણૂક ગમે તે રેજિમૅન્ટમાં કરી શકાય છે અને તેમની બદલી સેનાના હિતમાં ક્યાંય પણ કરી શકાય છે.
નોટિફિકેશન અનુસાર ચાર વર્ષનો સેવાકાળ પૂરો થયા બાદ તેઓ પદ પરથી મુક્ત થઈ જશે. તેમને સેવાનિધિ પૅકેજ અપાશે. અને તેઓને કોઈ પણ પ્રકારનાં પેન્શન કે ગ્રૅચ્યુઇટી મેળવવાના હકદાર નહીં ગણાય. તેમજ તેમને પૂર્વસૈનિકોને મળનારી સ્વાસ્થ્ય, કૅન્ટિન સુવિધાઓ પણ નહીં મળે. તેમને પૂર્વ સૈનિકોનો દરજ્જો પણ હાંસલ નહીં હોય અને ના તેમને તેની સાથે સંબંધિત સેવાઓ મળશે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધ, રાજ્યોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
કેન્દ્ર સરકારે જ્યારથી સૈન્યભરતી માટેની યોજના અગ્નિપથની જાહેરાત કરી છે, ત્યારથી દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આજે સોમવારે કેટલાંક સંગઠનો દ્વારા ભારત બંધની જાહેરાત કરવામાં આવતાં વિવિધ રાજ્યોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
અહેવાલ મુજબ સેનાની ત્રણેય પાંખના વડાઓએ રવિવારે પત્રકારપરિષદ યોજીને યોજના પાછી નહીં ખેંચાવાનું જણાવ્યા બાદ આ ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે.
અત્યાર સુધી વિરોધ કરનારાઓએ ટ્રેનો, બસો તેમજ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું હોવાથી સોમવારના દિવસે વિવિધ રાજ્યોમાં પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે અને દેશભરમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે હરિયાણા, પંજાબ, કેરળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ તેમજ બિહારમાં સૌથી વધુ પોલીસ તહેનાત કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના ઍક્ટિવ કેસ અને દૈનિક કેસ પૈકી 50% કેસ અમદાવાદમાં
ગુજરાતમાં નોંધાઈ રહેલા કોરોના કેસની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 200ને પાર પહોંચ્યા છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, રવિવારે ગુજરાતમાં 244 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 131 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેમને રજા આપવામાં આવી છે.
નવા નોંધાયેલા કેસમાં 120 કેસ સાથે અમદાવાદ સૌથી અવલ છે. ત્યાર બાદ 38 કેસ સાથે સુરત, 34 કેસ સાથે વડોદરા અને 10 કેસ સાથે રાજકોટનો સમાવેશ થાય છે.
ઍક્ટિવ કેસની વાત કરવામાં આવે તો ગઈકાલે નોંધાયેલા 244 કેસ અને 131 દર્દીઓના ડિસ્ચાર્જ બાદ રાજ્યમાં હાલ 1,374 ઍક્ટિવ કેસ છે. જે પૈકી 730 કેસ માત્ર અમદાવાદમાં છે.
આમ, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નોંધાતાં કુલ દૈનિક કેસ પૈકી અડધા કેસ અમદાવાદમાં નોંધાય છે અને 50%થી વધુ ઍક્ટિવ કેસ પણ અમદાવાદમાં જ છે.
યુદ્ધના મોરચે તહેનાત યુક્રેનિયન સૈનિકોને અચનાક મળવા પહોંચ્યા રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી યુદ્ધના મોરચે રશિયાના ગોળીબારનો સામનો કરી રહેલા સૈનિકોને મળવા માટે એકાએક પહોંચી ગયા હતા.
સૈનિકોને મળતા પહેલાં ઝૅલેન્સ્કીએ માઇકોલેવ શહેરમાં રશિયાના હુમલાથી ક્ષતિગ્રસ્ત થયેલી ઇમારતોનું નીરિક્ષણ કર્યું હતું.
ઝૅલેન્સ્કી ત્યાર બાદ યુક્રેનના મહત્ત્વપૂર્ણ એવા બંદરશહેર ઓડેસા ગયા હતા. મારિયુપોલ અને ઓડેસા બંને મહત્ત્વપૂર્ણ શહેર છે. કારણ કે ત્યાં આવેલા બંદરો પર સ્થાપત્ય જમાવીને રશિયા કાળા સમુદ્ર પર કબજો કરી શકે છે.
આ વચ્ચે પૂર્વ ડોનબાસમાં પણ ભારે સંઘર્ષ ચાલુ છે. ખાસ કરીને સેવેરોદોનૅત્સ્ક શહેરની આસપાસમાં.
ત્યાંના ગવર્નરે કહ્યું કે રશિયા મોટી સંખ્યામાં પોતાના સૈનિકોને આ વિસ્તારમાં લડવા માટે મોકલી રહ્યું છે.
આ ઉપરાંત દોનૅત્સ્કમાં રશિયા સમર્થિત અલગતાવાદીઓનો દાવો છે કે યુક્રેનના ગોળીબારથી પાંચ સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો